Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

દેવપરામાંથી ૧૦ કિલો ગાંજા સાથે મહેમૂદા પકડાઇ

ગાંજાના કેસમાં માતા, બહેન, બનેવી, ભાણેજ જેલમાં હોઇ તેને છોડાવવા વકીલની ફી માટે પૈસાની જરૂર હોઇ સુરતથી ગાંજો લાવીઃ વેંચે એ પહેલા દબોચાઇ ગઇ : ભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દબોચી લેવાઇઃ વિવેકાનંદનગરમાં રહેતી લાલૂડી તરીકે ઓળખાતી સંધી મુસ્લિમ મહિલા સુરતના ભૈયા પાસેથી ગાંજો ખરીદી એસટી બસ મારફત રાજકોટ સુધી પહોંચ્યાની કબુલાતઃ રિમાન્ડની તજવીજ : મહેમૂદાની માતા અમીના સામે બે કેસઃ બહેન મદીના,બનેવી ઉસ્માન તથા ભાણેજ અફસાના ૩૭૦ કિલો ગાંજા સાથે ઝડપાયા હતાં: આ ચારેય જેલમાં છે

તસ્વીરમાં માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, પી.આઇ. વી. કે. ગઢવી અને સાથેટીમ તથા ઝડપાયેલી મહિલા મહેમૂદા ઉર્ફ લાલુડી અને કબ્જે થયેલો ગાંજાનો જથ્થો જોઇ શકાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: શહેરમાં વધુ એક વખત માદક પદાર્થ ઝડપાયો છે. અગાઉ જંગલેશ્વરમાંથી લાખોનો ચરસ, ગાંજો, બ્રાઉન સ્યુગર સહિતના માદક પદાર્થના જથ્થા સાથે મહિલાઓ અને સપ્લાયરને પણ પકડી લેવાયા હતાં. ત્યાં દેવપરા વિવેકાનંદનગર શકિત હોટેલવાળી શેરીમાં રહેતી સંધી મુસ્લિમ મહિલાને ભકિતનગર પોલીસે નિલકંઠ ટોકિઝ પાસેથી ૧૦ કિલો ગાંજા સાથે પકડી લીધી છે. આ મહિલાની માતા, બહેન, બનેવી અને ભાણેજ ગયા વર્ષે લાખોના ગાંજા સાથે ઝડપાતાં હાલ જેલહવાલે છે. આ તમામને જેલમાંથી છોડાવવા માટે વકિલની ફી માટે પૈસાની જરૂર હોઇ અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર હોઇ જેથી પોતે સુરતથી ગાંજો વેંચવા માટે લાવી હોવાનું આ મહિલાએ કબુલ્યું છે. જો કે કોઇને સપ્લાય કરે એ પહેલા પોલીસની ઝપટે ચડી ગઇ છે.

ભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાને પાક્કી બાતમી મળી હતી કે વિવેકાનંદનગરમાં રહેતી મહેમુદા ઉર્ફ લાલૂડી હુશેન મામદભાઇ કઇડા (સંધી) (ઉ.૩૫) રિક્ષામાં ગાંજો લઇને નીકળવાની છે. આ માહિતીને આધારે ટૂકડીએ વોચ રાખી હતી. દરમિયાન બાતમી મુજબ એ મહિલા રિક્ષામાં પસાર થતાં તેને નિલકંઠ ટોકિઝ પાસે અટકાવી તેની પાસેના કાળા રંગના થેલાની તલાશી લેવામાં આવતાં અંદરથી ગાંજો મળ્યો હતો. પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવતાં કુલ ૧૦.૪૩૦ કિલો ગાંજો થયો હતો. જેની કિંમત રૂ. ૬૨૫૦૦ ગણી તે તથા રૂ. ૧૭૦૦ રોકડા અને ૧૦ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૪૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પીએસઆઇ બી. બી. કોડીયાતરે ફરિયાદી બની મહેમુદા ઉર્ફ લાલૂડી સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી) ૨૦ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ બી. બી. કોડીયાતર, પીએસઆઇ પી. બી. જેબલીયા, નિલેષભાઇમકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, હિરેનભાઇ પરમાર, વાલજીભાઇ જાડા, હિતેષ અગ્રાવત, મનિષ સિરોડીયા, રાજેશભાઇ ગઢવી, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ સિરોડીયા, પ્રવિણાભાઇ જતાપરા, મહિલા કોન્સ. જાગૃતિબેન ચાવડા સહિતનાએ દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી વોચ રાખી આ કામગીરી કરી હતી.

ભકિતનગર પોલીસ મથક ખાતે ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ વી. કે. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મહેમુદા ઉર્ફ લાલુડીની માતા અમીના સુણા ગાય વર્ષે તથા આ વર્ષના પ્રારંભે એમ બે વખત નશીલા પદાર્થ સાથે ઝડપાતાં તે જેલમાં છે. તેમજ મહેમુદાની બહેન મદીના ઉસ્માન જૂણેજા, બનેવી ઉસ્માન લધરભાઇ જુણેજા અને ભાણેજ અફસાના ઉસ્માન જૂણેજાને ગયા વર્ષે ૩૭૦ કિલો ગાંજા સાથે પકડી લેવાયા હતાં. આ ત્રણેય પણ જેલમાં છે. પોતાના પરિવારજનોને જેલમાંથી છોડાવવા અને પોતે એકલી રહેતી હોઇ ગુજરાન ચલાવવા પૈસાની જરૂર હોઇ જેથી મહેમૂદા ગઇકાલે સુરત ગઇ હતી અને ત્યાંના અશ્વિનીકુમાર વિસ્તારમાંથી ભૈયા પાસેથી ગાંજો લઇ એસટી બસ મારફત રાજકોટ આવી હોવાનું તેણીએ કબુલ્યું છે. વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(4:00 pm IST)