Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં બુધવારે વિદ્યાંજલી સમારોહ

સ્વપ્નશિલ્પી સ્વ. વિજયભાઇ ધોળકિયાને સ્મૃતિ અંજલી અર્પવા : શિક્ષણ ક્ષેત્રે ડો. અલ્પનાબેન ત્રિવેદી, સાહિત્ય ક્ષેત્રે સંજુવાળા સંગીત ક્ષેત્રે હરીકાંતભાઇ સેવક, નાટયક્ષેત્રે કૌશિકભાઇ સિંધવ, ઉદ્યોગ ક્ષેત્રે જગજીવનભાઇ સખીયાને સન્માનીત કરાશે

રાજકોટ તા. ર૦: ૧૧૯ વર્ષ જુની શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તેના પાયાના પથ્થર અને સ્વપ્નશિલ્પી વિજયભાઇ ધોળકિયાની સ્મૃતિને અંજલિ આપવા વિદ્યાંજલિ સમારોહનું આયોજન કરી રહેલ છે. આ શાળાના પાયાના પથ્થર સ્વ. શ્રી વિજયભાઇ ધોળકિયાની વિદાયને ૩૦ વર્ષ પૂરાં થયા છે.

આ વિરલ શિક્ષકને છાજે તેવી રીતે વિશિષ્ટ મૌન સેવાવ્રત વ્યકિતત્વના સન્માનનું આ ત્રીજું વર્ષ છે કે જેમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં મૌન રહીને સેવામા માનતા અગ્રણીઓનો ઋણ સ્વીકારનો કાર્યક્રમ તા. રરના બુધવારે સવારે ૧૦ વાગ્યે યોજવામાં આવશે.

જેમાં શિક્ષણક્ષેત્રે ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન), સાહિત્યક્ષેત્રે જાણીતા કવિશ્રી સંજુ વાળા, સંગીત ક્ષેત્રના ભીષ્મપિતામહ હરીકાંતભાઇ સેવક, નાટયક્ષેત્રે મુઠી ઉંચેરૃં નામ કૌશિકભાઇ સિંધવ અને ઉદ્યોગક્ષેત્રે રાજકોટને ગૌરવ અપાવનાર ઉદ્યોગ ઋષિ જગજીવનભાઇ સખીયાનું અદકેરૃં સન્માન કરી ઋણ સ્વીકાર કરવામાં આવશે.

શ્રી શિવાનંદ મિશન, અમદાવાદના અધ્યક્ષ અને યોગ-અધ્યાત્મના સ્વામી શ્રી અધ્યાત્માનંદજીના હસ્તે વિશિષ્ટ વ્યકિતત્વોના સન્માન થશે. સૌ. યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી અતિથિ વિશેષ ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ કાલાવડ રોડ, રાજકોટ ખાતે ધોળકિયા સ્મૃતિ સભાખંડમાં આયોજીત આ સમારોહમાં સમાજના અનેક આગેવાનો, શિક્ષકો, આચાર્યો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ પ્રસંગે વિજયભાઇને સ્મરણાંજલિ અર્પણ કરવા ખાસ હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલનું ત્રીજા વર્ષે આ વિશેષ આયોજન સમાજના વિવિધ ક્ષેત્રોમાં મૌન રહીને પ્રદાન કરી રહેલા વ્યકિતત્વોને આદરપૂર્વક સન્માનવાનું છે. અત્યાર સુધીમાં મનસુખભાઇ મહેતા, બળવંતભાઇ દેસાઇ, ડો. એસ. ટી. હેમાણી, દેવેન્દ્રભાઇ દેસાઇ, નલીનભાઇ છાયા, હિમાંશુભાઇ માંકડ, ડો. નીતિન વડગામાનું સન્માન થઇ ચૂકયું છે.

આ વર્ષે વધુ પાંચ વરિષ્ઠો ડો. અલ્પનાબેન ત્રિવેદી, સંજૂ વાળા, હરિકાન્તભાઇ સેવક કૌશિકભાઇ સિંધવ, જગજીવનભાઇ સખીયાને સન્માનવાનો લ્હાવો ટ્રસ્ટ લઇ રહ્યું છે ત્યારે રસ ધરાવતા સૌને સમયસર ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સમગ્ર સમારોહને સફળ બનાવવા ડો. ઇલાબેન વછરાજાની, ડો. નિદત બારોટ, મુકેશ દોશી, ડો. હરદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

(4:18 pm IST)
  • આવતીકાલે પ્રધાનમંડળની અંતિમ બેઠક બોલાવતા વડાપ્રધાન : હવે પછી નવુ પ્રધાનમંડળ આવશે access_time 4:26 pm IST

  • રાજકોટમાં ૧૦ કિલો ગાંજા સાથે મહેમૂદા ઉર્ફ લાલુડી પકડાઇઃ દેવપરા પાસે વિવેકાનંદનગરમાં રહેતી સંધી મુસ્લિમ મહિલા રિક્ષામાં બેસી નિલકંઠ ટોકિઝ પાસેથી નીકળતાંભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દબોચી લેવાઇઃ રિમાન્ડ મેળવવા તજવીજ access_time 11:25 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST