Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કાલથી પંચાન્હિકા દિક્ષા મહોત્સવઃ સૌરવ શાહનું ગુરૂવારે સંયમ માર્ગે પ્રયાણ

પૂ.આ.ભ.ગ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ દિક્ષા પ્રદાન કરશે : શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં: ધર્માભિષેક- પુષ્પવૃષ્ટી, નવગ્રહાદિક પાટલા પૂજન, નાટીકા, ઉપકરણ વંદના વલી, સાંસ્કૃતિ કાર્યક્રમ, શાંતિસ્નાત્ર મહાપૂજન, સંયમ સાંજી, મહેંદી, શોભાયાત્રા, બેઠું વરસીદાન, ઋણ સ્વીકાર યોજાશેઃ પૂ.ભકિતયશ વિજયજી મ.સા. દ્વારા વિસ્તૃતિ કરણ કરાયેલ સંસ્કૃત વ્યાખ્યા ગ્રંથ ''ગુઢાર્થ તત્વા લોક''નું વિમોચન : પુ.મુનિરાજ નિર્મલયશ વિજયજી મ.સા.ને પન્યાસ પદવી પ્રદાન કરાશે

રાજકોટ, તા.૨૦:  જાગનાથ શ્વે.મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે કાલથી સૌરવકુમાર શાહની પ્રવજયા પ્રસંગે પંચન્હિકા મહોત્સવનો શુભારંભ થઈ રહયો છે. જેમાં પૂ.મુનિરાજ શ્રી નિર્મલયશ વિજયજી મહારાજને પંન્યાઅ પ્રદાન કરાશે ઉપરાંત સૌથી વિશાળ સંસ્કૃત વ્યાખ્યા ગ્રંગનું ''ગુઢર્ર્થતત્વા લોક''નું વિમોચન કરવામાં આવનાર છે. પાંચ દિવસ ચાલનાર દિક્ષા મહોત્સવમાં પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા.આ.ઠા-૧૬, પૂ.સિધ્ધાંત મહોદધિ આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પૂ.સકલસંઘ હિત ચિંતક આ.ભ.શ્રી ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજની દિવ્ય સન્નિધાન પ્રાપ્ત થશે.

પૂ.સિધ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષ સૂરીશ્વરજી મહારાજ તથા પૂ.પૂના જિલ્લા ઉધ્ધારક આ.ભ.શ્રી વિશ્વકલ્યાણ સૂરીશ્વરજી મહારાજની આજ્ઞા- અનુજ્ઞાથી યોજાનાર પંચાન્હિક મહોત્સવમાં વિવિધ પ્રસંગમાળા ધામધુમથી ઉજવાશે. આ પર્વોત્સવ દરમિયાન ૨૦ વર્ષના દિક્ષા પર્યાયધારી સરલ સ્વભાવી મુનિરાજશ્રી પૂ.નિર્મલયશ વિજયજી મહારાજને ગણિ- પંન્યાસ પદ પ્રદાન કરવામાં આવશે.

આ ઉપરાંત ''ગુઢાર્થ તત્વ લોક'' ગ્રંથનું ભારતભરના સંસ્કૃત પંડીતવર્યોની હાજરીમાં વિમોચન કરવામાં આવશે. આ ગ્રંથને ઉકેલનાર પૂ.ભકિતયશ વિજયજી મ.સા.એ માત્ર ૧૩ વર્ષની ઉમરે દિક્ષા અંગીકાર કરી હતી. હાલ પૂ.શ્રીની આયુ માત્ર ૨૬ વર્ષની છે. આ ગ્રંથને ઉકેલવા માટે છેલ્લા ૧૦૦ વર્ષોથી સંસ્કૃતના મહાપંડિતો દ્વારા પ્રયાસો થતા હતા. જેને પૂ.શ્રી ભકિતયશ વિ.મ.સા.એ ગુરૂકૃપાથી માત્ર ૨ વર્ષના ટુંકાગાળામાં વિસ્તૃત રીતે આલેખન કર્યું છે. મુળ ફકત ૪૦૦ પાનાના ૪૦૦ સંસ્કૃત શ્લોકનું પૂ.શ્રી દ્વારા ૪૫૦૦ પાનામાં ૧૪ ભાગમાં ૯૦ હજાર સંસ્કૃત શ્લોક સાથે વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. આ તકે રાષ્ટ્રપતિ સન્માનથી સન્માનિત પ્રખર સંસ્કૃત પંડીત શ્રી વશિષ્ઠ ત્રિપાઠી તથા ભારતભરના સંસ્કૃત યુનિર્વસીટીના કુલપતિઓ હાજર રહેશે. આ ગ્રંથને સંસ્કૃતની પાઠશાળા ગણવામાં આવે છે.

મુમુક્ષુ સૌરવ કુમાર પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મ ગ્રંથ તથા સંસ્કૃતની બે બુકનું જ્ઞાન ધરાવે છે. તેમણે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર, શિખરજી આદી તીર્થોની સ્પર્શના કરી છે. તેમણે પૌષધ સાથે સંયમજીવનની તાલીમ મેળવી છેે. ઉપરાંત સૌરવ કુમારે ૨ અઠ્ઠાઈ (એકવાર પૌષધ સાથે) નવ ઉપવાસ, ઉપધાન તપ, ૯૯ યાત્રા તથા નવકાર તપ સહીતના તપ કરેલ છે. ઉપરાંત તેઓ ભણવામાં પણ ખુબ જ તેજસ્વી છે.

