Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ડીન ડો. જોષી છાત્રોને કહેતો- તમને પ્રથમ વર્ષ માટે બહારની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો છે, પછી ડાંગર કોલેજમાં ટ્રાન્સફર થશે અને ડીગ્રી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની મળશે!

નકલી માર્કશીટને આધારે હોમિયોપેથી કોલેજમાં એડમિશન કોૈભાંડમાં બી.જે. ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમિયોપેથી શાખાના ડીન ડો. જોષી, ખંભાળીયાના ડો. કાદરી, રાજકોટ-અમરેલીની ત્રણ કોલેજના કર્મચારીઓ અને ૪૧ છાત્રો સામે ગુનો નોંધાતા તપાસનો ધમધમાટઃ પ્રવેશ લેતાં છાત્રો પાસેથી રૂ. ૩,૫૦,૦૦૦ ડોનેશન રૂપે તથા રૂ. ૪૫ ૦૦૦ વાર્ષિક ફી તથા રૂ. ૪૫ ૦૦૦ની બહારની યુનિવર્સિટીની ફી મળી ડબલ ફી વસુલાતી હતીઃ જામખંભાળીયાના ડો. કાદરીએ પોતાના પુત્ર જુનેદ સહિત છ છાત્રોને નકલી માર્કશીટને આધારે પ્રવેશ અપાવ્યો હતો

રાજકોટ તા. ૨૦: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી હોમીયોપેથી કોલેજોમાં નકલી માર્કશીટના આધારે પ્રવેશ આપવાના ઘણા દિવસથી ગાજી રહેલા કોૈભાંડમાં અંતે પોલીસ ફરિયાદ દાખલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ કિરીટ એમ. પાઠકની ફરિયાદ પરથી બી.એ. ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ અને યુનિવર્સિટીના હોમિયોપેથી વિદ્યા શાખાના ડીન ડો. અમિતાભ રમેશભાઇ જોષી અને ખંભાળીયાના ડો. કાદરીએ મળી  વર્ષ ૨૦૧૨થી કાવત્રુ રચી ગુજરાત બહારના રાજ્યોની અલગ-અલગ કોલેજની ખોટી માર્કશીટ અને માઇગ્રેશન સર્ટી તથા સીસીએસ (સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમિયોપેથી)ના સર્ટીઓ બનાવી તેના ઉપયોગથી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લઇ કોૈભાંડ આચર્યાનો ગુનો દાખલ થયો છે. ડીન ડો. જોષી છાત્રોને પ્રવેશ વખતે એમ કહેતો કે  તમને પહેલા બહારની યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે, એ પછી ડાંગર કોલેજમાં ટ્રાન્સફર થશે અને છેલ્લે ડીગ્રી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની મળશે. આ માટે તે ડોનેશન અને ડબલ ફી મળી છાત્રો પાસેથી લાખો રૂપિયા વસુલતો હોવાનું ખુલ્યું છે.

