Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

છ દિ' પહેલા કેસરી પુલ પાસે ખોડિયારપરામાં ૧૧ વાહનોના કાચ ફોડનાર ત્રિપૂટી ઝડપાઇ

બી-ડિવીઝન પોલીસે રૂખડીયાપરાના કમલેશ પરમાર, ઇમ્તિયાઝ સૈયદ અને શબ્બીર સંધીને પકડી લીધાઃ ઇમ્તિયાઝને ડખ્ખો થયો હોઇ તોડફોડ કરી'તી

રાજકોટ તા. ૨૦:  છ દિવસ પહેલા શનિવારે મોડી રાત્રે કેસરી પુલ નીચે આવેલા ખોડિયારપરામાં ત્રણ શખ્સોએ રિક્ષા સહિતના ૧૧ જેટલા વાહનોમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ બનાવથી વિસ્તારમાં દેકારો મચી ગયો હતો. દરમિયાન પોલીસે તોડફોડ કરનાર ત્રણ શખ્સોને શોધી કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે.  આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે રૂખડીયાપરામાં રહેતાં ત્રણ શખ્સો કમલેશ વસંતભાઇ પરમાર (ઉ.૧૮), તેના મિત્રો ઇમ્તિયાઝ કમાલભાઇ સૈયદ (ઉ.૧૮) અને શબ્બીર સલિમભાઇ સંધી (ઉ.૨૦)ની સંડોવણી હોવાની માહિતીને આધારે ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે આઇપીસી ૨૩૨, ૫૦૪, ૧૧૪, ૪૨૭ મુજબ બેડીપરા રામાપીર મંદિર પાસે રહેતાં શબ્બીરભાઇ અકબરભાઇ વખારીયા (ઉ.૫૩)ની  ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પી.એસ.આઇ. આર. એસ. પટેલ, એએસઆઇ એમ. ડી. ગોસ્વામી, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, સી. જે. ઝાલા, કોન્સ. અજીતભાઇ લોખીલ, કોન્સ. નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, એભલભાઇ બરાલીયા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બંને મહેશભાઇ અને નિશાંતભાઇને મળેલી બાતમી પરથી આ ત્રણેય શખ્સને પકડી લેવાયા હતાં. ઇમ્તિયાઝને માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી તોડફોડ કર્યાનું ત્રણેયે કબુલ્યું હતું.

(12:19 pm IST)