Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રાજકોટ યુએલસીના ૮૪ પ્લોટમાં જીઓ ટ્રેકીંગઃ સેટેલાઇટ ''વોચ'' રાખશે

રાજ્ય સરકારે યુએલસીના ખુલ્લા પ્લોટમાં દબાણ સામે રાજ્યભરમાં સ્પે.સોફટવેર દ્વારા કાર્યવાહી શરૂ કરાવી : રાજકોટ કલેકટર-એડી.કલેકટર દ્વારા તમામ સર્કલ ઓફીસરોને ૮૪ પ્લોટની સ્થિતિ લોક કરી લેવા કરેલા આદેશો : આજે કામગીરી પણ પૂરી થશે... : ખુલ્લા પ્લોટમાં જેવુ કોઇ દબાણ કરશે કે તુર્તજ સેટેલાઇટ મારફત કલેકટર-મામલતદાર સર્કલ ઓફીસરને ડાયરેકટ જાણ થઇ જશે

રાજકોટ તા. ર૦ : રાજકોટ સહિત રાજ્યભરમાં યુએલસીના હાલ ખુલ્લા પડેલા સરકારી ફાજલ પ્લોટમાં હવે કોઇ દબાણ ન થાય અને કરોડોની જમીન હાથમાંથી ચાલી ન જાય એટલે એક મહત્વની સિસ્ટમ શરૂ કરી છે, અને રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરોને ગયા અઠવાડિયે સુચના આપી તેની અમલવારી તાકિદે કરાવવા આદેશો કર્યા છે.

યુએલસીની જમીનના ખુલ્લા પ્લોટ ઉપર ર૪ કલાક બાજ નજર રહે તે માટે સરકારે જીઓ ટ્રેકીંગ નામની સિસ્ટમ અમલમાં મુકી અને તે અંગે અમલવારદી કરવાની સુચના આપતા, રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ આ જીઓ ટ્રેકીંગ હેઠળ રાજકોટ યુએલસીના ફાજલ હાલ ખુલ્લા પડેલા ૮૪ પ્લોટને આવરી લીધા છે, અને તેને લોક કરવાનું કામ આજે પુરૂ થઇ જશે તેમ અધીકારી વર્તુળોએ ઉમેર્યું હતું.

રાજકોટ કલેકટર દ્વારા રેવન્યુમાં આવેલી આ અત્યંત મહત્વની સિસ્ટમને તમામ મામલતદાર તથા સર્કલ ઓફીસરોને ફોલો કરાવી, ખાસ કરીને સર્કલ ઓફીસરને આ સ્પે. સોફટવેર તેમના મોબાઇલમાં ડાઉન લોડ કરાવી તમામ ૮૪ પ્લોટ ઉપર સ્થળ ઉપર જઇ પંચ કરવાની સુચના આપી હતી.

અને તે પ્રમાણે જે તે સર્કલ ઓફીસરો દ્વારા પોતાના વિસ્તારમાં આવતા યુએલસીના ખુલ્લા પ્લોટ ઉપર જઇ મોબાઇલ દ્વારા આ જમીનને લોક કરી, -ટ્રેડીંગ કરી, કેવડો પ્લોટ, કેટલા ચો.મી.જગ્યા, કયા વિસ્તાર, કેટલા વર્ષથી ખુલ્લો છે, પહેલા દબાણ હતું. કે નહી, દબાણ હોય તો કયારે હટાવાયું વિગેરે તમામ વિગતો આ જીઓ ટ્રેડીંગમાં ભરી ખાસ સેટેલાઇટ મારફત લીન્કઅપ કરી દેવાશે. હાલ સર્કલ ઓફીસરો પાસે જ આ સ્પે. સોફટવેર છે, બાદમાં નજીકના દિવસોમાં કલેકટર, એડી. કલેકટર-મામલતદારોને પણ આ સોફટવેર આપી દેવાશે.

આ જીઓ ટ્રેડીંગ હેઠળ આવરી લેવાયેલ તમામ ૮૪ પ્લોટ ઉપર હવે કોઇ દબાણ કરશે, કે તુર્તજ કલેકટર-મામલતદાર-સર્કલને સેટેલાઇટ મારફત મેસેજ મળી જશે, અને તુર્તજ ટીમો દબાણ હટાવવા માટે દોડી જશે.

હાલ રાજકોટમાં આજે આ કામ પુરૂ થઇ જશે, તમામ ૮૪ પ્લોટ સેટેલાઇટની વોચમાં આવી ગયા છે, આખા રાજ્યમાં આ કામગીરી ચાલુ છે.

આ સિસ્ટમ સફળ થયે, રાજકોટ શહેર-જીલ્લાની તમામ સરકારી ખુલ્લી જમીનોને પણ આવરી લેવા અંગે તબકકાવાર અમલીકરણ કરાશે, તેમ સાધનોએ ઉમેર્યું હતું.

(4:27 pm IST)