પંચાન્હિક પર્વોત્સવનો મંગળ પ્રારંભ તા.૨૧ને શનિવારના રોજ થશે. જેમાં તા.૨૧ના રોજ સવારે ૮ કલાકે ધર્માભિષેક- પુષ્પવૃષ્ટી સાથે જાતને ઓગળવાનો હદયસ્પર્શી કાર્યક્રમ સૌરવ કુમારના નિવાસસ્થાને યોજાશે. બપોરે ૨:૩૦ વાગ્યે નવગ્રહાર્દિક પાટલા પૂજન અમદાવાદના વિધિકાર ડો.પ્રણીભાઈ મહેતા ધર્મનાથ જિનાલય ખાતે કરાવશે. જયારે રાત્રે ૮ કલાકે પ્રીત ભવોભવની નાટીકા આરાધના ભવન ખાતે યોજાશે.

પર્વોત્સવના બીજા દિવસે તા.૨૨ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે એક- એક ઉપકરણ પાછળ રહેલ માર્મિક વાતો સાથે ઉપકરણ વંદના વલી આરાધના ભવન ખાતે યોજાશે. તેમજ રાત્રે ૮ કલાકે મુમુક્ષ સૌરવકુમારનું શ્રીસંઘ દ્વારા સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ આરાધના ભવન ખાતે યોજાશે.

તા.૨૩ને સોમવારના રોજ સવારે ૮:૩૦ વાગ્યે શાંતિસ્નાત્ર મહાપૂજન અમદાવાદના વિધીકાર ડો.પ્રવીણભાઈ મહેતા કરાવશે જયારે ભકિતસંગીત દિનેશભાઈ પારેખ દ્વારા ધર્મનાથ જિનાલયમાં યોજાશે. બપોરે ૨:૩૦ વાગ્યે સંયમ સાંજી, દિક્ષાર્થીના કપડા રંગવાના, મહેંદી તથા સામુહીક સાંજી આરાધના ભવન ખાતે યોજાશે. રાત્રે ૮ કલાકે સંવેદના સભર કાર્યક્રમ અલવિદા સંસારની પ્રસ્તુતી પ્રતિકભાઈ શાહ (અમદાવાદ) દ્વારા થશે. જયારે તેમાં સ્વર મુંબઈના સમકિતગ્રુપના ભાવીકભાઈ શાહ આપશે. જે પ્રમુખ સ્વામી સભાગૃહ, કાલાવડ રોડ ખાતે યોજાશે.

પર્વોત્સવના ચોથા દિવસે તા.૨૪ના રોજ સવારે ૮ કલાકે શાહી શોભાયાત્રા, ૧૦:૩૦ કલાકે બેઠું વરસીદાન આરાધના ભવન ખાતે, રાત્રે ૮ કલાકે ઋણ સ્વીકાર કરાશે જેમાં ૧ વર્ષમાં ૧૧૦ દિક્ષામાં સંવેદના રજુ કરનાર મુંબઈના સમકિત ગ્રુપના ઈશાનભાઈ દોશી રજુઆત કરશે. જેમાં ભાવનગરના દિપેશભાઈ કામદાર સ્વર આપશે જે પ્રમુખ સ્વામી સભાગૃહ સ્વામીનારાયણ મંદીર પાછળ, કાલાવડ રોડ ખાતે યોજાશે.

મુમુક્ષ સૌરવ કુમારની ઈંતેજારીના અંત સમા દિવસ તા.૨૫ના રોજ પરોઢે ૪.૪૫ કલાકે દિક્ષા પ્રસંગો પ્રમુખ સ્વામી સભાગૃહ,  સ્વામીનારાયણ મંદીર પાછળ, કાલાવડ રોડ  ખાતે શરૂ થશે. જેમાં ઈશાનભાઈ દોશી (સમકિત ગ્રુપ મુંબઈ) તથા સ્વરકાર દિપેશભાઈ કામદાર (ભાવનગર) સમગ્ર દિક્ષા દરમિયાન ભાવવહી રજુઆત કરશે. પૂ.આ.ભ.ગુ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મુમુક્ષ સૌરવ કુમારે દીક્ષા પ્રદાન કરશે. સાવરે ૯ કલાકે સાધર્મિક ભકિતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિક્ષા પ્રસંગ મધ્યે પુ.ભકિતયશ વિજયજી મ.સા. દ્વારા વિસ્તૃતિકરણ પામેલ ગ્રંથ ''ગુઢાર્થ તત્વ લોક'' નું વિમોચન પણ કરવામાં આવશે.

આ તકે વાગડ સમુદાયના પૂ.ગચ્છાધિપતિ શ્રી કલાપ્રભસુરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની પૂ.તપસ્વી સાધ્વીવર્યા શ્રી પુષ્પાશ્રીજી મહારાજ, પૂ.૩૪૩ ઓળી સમારાધક સાધ્વીવર્યા શ્રી હંસકીર્તિ શ્રીજી મહારાજ આદિ, પૂ.ભકિતસૂરી સમુદાયના પૂ.ગ.શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની પૂ.જય સાધ્વીવર્યા પ્રયર શ્રી પુંડરીકરત્ન વિજયજી મહારાજના આજ્ઞાવર્તિની પૂ.સાધ્વીવર્યા શ્રી રત્નાયશાશ્રીજી મહારાજ (બા મહારાજ), પૂ.સાધ્વીવર્યા શ્રી કલાવતીશ્રીજી મહારાજ આદી શ્રમણીવૃંદ પાવન નિશ્રા પ્રદાન કરનાર છે.

પિતા નિલેશભાઈ અને માતા જલ્પાબેનના લાડકવાયા સૌરવ બે ભાઈઓમાં નાનો છે. હાલ તે મોદી સ્કુલમાં ધો.૯માં અભ્યાસ કરે છે. પિતા નિલેશભાઈ કોમ્પ્યુટર વ્યવસાય સાથે સંકળાયેલ છે. જયારે મોટો ભાઈ મોનીલ અમદાવાદ ખાતે એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

(4:43 pm IST)