Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ચૂંટણી નજીક આવતાં કોંગી કોર્પોરેટરો રઘવાયા : મેયર

ઓછા વરસાદ છતાં પાણીકાપ વગર આજે શહેરીજનોને રોજ ૨૦ મીનીટ પાણી મળે છે ત્યારે કોંગ્રેસ પાણીની ખોટી રજૂઆતો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છેઃ બીનાબેન આચાર્ય

રાજકોટઃ શહેરનાં છેવાડાનાં વિસ્તાર મવડીમાં આવેલ વોર્ડ નં. ૧૨માં પાણી નહી મળતું હોવાની ફરીયાદોનો નિકાલ નહી થતો હોવાનો અને શાસકપક્ષ ભાજપ દ્વારા કિન્નાખોરીથી આ વિસ્તારમાં પાણી નહી અપાતું હોવાનાં આક્ષેપો સાથે આ વિસ્તારનાં કોંગી કોર્પોરેટરો આગેવાની તળે વિસ્તારની મહિલાઓ દ્વારા પાણીનાં માટલા સાથે હલ્લાબોલ કરી અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ અંગે મેયરએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ઓછા વરસાદ છતાં પાણીકાપ વગર આજે શહેરીજનોને રોજ ૨૦ મીનીટ પાણી મળે છે ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસનાં કોર્પોરેટરો રઘવાયા બન્યા છે અને પાણીની ખોટી રજૂઆત કરી પ્રજાને ગેરમાર્ગે દોરે  છે.

વધુમાં બીનાબેનેે જણાવ્યુ હતુ કે, શહેરનાં ત્રણેય ઝોનનાં વિવિધ વિસ્તારોમાં સમયસર પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. કોઇ વિસ્તારમાં ભેદભાવ ના હોય. તાજેતરમાં કોઠારિયામાં ભળેલા વિસ્તારોમાં ૩ હજાર લીટર પાણી વધારી આપવામાં આવ્યુ હતુ. અંતમાં તેઓએ જણાવ્યુ હતંુ કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૩ થી ૫ એમ.એલ.ડી પાણી વધારે આપવામાં આવી રહ્યુ છે. કોંગી કોર્પોરેટરોને ખબર જ નથી કઇ રીતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે તેથી તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

(3:56 pm IST)