Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

નોટબંધી મોદીની સૌથી મોટી નિષ્ફળતાઃ શહીદને ભાજપના ઉમેદવાર દેશદ્રોહી ગણાવે તે શું બતાવે છે ? : અહેમદ પટેલ

ભાજપની નીતિ ''આક્રમણ એ જ બચાવ'': કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચીની રાજકોટમાં નિખાલસ વાતોઃ કોંગ્રેસ તરફી કલ્પનાતિત પરિણામ આવશેઃ ૨૩ મે પછી મોદીના નામ આગળ 'માજી' વડાપ્રધાન શબ્દ લાગી જશેઃ ૩૫૦૦ કરોડ ખાનગી વીમા કંપનીઓના ખિસ્સામાં: મુંબઇ હુમલાના ત્રાસવાદીઓ ગુજરાતમાંથી આવેલા હાર્દિક પટેલ પરના હુમલાને વખોડતા અહેમદ પટેલઃ તેઓ કહે છે કે હાર્દિકને પોતાની હત્યા થઇ શકે તેવું ફીલ થતું લાગે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી શ્રી અહેમદ પટેલે રાજકોટમા પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં કોંગ્રેસના અગ્રણીઓ સર્વશ્રી જાવેદ પીરઝાદા, અશોક ડાંગર, લલિત કગથરા, ગાયત્રીબા વાઘેલા, હેમાંગ વસાવડા, હિતેશ વોરા, મહેશ રાજપૂત, વશરામ સાગઠિયા, મનસુખ કાલરિયા વગેરે ઉપસ્થિત છે. દિનેશ ડાંગર, દિનેશ ચોવટિયા, મનોજ રાઠોડ, પ્રદિપ ત્રિવેદી વગેરે પણ પત્રકાર પરિષદના સ્થળે ઉપસ્થિત હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને ગુજરાતના રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદ પટેલે નોટબંધીને મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી ઝાટકણી કાઢી છે. શહીદ કરકરેને દેશદ્રોહી ગણાવવા બદલ ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સાધ્વી અને ભાજપના નેતાઓને તેમણે ઝપટમાં લીધા છે. ૨૩ મે પછી નરેન્દ્રભાઈ મોદી ભૂતપૂર્વ વડાપ્રધાન બની જશે અને કોંગ્રેસ તરફી કલ્પનાતીત પરિણામ આવશે તેવુ તેમનુ કહેવુ છે.

આજે રાજકોટમાં પત્રકાર પરિષદમાં શ્રી અહેમદ પટેલે જણાવેલ કે છેલ્લા ૫ વર્ષના મોદીના શાસનમાં ખેડૂતો, વેપારીઓ, દલિતો, આદિવાસીઓ સહિત તમામ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. ભાજપ પોતાના શાસનનો હિસાબ આપવાના બદલે કોંગ્રેસ પાસે હિસાબ માગે છે. એટેક ઈઝ ધ બેસ્ટ ડીફેન્સ જેવી તેમની પોલીસી છે. નોટબંધી, જીએસટી જેવા તઘલખી પગલાથી પ્રજા ખૂબ નારાજ છે. બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. ઉજ્જવલાના ગેસ જોડાણ આપી દીધા પણ બાટલા ખરીદી શકે તેવી ગરીબોની સ્થિતિ નથી. વિદ્યાર્થીઓ પણ પરેશાન છે.

સાધ્વી પ્રજ્ઞાના શહીદ કરકરે અંગેના નિવેદન અને કોંગ્રેસના ઢંઢેરાના દેશદ્રોહની કલમના મુદ્દા અંગે તેમણે જણાવેલ કે, કોંગ્રેસ કયારેય સૈન્યનું મનોબળ તૂટવા દેવા માંગતી નથી. આતંકવાદ સામે કોંગ્રેસે લડાઈ કરી છે. કોંગ્રેસના નેતાઓએ બલીદાન આપ્યા છે. આતંકવાદીને કંધાર સુધી મુકવા કોણ ગયુ હતુ ? તે પ્રજા જાણે છે. મુંબઈના ત્રાસવાદી હુમલાખોરો ગુજરાતના માર્ગેથી આગળ વધેલા તે વખતે સરકાર શું કરતી હતી ? શહિદ કરકરેને સાધ્વી પ્રજ્ઞા દેશદ્રોહી ગણાવી છે અને ભાજપ તેને ટીકીટ આપે છે તે શું બતાવે છે? જે આતંકવાદ સામે લડે તેની ભાજપ ટીકા કરે છે. શહીદોને યાદ કરી એનુ સન્માન જાળવવુ જોઈએ.

કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનીટીની મુલાકાતે ન ગયાના વડાપ્રધાનના ટોણા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવેલ કે, આ બાબતે વડાપ્રધાને પોતાના તંત્ર પાસેથી સાચી માહિતી મેળવવી જોઈએ. મોદી સત્તામાં આવ્યા પહેલા કયારેય કરમશદ, બારડોલી કે પોરબંદર ગયા હતા ?

પાક વિમા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવેલ કે ગુજરાતમાંથી ૩૫૦૦ કરોડનુ પ્રીમીયમ ભરાયેલ જેમાંથી ૯૦૦ થી ૧૦૦૦ કરોડ ખેડૂતોને મળ્યા છે બાકીના ૨૫૦૦૦ કરોડ ખાનગી કંપનીઓના ખિસ્સામાં ગયા છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતો માટે કલ્યાણકારી પગલા ભરશે, જીએસટીમાં સરળીકરણ લાવશે.

બેફામ વાણીથી આચારસંહિતા ભંગ કરવાના રાજકીય નેતાઓની પ્રવૃતિ અંગે તેમણે જણાવેલ કે, ચૂંટણી પંચ ઉપરાંત દરેક પક્ષોએ આ બાબતે ગંભીરતાથી વિચારવુ જોઈએ.

કોંગ્રેસ સત્તામાં આવે તો રઘુરાજન નાણામંત્રી બનશે ? તેવા સવાલના જવાબમાં તેમણે કહેલ કે આ બાબતે હું કંઈ કહી શકુ નહિં.

શ્રી અહેમદ પટેલે ભાજપને ૧૫૦ થી ૧૬૦ બેઠકો મળવાનો અંદાજ લગાવેલ. તેમણે ગુજરાતમાં કોંગ્રેસ ૧૦ થી ૧૫ બેઠકો મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

અહેમદ પટેલનો સ્પષ્ટ એકરાર : કોંગ્રેસે ગુજરાતમાં મહિલાને વધુ ટીકીટ આપવી જરૂરી હતી

રાજકોટઃ કોંગ્રેસ મહિલા સશકિતકરણમા માને છે તો ગુજરાતમાં ૨૬માંથી માત્ર એક જ બેઠક પર મહિલાને કેમ ટીકીટ આપી ? તેવા પત્રકારોના સવાલના જવાબમાં રાષ્ટ્રીય નેતા શ્રી અહેમદ પટેલે જણાવેલ કે, એકથી વધુ ટીકીટ આપવી જોઈતી હતી તે હું સ્વીકારૂ છું. પંચાયતોમાં મહિલાઓને કોંગ્રેસે અનામતનો લાભ આપ્યો છે. કોંગ્રેસે મહિલાને સ્પીકર અને રાષ્ટ્રપતિ પદ પણ આપ્યુ છે. ભવિષ્યમાં કોંગ્રેસ મહિલાઓને પુરતુ સન્માન આપશે.

કમલમમાં નોટના કમિશનની તપાસ થશેઃ અહેમદ પટેલ

રાજકોટ, તા. ૨૦ :. નોટબંધી વખતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરોડો રૂપિયાની નોટો જંગી કમિશનથી બદલાયાના કોંગી નેતા કપીલ સિબ્બલના આક્ષેપ અંગે શ્રી અહેમદ પટેલે જણાવેલ કે, સ્ટીંગ ઓપરેશન કરનારે ખૂબ મહેનતથી ઓપરેશન કર્યુ છે. અત્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી આગળની કાર્યવાહી કરવાની અનુકુળતા નથી. ભવિષ્યમાં આ બાબતે ચોક્કસ તપાસ કરવામાં આવશે.

