Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મહિપતસિંહજીના ૮૩માં જન્મદિને રીબડામાં અનોખો કાર્યક્રમ

જીવનને માણ્યું છે ને મોતને પણ મળીને જોઇ લઇશ પણ એ પહેલા મારે મારા મરસીયા સાંભળવાની લેવી છે અનેરી લ્હેર : ડાયરામલ્લ દેવીપુત્રો દરબારી ડાયરામાં કરાવશે મોજ : ૧૧૧ દિકરીઓને કન્યાદાનરૂપે ભેટ : ગામના અન્ય સમાજના લોકોને મદદ : શુરા જુવે ન ટીપણુ શુકન જુવે ન શૂર મરણ ને મંગળ ગણે ચડે સવા લખ નૂર દેવું મરવું મારવું ઝીલવી ખાગ ઝપટ કલો કહે ઠાકરાં વસમી ક્ષત્રિયાઁ વટ

રાજકોટ તા. ર૦ :.. ક્ષત્રીય સેનાના પ્રભારી  એકલમલ પૂર્વ ધારાસભ્ય અને વટભેર જીવન જીવી લેનાર રીબડાના મહિપતસિંહજી  ભાવુભા જાડેજાના ૮૩ માં જન્મ દિને રીબડા ખાતે અનેરો કાર્યક્રમ જાડેજા પરિવાર દ્વારા યોજાયો છે. બાપુના ખાસ કાર્યક્રમમાં સૌને છેલ્લીવાર મળી લેવા અને રણબંકા શુરા હમીરજી ગોહીલની જેમ મરસીયા સાંભળવાને અનેરી લ્હેર માણવા ક્ષત્રીય સમાજ સગા-સબંધીઓ, મિત્રવર્તુળ ત્થા શુભેચ્છકોને આમંત્રણ પાઠવાયું છે.

તા. ર૪ ને શુક્રવારના રોજ રિબડા ખાતે રાત્રે ૮.૩૦ કલાકે યોજાનાર અનોખા કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ તથા વી. આઇ. પી. મહેમાનોને મહિપતસિંહજી જાડેજાએ હાર્દીક આમંત્રણ પાઠવ્યું છે.

દરબારી ડાયરામાં મરસીયા તથા લોકસાહીત્યની મોજ  કરાવશે ડાયરામલ્લ દેવીપુત્રો સર્વશ્રી પદ્મશ્રી કવિરાજ ભીખુદાન ગઢવી, કવિરાજ સર્વશ્રી હમીરદાન ગઢવી (મુંબઇ) જીતુદાન દાદબાપુ ગઢવી, રાજભા ગઢવી, ઘનશ્યામદાન બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી, હરેશદાન શુરૂ, યોગેશદાન બોક્ષા, અનુભા ગઢવી, દેવરાજદાન ગઢવી, શંકરદાન ગઢવી, ગોવિંદભાઇ પાલીયા સહિતના દેવીપૂત્રો રમઝટ બોલાવશે. લક્ષ્ય ટીવી, જી.ટી.પી. એલ. તથા વી. ટીવી દ્વારા આ અનેરા અને અનોખા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાશે.

બાપુના ખાસ કાર્યક્રમમાં સાંજે ૬ થી ૮ રીબડા ગામના ક્ષત્રીય સમાજ ત્થા અન્ય સમાજના  કુંવારીકાઓને કન્યાદાનના રૂપમાં ભેટ અપાશે ઉપરાંત ગામના જરૂરીયાતમંદ લોકોને બાપુ  તરફથી દાન અપાશે તથા બ્રાહ્મણ, તરગારા, ભરવાડ, વાણંદ, હરીજન (દલીત) ત્થા વાલ્મીકી સમાજના લોકોને આર્થિક મદદ કરાશે.

સાંજે ૮ થી ૮.૩૦ કલાકે પધારેલા મહેમાનો સાથે મહિપતસિંહજી મુલાકાત કરશે. સાંજે ૮.૩૦ થી ૧૧.૩૦ મરસીયાની મોજ તથા રાત્રે ૧૧.૩૦ થી સવાર સુધી લોકસાહીત્ય ડાયરો યોજાશે.

સમગ્ર કાર્યક્રમાં સ્વ. મોહનસિંહ ભાવુભા જાડેજા, સ્વ. ભગીરથસિંહ જાડેજા, અને સ્વ. રામદેવસિંહ જાડેજાના દિવ્ય આશિષ રહેશે.

મહિપતસિંહજી જાડેજાના ૮૩માં જન્મદિવસે યોજાયેલ આ અનોખા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં સૌને સ્નેહરૂપી નિમંત્રણ પાઠવાયું છે. મહિપતસિંહજી જાડેજાનો આગ્રહ છે કે પધારો રીબડા પ્રેમથી ભેટશુ ધરીને ભાવ, સગા વ્હાલાઓ મિત્રો સહુ લેશું મિલનનો લ્હાવ.

જાડેજા પરિવારના રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, રાહુલસિંહ રામદેવસિંહ જાડેજા, શકિતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ સૌને ખાસ પધારવા નિમંત્રણ પાઠવેલ છે. (પ-ર૯)

કસુંબલ કૈફિયત

મહિપતસિંહ જાડેજા-

રીબડા

નકરી નિર્ભયતા એ જ મારૂ જીવન સુત્ર છે.

સંઘર્ષ એ જ મારૃં જીવન છે.

કોઇ પણ કર્મ મારા સ્વાર્થ માટે કર્યુ નથી

અન્યાય સામે લડયો છું કોઇ થી ડર્યો નથી

મર્દાનગી થી જીવ્યો છું અને મર્દાનગી થી મરવુ છે,

બ્યાસી વર્ષ વટાવી ચુકયો છું

જીવનને માણ્યું છે ને મોતને મળી ને પણ જોઇ લઇશ, પણ એ પહેલાં,

રણબંકા શૂરા હમીરજી ગોહિલની જેમ મારે મારા મરસિયા

સાંભળવાની અનેરી લ્હેર લેવી છે. છેલ્લી વાર તમને બધાને મળી લેવું છે.

ખાસ મારા પુત્ર-પરિવારને તથા મારા સમાજના યુવાનોને

હૈયામાં રમતી કુળ પરંપરાની બે વાતો કહેવી છે.

સમગ્ર ગુજરાતના ક્ષત્રિય યુવાનોને માટે બે શબ્દો કહેવાની ઇચ્છા છે.

ઉભા મરણના ઉબરે અભય આનંદ ભેર

 મહિપતસિંહ કહે મોજથી માણવી મરણની લ્હેર.

(3:49 pm IST)