Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ગુજરાત વિરોધી કોંગી માનસિકતા ધ્વંશ કરવા પ્રજાનો મુડ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મોદીના રાજમાં બોંબ ધડાકા ભૂતકાળ બન્યા : ગુજરાત માટે મોસાળે જમણ અને મા પીરસનારી : રાજય સરકારે ર૬૦૦ કરોડનો પાક વીમો અપાવ્યો : મહાગઠબંધનમાં વડાપ્રધાનપદ માટે ખંેચતાણ

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પત્રકાર પરિષદ સંબોધી રહેલા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં આ તકે ઉપસ્થિત ભાજપનાં અગ્રણીઓ ધનસુખભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ પ્રમુખ ભીખુભાઇ વસોયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી તથા પ્રદેશ અગ્રણી રાજુ ધ્રુવ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કોંગ્રેસનો દ્રષ્ટિકોણ ગુજરાત વિરોધી હોવાનો આક્ષેપ કરી તે માનસિકતાને ધ્વંશ કરવા પ્રજાએ મૂડ બનાવી લીધાનો દાવો કર્યો છે.

આજે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રૂપાણીએ જણાવેલ કે, ભાજપે લોકસભાની ચૂંટણીનો જોરશોર પ્રચાર કર્યો છે. કોંગ્રેસ પ્રચારમાં કયાંય પાછળ રહી ગઈ છે. મારા એકલાની ૭૫ જેટલી સભા થઈ છે. ભાજપના તમામ કાર્યકરો એક થઈને લડી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બને તે માટે પ્રજા ઉત્સુક છે. મોદીએ પાંચ વર્ષમાં સક્ષમ રીતે ઈમાનદારીથી કામ કર્યુ છે. ગરીબો, ખેડૂતો, શ્રમિકો વગેરે માટે સરકારે યોજનાઓ કરી છે. ભૂતકાળમાં મુંબઈની તાજ હોટલમાં હુમલો થયો ત્યારે તે વખતની મનમોહનસિંહ સરકાર કંઈ કરી શકેલ નહિ. મોદી સરકારે પુરી, પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ત્રાસવાદીઓને ઉત્તેજન મળે તેવી જોગવાઈ કરી છે. ગરીબોને કોંગ્રેસ વર્ષે ૭૨ હજાર કઈ રીતે આપવા માગે છે તે જાહેર કર્યુ નથી. મોદીએ ગુજરાત માટે ખૂબ લાગણી રાખી છે. અમારી ટેલીફોનિક રજૂઆતથી પણ પ્રશ્નો ઉકેલ્યા છે. ગુજરાત માટે મોસાળે જમણ અને માં પીરસનારી જેવી અનુકુળતા છે. કાશ્મીર સિવાય કયાંય છેલ્લા પાંચ વર્ષમાં બોંબ ધડાકા થયા નથી. ગુજરાતની પ્રજા ભાજપની તરફેણમાં ઉંચુ મતદાન કરે તેવી અપીલ કરૂ છું.

શ્રી મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી પાક વીમા બાબતે જણાવેલ કે, અમે ખેડૂતોને વિક્રમસર્જક રૂા. ૨૬૦૦ કરોડનો પાક વીમો અપાવ્યો છે. કયાંક પાક વીમા બાબતે અસંતોષ છે તે નીવારવા સરકાર વિમા કંપનીઓ સાથે મથામણ કરી રહી છે.

મુખ્યમંત્રીએ સાધ્વી પ્રજ્ઞાના નિવેદનને તેમનુ વ્યકિતગત નિવેદન ગણાવ્યુ હતું.

ભાજપે ૧૫ લાખ આપવાનું કોઈ વચન આપેલ નહિ, માત્ર કાળા નાણાનો હિસાબ સમજાવેલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ, તા. ૨૦ :. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે પત્રકાર પરિષદમાં ૧૫ લાખ રૂા. ખાતામાં જમા કરાવવાના પાંચ વર્ષ પહેલાના ભાજપના વચન અંગે આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો.

શ્રી રૂપાણીએ પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, ભાજપે કે ભાજપની સરકારે રૂા. ૧૫ લાખ લોકોના ખાતામાં આપવાની કોઈ વાત કરી નહોતી. એવુ કોઈ વચન પણ આપેલ નહિ. જે તે વખતે અમિતભાઈએ માત્ર કાળા નાણાનો હિસાબ સમજાવ્યો હતો. વિદેશોમાં ભારતનું જે કાળુ નાણુ છે તે દેશમાં પાછુ લાવવામાં આવે તો લોકોના ખાતામાં ૧૫ - ૧૫ લાખ જમા કરાવી શકાય. કોંગ્રેસ આ વાતને તોડી મરડીને પોતાની રીતે રજૂ કરે છે. કાળુ નાણુ પાછુ લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ અંગેના કાયદા કડક કર્યા છે. જે લોકો નાણા લઈને વિદેશ ભાગી ગયા છે તે બધાને પાછા લાવશું.

(3:42 pm IST)