મધ્યપ્રદેશના દરોડા સંદર્ભે કોંગી નેતા કહે છે

તુઘલખ રોડ પ્રકરણમાં હું દોષિત ઠરૂ તો ભલે ફાંસીએ લટકાવી દેજો

રાજકોટઃ શ્રી અહેમદ પટેલે મધ્યપ્રદેશમાં ઇન્કમ ટેક્ષના દરોડા અને જંગી રકમ પકડાયા પછીના તુખલક રોડ તરીકે જાણીતા પ્રકરણ અંગે સવાલના જવાબમાં જણાવેલ કે જયાં દરોડા પાડવામાં આવેલ તે અમારા કાર્યકર હોવાથી હું ત્યાં ગયો હતો. દરોડા રાજકીય કિન્નાખોરીથી પાડવામાં આવેલ. કેન્દ્ર સરકાર પાસે તપાસ કરવા માટે સીબીઆઇ સહીતની એજન્સીઓ છે. જો તપાસમાં હું કયાંય દોષીત ઠરૂ તો ફાંસીએ લટકવા તૈયાર છું.

કોંગ્રેસ એટલે કોંગ્રેસ ! સ્થાનિક નેતાઓ રીસાઈને ભાગી ગયા...

મહેશ રાજપૂતની કાર્યપદ્ધતિ સામે આક્રોશઃ અપમાન થયાની લાગણી

રાજકોટઃ આજે હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં શ્રી અહેમદ પટેલની પત્રકાર પરિષદ વખતે મંચ પર સ્થાન ન મળવાના કારણે કેટલાક સ્થાનિક કોંગી આગેવાનો સ્થળ છોડીના જતા રહ્યા હતા. મહેશ રાજપૂતની કાર્યપદ્ધતિ સામે તેમનો વાંધો હોવાનું બહાર આવે છે. લલિત કગથરાએ સમજાવવા પ્રયાસ કરેલ પરંતુ માન્યા ન હતા. પત્રકાર પરિષદ શરૂ થયા પહેલા જેની સ્થળ પર હાજરી હતી અને પછી ત્યાં જોવા મળેલ નહિ તેવા આગેવાનોમાં દિનેશ ચોવટિયા, દિનેશ ડાંગર, મિતુલ દોંગા, અર્જુનભાઈ ખાટરિયા, પ્રદીપ ત્રિવેદી વગેરેનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ૪ થી ૫ બેઠકો મળશેઃ અહેમદ પટેલઃ ગુજરાતમાં ૧૫-૧૬ બેઠક મળશે

રાજકોટઃ અહિં આવેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા-સાંસદ શ્રીઅહેમદભાઇ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ૪ થી ૫ બેઠક મળશે, જીએસટીને કારણે વેપારીઓ, ખેડૂતો, મહિલાઓ હેરાન-પરેશાન છે ૨૦૧૪માં ભાજપે આપેલ વચનોનું શું થયું ? પરીણામ પછી મોદીજી માજી વડાપ્રધાન બની જશેઃ હાર્દિક પર હુમલો શરમજનક ઘટના છેઃ ગુજરાતમાં કોંગ્રેસને ૧૫ થી ૧૬ બેઠક મળશે

કોંગ્રેસે ટીકીટ આપવામાં વધુ કાળજી રાખવી જરૂરી

રાજકોટ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રી અહેમદ પટેલે ધારાસભ્યોના પક્ષ પલ્ટા અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે ભાજપ એક તરફ લોકશાહીની વાતો કરે છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષ પલ્ટા કરાવી મંત્રી પદની લાલચ આપે છે. કોંગ્રેસે જે તે વખતે ટીકીટ આપવામાં કાળજી રાખવી જોઇતી હતી. ભવિષ્યમાં પણ વધુ કાળજી રાખવી પડશે.

(3:30 pm IST)