Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કાળમુખો કોરોનાઃ રામનાથપરા પોલીસ લાઇનમાં ગમગીનીઃ એએસઆઇ અમૃતભાઇ અને તેના પત્‍નિનો ભોગ લેવાયો

આવતા મહિને દિકરીને કન્‍યાદાન કરવાની મા-બાપે હરખભેર તૈયારી કરી રાખી હતી...પણ કોરોનાએ બધુ વેરવિખેર કરી નાંખ્‍યું

રાજકોટ તા. ૨૦: વૈશ્વીક મહામારી કોરોનાએ કેટલાય જીવ લઇ લીધા છે, અનેક પરિવારોના માળા વેરણછેરણ કરી નાંખ્‍યા છે. કાળમુખો કોરોના હજુ પણ માનવજીવને બેફામ બનીને ભરખી જ રહ્યો છે. શહેર પોલીસમાં ફરજ બજાવતાં આસી. સબ ઇન્‍સ્‍પેક્‍ટરનું ગઇકાલે બપોરે મૃત્‍યુ નિપજ્‍યા બાદ મોડી રાતે તેમના પત્‍નિએ પણ દમ તોડી દેતાં કલ્‍પાંત સર્જાયો છે. રામનાથપરા પોલીસ લાઇનમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં એએસઆઇ અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉ.વ.૪૭) કોરોનાથી સંક્રમિત થયા હતાં. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો. પણ તબિયત બરાબર થઇ ન હોઇ સિવિલમાં સારવાર હેઠળ હતાં. ગઇકાલે બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસે શોક સલામી આપી હતી. પુત્ર-પરિવારજનો અંતિમવિધી આટોપીને હજુ આવ્‍યા હતાં ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે  અમૃતભાઇના ધર્મપત્‍નિ લાભુબેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના લાગુ  પડયો હોઇ ઘરે જ સારવાર લઇ રહ્યા હતાં.

અમૃતભાઇ અને લાભુબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર સોૈથી નાનો છે. ત્રણ ભાંડરડાએ બાર જ કલાકના ગાળામાં પહેલા પિતા અને પછી માતાને પણ ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો. રામનાથપરા પોલીસ લાઇનમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી. કરૂણતા એ છે કે આવતા મહિને ૨૪-૦૫ના રોજ આ દંપતિની એક દિકરીના લગ્ન લેવાયા હતાં. જેના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાઓ છીન્‍નભીન્‍ન થઇ ગયા છે. રામનાથપરા લાઇનના તમામ રહેવાસીઓ ત્રણેય ભાંડરડાને સધીયારો આપી રહ્યા છે.

(3:56 pm IST)