Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

તંત્રની બેદરકારીઃ વોર્ડ નં.૧૨ના દ્વારકાધીશ વિસ્તારમાં દોઢ કલાક પાણી વિતરણ

વાલ્વ ભુલથી ખુલ્લો રહી ગયોઃ હજારો લિટર પાણી વેડફાયુ

રાજકોટ,તા.૨૦: ઉનાળામાં પાણીની માંગમાં વધારો થઇ રહ્યો છે અને સમગ્ર શહેરમાં ધીમા ફોર્સથી, અપુરતુ પાણી વિતરણ થઇ રહ્યાની ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીનાં કારણે શહેરનાં  ર્વો નં.૧૨નાં વિસ્તારમાં દોઢ કલાક પાણી વિતરણ થતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં વોર્ડ નં.૧૨માં ૨૪૦ મકાન ધરાવતી દ્વારકાધીશ સોસાયટીમાં આજે સવારે પાણી વિતરણની લાઇનનો વાલ્વ ખુલ્લો રહી જતા આ વિસ્તારમાં અંદાજીત દોઢ કલાક જેટલુ પાણી વિતરણ થતા વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી. તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

આ અંગે વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ.કોર્પોરેશનનાં જવાબદાર અધિકારીઓને આ ઘટનાની જાણ કરતા  તાકીદે આ વાલ્વ રીપેર કરવામાં આવ્યો હતો તેમ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

ધીમા ફોર્સથી પાણી વિતરણ

 શહેરનાં વોર્ડ નં.૧૨નાં જલજીત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ધીમા ફોર્સથી પાણી વિતરણ થઇ રહ્યાની ફરીયાદ ઉઠવા પામી છે. પાણીની સમસ્યા ઉકેલવા વિસ્તારવાસીઓમાં માંગ ઉઠી છે.

(3:47 pm IST)