Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ક્રાઇમ બ્રાંચે આર્યનગરના ઇમિટેશનના ધંધાર્થી ધવલ સોજીત્રાને ૪.૪૪ લાખના દારૂ સાથે પકડ્યો

કોઠારીયામાં આવેલા રમેશભાઇ સિંધવના શેડમાં જથ્થો ઉતાર્યો હતોઃ ત્યાંથી 'કટીંગ' કરે એ પહેલા ટીમ ત્રાટકીઃ અગાઉ પણ પકડાયો હતોઃ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમનો દરોડો : ગોવા તરફથી ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં જથ્થો મંગાવ્યાનું રટણઃ સાચી વિગતો મેળવવા રિમાન્ડની તજવીજઃ અગાઉ પણ એક કેસમાં પકડાયો હતો

રાજકોટ તા. ૨૦: સામા કાંઠે આર્યનગર મેઇન રોડ પર ખોડિયાર ડેરીની બાજુમાં સંત કબીર રોડ પર રહેતાં ધવલ ઉર્ફ ધવલો મનસુખભાઇ સોજીત્રા (ઉ.વ.૩૧) નામના ઇમિટેશનના ધંધાર્થીએ કોઠારીયા ગામમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં ભરવાડની ચાની કેબીનની બાજુમાં આવેલા રમેશભાઇ સિંધવના શેડમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડતાં રૂ. ૪,૪૪,૧૦૦નો ૫૧૮ બોટલ દારૂ મળી આવતાં કબ્જે કરી ધવલની ધરપકડ કરી હતી.

પોલીસે રોયલ સ્ટેગ બે લિટરની વ્હીસ્કીની ૮૬ બોટલો, નંબર વનની બે લિટરની ૯૬ બોટલો, નંબર વનની ૭૫૦ મીલીની ૮૬, સિગ્નેચરની બે લિટરની ૨૩ બોટલો, સ્મીર્ન ઓફ ગ્રીન એપલ વોડકાની ૭૫૦ મીલીની ૩૪,  ગ્રીન ઓરેન્જની ૩૩, ગ્રાન્ડ માસ્ટર્સ વોડકાની ૦૪, વોડકા ક્રેઇનબેરીની ૦૪, મેજીક મોમેન્ટની અલગ અલગ ફલવેરની ૭૧, ૧૧, ૩૪, ૨૫ અને ૧૧ની બોટલો મળી કુલ ૫૧૮ બોટલો મળી આવતાં તે તથા બે મોબાઇલફોન મળી રૂ. ૪,૪૮,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ધવલે દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમી ડીસીબીના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને કોન્સ. દેવાભાઇ ધરજીયાને મળી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા,  વિક્રમભાઇ, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો. આ શખ્સ અગાઉ પણ ડીસીબી પોલીસના હાથે દારૂના કેસમાં પકડાયો હતો. તે ગોવાથી પાર્સલોની આડમાં ટ્રાન્સપોર્ટ મારફત આ દારૂ લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો મેળવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(3:15 pm IST)