Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એન.ડી.પી.એસ.ના ગુનામાં જંગલેશ્વરના માતા-પુત્રની જામીન અરજીને ફગાવી દેતી કોર્ટ

આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ, તા., ર૦: અહીના દેવપરા ચોકથી જંગલેશ્વર તરફ એકટીવા સ્કુટર ઉપર જઇ રહેલા માતા-પુત્રની પોલીસે ઝડતી લેતા લાખોની કિંમતનો માદક પદાર્થ મળી આવતા એનડીપીએસ એકટના ગુનામાં પકડાયેલ જંગલેશ્વરમાં રહેતા જુબેદાબેન ઇબ્રાહીમ બેલીમે જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજશ્રી આર.એલ.ઠક્કરે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે તા.૧૩-૪-૧૯ના રોજ ઉપરોકત આરોપી માતા-પુત્ર એકટીવા સ્કુટર ઉપર દેવપરા ચોકથી જંગલેશ્વર તરફ થઇ રહયા હતા. ત્યારે પોલીસે તા.૧૬-૪-૧૯ના રોજ રાત્રીના દશ વાગ્યાના અરસામાં બંન્નેની ઝડતી લેતા જુબેદાનના હાથમાં રહેલી થેલીમાંથી આલ્યાઝોલમ નામનો નશીલો પદાર્થ રૂ. રર લાખ ૩ર હજાર ૭૦૦ની કિંમતનો મળી આવતા પોલીસે બંન્નેની અટકાયત કરીને એનડીપીએસ એકટ હેઠળન ગુનો નોંધીને જેલહવાલે કરતા બંન્નેએ  જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ પ્રશાંતભાઇ પટેલે રજુઆત કરેલ કે, આરોપી સામે એન.ડી.પી.એસ.એકટ અન્વયેનો પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. આવા ગુનાથી દેશનું યુવાધન બરબાદ થઇ રહેલ હોય ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને આરોપીઓની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસન્સ જજ શ્રી આર.એલ.ઠક્કરે આરોપી માતા-પુત્રની જામીન અરજીને ફગાવી દીધી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી પ્રશાંતભાઇ પટેલ રોકાયા હતા.

(4:00 pm IST)