Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

લાલપરી-રાંદરડાના કાંઠે આવેલ ઉદ્યોગનગરનાં પ૦થી વધુ કારખાનાઓને તોડી પાડવાની નોટીસોથી ખળભળાટ

વર્ષો જૂનાં અને વેરો ભરતાં કારખાનેદારોનાં કારખાનાં નહિં તોડવાં ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતઃ માત્ર નવા દબાણો તુટશેઃ કમિશ્નરે આપેલી ખાત્રી

રાજકોટ તા. ર૦: શહેરની ભાગોળે આવેલાં લાલપરી-રાંદરડા તળાવ પાસેની ઔદ્યોગિક વસાહતનાં પ૦ થી વધુ કારખાનાઓને તોડી પાડવા અંગે મ્યુ. કોર્પોરેશનનાં ટાઉન પ્લાનીંગ વિભાગે નોટીસો આપતાં ખળભળાટ મચી ગયો છે અને આ કારખાનાઓને નહીં તોડવા અંગે ચેમ્બર-ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ બી. પી. વૈષ્ણવે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે લાલપરી-રાંદરડા તળાવનાં વિકાસનાં નામે અહીં ૧૬ વર્ષ જૂના દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડસ્ટ્રી એસ્ટેટનાં પ૦થી વધુ કારખાનાઓને તોડી પાડવા અંગે ટાઉન પ્લાનીંગ વિભાગે નોટીસો આપી છે તે અન્યાયી છે.

કેમકે આ કારખાનાઓમાં કાયદેસરનાં વીજ કનેકશનો છે, રોડ-રસ્તા ભૂગર્ભ ગટરની સુવિધા છે. કારખાનેદારો તમામ પ્રકારનાં વેરા ભરે છે ત્યારે તેઓનાં કારખાનાઓને ગેરકાયદે ગણી તોડી પાડી રોજીરોટી છીનવી લેવી તે અન્યાયી છે માટે આ કારખાનાઓને નહીં તોડવા માંગ છે.

આ રજૂઆતનાં પ્રત્યુતરમાં મ્યુ. કમિશ્નરશ્રીએ ખાત્રી આપી હતી કે જે જૂના કારખાનાઓ છે તેને તોડવામાં નહીં આવે પરંતુ લાલપરી-રાંદરડા તળાવનાં કેચમેન્ટ એરિયા (સ્ત્રાવ ક્ષેત્ર)માં જે નવા બાંધકામો અને દબાણો થઇ રહ્યા છે તેને તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાશે.

(3:48 pm IST)