Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સિવિલ હોસ્પિટલમાં બ્લડપ્રેશર, એસીડીટી, થાઇરોઇડ, માનસિક, ચામડી સહિતની દવાઓ બે મહિનાથી ખલ્લાસ

જુદી-જુદી ૧૪ પ્રકારની દવાઓ નથી... દવા બારીઓ ખાલી, ખાનગી મેડિકલ સ્ટોરમાં ગિરદીઃ 'ચોકડી'મારેલી દવાઓ નથી...તે મતલબના બોર્ડ દવા બારીએ લગાવી દેવાયાઃ ગરીબ દર્દીઓમાં દેકારોઃ કાર્યકર ખોયાણીની કલેકટરને રજૂઆત

રાજકોટ તા. ૨૦: સિવિલ હોસ્પિટલમાં દરરોજ સેંકડો દર્દીઓ નિદાન-સારવાર કરાવવા આવે છે. શહેર જ નહિ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અહિ દર્દીઓ દવા લેવા આવે છે. અનેક સુવિધાઓ અહિ ઉપલબ્ધ છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જુદા-જુદા દર્દમાં ઉપયોગી એવી ૧૪થી વધુ પ્રકારની દવાઓ છેલ્લા બે મહિનાથી ખલ્લાસ થઇ ગઇ છે. દવા બારીએ રિતસર બોર્ડ લગાવી દેવાયા છે કે 'ચોકડી' મારેલી દવાઓ ખલ્લાસ છે! બ્લડપ્રેશર, એસિડીટી, ઉલટી, ચામડીના રોગો, માનસિક રોગ, થાઇરોઇડ, શકિતની દવા સહિતની મહત્વની દવાઓ ઉપલબ્ધ ન હોઇ સિવિલ હોસ્પિટલની દવા બારીઓ ખાલીખમ્મ રહે છે અને સંકુલમાં જ આવેલા ખાનગી મેડિકલ સ્ટોર પર દર્દીઓની કતારો જામે છે. કોના પાપે દર્દીઓ હેરાન થઇ રહ્યા છે? એ જોવાની તસ્દી તબિબી અધિક્ષકશ્રીએ તાકીદે લેવી જોઇએ અને ખુટતી દવાઓ સત્વરે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

સિવિલ હોસ્પિટલમાં બ્લડપ્રેશરની ૨૦૦ અમેજી, અને ૦.૨૫ એમજીની દવા, સોજા ઉતારવાની દવા, માનસિક બિમારીની દવા, કૃમિની દવા, એન્ટિબાયોટીક દવા, ગર્ભવતિ મહિલાઓ માટેની દવા, શકિતની દવા, શ્વાસના દર્દ માટેની દવા, ચામડીના રોગોની દવા, કબજીયાતની દવા, બાળકોની દવા, થાઇરોઇડ તેમજ એસિડીટી અને ઉલટીની દવાઓ ખલ્લાસ છે. આ ઉપરાંત ચામડીના દર્દમાં ઉપયોગી લેકટોકેલામાઇન લોશન સહિતની દવાઓનો સ્ટોર બે મહિનાથી નથી.

જે તે ડોકટરને દેખાડવા કતારમાં ઉભા રહી બાદમાં દવા લેવા માટે કતારમાં ઉભા રહેનારા દર્દી કે દર્દીના સગાનો વારો આવે ત્યારે જે દવા લખી હોઇ તેમાંથી મોટા ભાગની દવા ખલ્લાસ છે તેવો જવાબ મળતાં ચહેરા પર નિરાસા છવાઇ જાય છે. અમુક દર્દીઓ તો એટલી હદે ગરીબ હોય છે કે સિવિલ હોસ્પિટલે પહોંચવા સુધીના પૈસા પણ હોતા નથી. આવા લોકો ગમે તેમ કરીને ખાનગી મેડિકલમાંથી દવા ખરીદવા અથવા તો દવા લીધા વગર જ ઘરે જતાં રહેવા મજબૂર થતાં હોય છે.

લોહીના અમુક રિપોર્ટ  પણ થતાં નથીઃ બહાર  ૧૨૦૦ થી ૧૪૦૦ વસુલાય છે

સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં લોહીના અમુક રિપોર્ટ પણ થતાં નથી. આવા રિપોર્ટ કરાવવા દર્દીઓને બહાર જવું પડે છે અને તેના ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયા વસુલવામાં આવે છે. વીટામીન બી-૧૨ અને વીટામીન એ-૨ જે લોહીની ટકાવારીનો રિપોર્ટ છે તેને સ્પેશિયલ ટેસ્ટ કહેવાય છે. આવા રિપોર્ટ માટેની કિટ છેલ્લા દોઢ વર્ષથી સિવિલમાં આવતી બંધ થઇ ગઇ છે. આ કારણે દર્દીઓને ખુબ સહન કરવું પડે છે. કાર્યકર મુકેશ ખોયાણીએ કલેકટરશ્રીને લેખિત રજૂઆત કરી ઘટતી દવાઓ તાત્કાલીક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.

(4:44 pm IST)