Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વર્તમાન સ્થિતિમાં નોટા શ્રેષ્ઠ વિકલ્પઃ ઈન્દ્રનીલ રાજગુરૂ

પક્ષ કે વડાપ્રધાનપદનો ચહેરો જોઈને નહિ, ઉમેદવારના લક્ષણ જોઈને મત આપજો : લોકસેવાની વાતો કરનારા ઉમેદવારો ચૂંટાયા બાદ પક્ષને વફાદાર બની જાય છેઃ પક્ષોને જાગૃત કરવાની જવાબદારી લોકોની છે

રાજકોટ, તા. ૧૯ :. લોકસભાની ચૂંટણી માટેના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. રાજનીતિનો ગરમાવો વધી ગયો છે. આ સમયે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરૂએ રાજકીય સ્થિતિનું વિશિષ્ટ આકલન કર્યુ છે. 'અકિલા' સાથે વાતચીત કરતા શ્રી રાજગુરૂએ જણાવ્યુ હતું કે વર્તમાન સંજોગોમાં મતદારો સમક્ષ શ્રેષ્ઠ વિકલ્પ નોટા છે.

શ્રી રાજગુરૂએ કહ્યું હતું કે, ભારતમાં બે મુખ્ય રાજકીય પક્ષો છે કોંગ્રેસ અને ભાજપ. કોંગ્રેસ ભારતીય વિચારધારા અનુસાર ચાલતો પક્ષ છે અને પરાજયની સ્થિતિમાં પણ ધૈર્ય ગુમાવતો નથી. આ સામે ભાજપ ભારતની વિચારધારા બદલવા માટે સક્રિય પક્ષ છે. કોઈ પણ સંજોગોમાં સત્તા મેળવવા ઈચ્છતો પક્ષ છે. ઉપરાંત ભારતીયોમાં લોકશાહી પ્રત્યેની વ્યાપક અસમજ છે. તેનો વધારેમાં વધારે લાભ ભાજપ ઉઠાવે છે. કોંગ્રેસ આ સ્થિતિનો ઓછો લાભ ઉઠાવે છે.

શ્રી રાજગુરૂએ તુલના આગળ ધપાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પીઢ-સંતુષ્ટ અને સેવાભાવ રાખતો પક્ષ છે. જ્યારે ભાજપ વર્ષોથી સત્તા બહાર રહેલો અને ભૂખ્યો પક્ષ છે. જો કે શ્રી રાજગુરૂ કહે છે કે, કાર્યકરથી માંડીને ધારાસભ્ય સુધીની કારકિર્દીમાં મેં બન્ને પક્ષોને ખૂબ નજીકથી જોયા છે. તારણ એ નીકળે છે કે રાજકીય પક્ષો જવાબદારીથી દૂર થતા ગયા છે. રાજકીય પક્ષોને જવાબદારીનું ભાન કરાવવાની ફરજ લોકોની છે. આ સંજોગોમાં નોટા શ્રેષ્ઠ વિકલ્પ છે.

શ્રી રાજગુરૂ કહે છે કે, સુપ્રિમ કોર્ટે અવલોકન આપ્યું હતંુ કે, મતપત્રકમાં નોટાને સ્થાન મળવુ જોઈએ. જેનાથી રાજકીય પક્ષોને જવાબદારીનું ભાન થશે.

ઈન્દ્રનીલભાઈ કહે છે કે, લોકોએ રાજકીય પક્ષ કે વડાપ્રધાનપદના ઉમેદવારને જોઈને નહિ, લોકસભાના પોતાના મત વિસ્તારના ઉમેદવારના લક્ષણો જોઈને મત આપવા જોઈએ. ઉમેદવારો લોકસેવાની વાતો કરીને જીતી જાય છે, પરંતુ જીત્યા બાદ લોકોને બદલે પક્ષને વફાદાર બની જાય છે.

આ સ્થિતિમાં નોટાને વધારે મત મળે તો પક્ષો જાગૃત બને અને સારા તથા સાચા ઉમેદવારોને ટિકીટ આપવી જરૂરી બને તેમ શ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂએ અંતમાં જણાવ્યુ હતું.

(3:56 pm IST)