ર્માકશીટ નકલી હોવાનું જાણવા છતાં છાત્રોએ પ્રવેશ મેળવ્યો હોઇ ૪૧ છાત્રોના પણ આરોપીમાં નામ છે. તેમજ ડાંગર, ગરૈયા હોમિયોપેથી કોલેજ, વસંતબેન વ્યાસ હોમિયોપેથી કોલેજ-અમરેલીના કર્મચારીઓને પણ આરોપીમાં સામેલ કરી તપાસ શરૂ કરાઇ છે.  નાયબ કુલ સચિવ પાઠકની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આઇપીસી ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૭૪, ૪૨૦, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં આરોપી તરીકે બી.એ. ડાંગર હોમિયોપેથી કોલેજના પ્રિન્સીપાલ અને અગાઉ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમિયોપેથી વિદ્યા શાખામાં ડીન પદે રહી ચુકેલા ડો. અમિતાભ રમેશભાઇ જોષી, ખંભાળીયાના ડો. કાદરી (રહે. ૩૧૮-વિનાયક સોસાયટી જામ ખંભાળીયા), વિદ્યાર્થીઓ સુફીયાન ફારૂકભાઇ ભટ્ટી (રહે. લોહાણાપરા-૧ જેલ રોડ મોરબી), અહમદઅકીલ ગુલામહુશેન રાવડા (રહે. મેમણવાડા સામે પોરબંદર), જુનૈદ કાદરી (રહે. વિનાયક સોસાયટી જામ ખંભાળીયા), કશ્યપ એમ. તન્ના (રહે. રેફરલ હોસ્પિટલ કવાર્ટર જામ ખંભાળીયા), મૈત્રી ચેતનભાઇ લવા (રહે. હરિનગર-૨-બી, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ), વાલી ધાનાભાઇ કનારા (રહે. ફલેટ નં. ૧૨-શિવાની ટેનામેન્ટ પટેલ કોલોની જામનગર), રાધીકા સુરેશભાઇ ગીજીયા (રહે. વૃંદાવન પાર્ક-૧ પટેલ પાર્ક જામનગર), નિધી કાંતિલાલ વેકરીયા (રહે. શ્રી હરિ શેરી, પ્રિયાંકની સામે, મવડી ચોક રાજકોટ), રૂપલ દિનેશભાઇ મેતાલીયા (રહે. બી-૨૪૨, સાધુ વાસવાણી રોડ નંદગાંવ), નિરજ પ્રફુલભાઇ દવે (રહે. હરસિધ્ધી સજ્જનનગર, ગીરગઢડા રોડ ઉના), સ્વાતિ જેન્તીલાલ ખાંદલ (રહે. બગસરા), રિૈયાઝબાબા વલીભાઇ કારવા (રહે. સિંધી સ્કૂલ પાસે, લીમડા ચોક કેશોદ), મુસ્તકીમ મુસ્તાક વાજા (રહે. ગુલાબનગર પ્રભાસપાટણ), ઇમરાન જેઠવા (રહે. જવાહર રોડ, ઓખા મંડળ), ઇશરત બાનુ જેઠવા (રહે. માણેક ચોક સુરજકરાડી જી. દેવભુમિ દ્વારકા), અક્ષય નંદા (રહે. લેહરી માતા મંદિર પાસે નવી નાગરી ઓખા), રિન્કલ વિજયભાઇ વારા (રહે. વિશ્વનાથ મહેન્દ્રનગર મોરબી), પુર્વી અશોકભાઇ ગોંડલીયા (રહે. મેહુલનગર નિલકંઠ સિનેમા પાછળ રાજકોટ),  નિલકંઠ કૈલાસભાઇ વ્યાસ (રહે. અજમેરા શાસ્ત્રી નગર બ્લોક નં. ઇ-૯, નાના મવા રોડ), કિશન પ્રવિણભાઇ સિધ્ધપરા (રહે. નવી મેંગણી તા. કોટડા સાંગાણી), અક્ષર હસમુખભાઇ ઘોડાસરા (રહે. વાસુ પેલેસ-૪૦૨, ટપુ ભવાન પ્લોટ રાજકોટ), અવિનાશ ખંધાર (રહે. યોગેશ્વરનગર-૨ ધરમપુર ખંભાળીયા), પાયલ વાણવી કરહે. દુર્ગેશનગર-૨, સરયુ એપાર્ટમેન્ટ પાછળ જુનાગઢ), વિશાલ રમેશભાઇ બોદર (રહે. જીવાપર તા. જસદણ), વૈશાલી અસારી (રહે. એ-૪૩, ઉદયનગર ચોટીલા), સ્તુતી ભોજાણી (રહે. ટોપલેન્ડ રેસિડેન્સી, સાધુ વાસવાણી રોડ રાજકોટ), પ્રિયા બોઘરા (રહે. પરિશ્રમ-શાપર વેરાવળ), ઝરણા જયેન્દ્રકુમાર હરિયાણી (રહે. કરણ પાર્ક-૨ એસ્ટ્રોન સોસાયટી સામે), દક્ષાજોગલ (રહે. કેવલીયા વાડી જામનગર), હિરેન પરમાર (રહે. ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર જામનગર), રૂક્ષા સંખાવલા (રહે. ગાંધી સ્મૃતિ સોસાયટી-પેડક રોડ રાજકોટ), જ્હાન્વી ત્રિતીયા (રહે. એચ. જે. દોશી હોસ્પિટલ પાસે),  આયેશા ઝાલાવડીયા (રહે. સત્યમ્ શિવમ્ સુંદરમ્ સોસાયટી જામનગર રોડ રાજકોટ), અંકિતા કામલીયા (રહે. પવિત્ર કૂવા ઘોઘલા દિવ), રિઝવાન કચરા (રહે. અમીન પાર્ક સોસાયટી-જુનાગઢ), ભાવના હરિલાલ ઢોલુ (રહે.પદમપુર બયાત માંડવી કચ્છ), દર્શના ઘોડાસરા (રહે. ગુણાતિનગર-સી-૩૬, મોતીબાગ જુનાગઢ), શૈલેષ મનસુખભાઇ ભાલીયા (રહે. પ્લોટ નં. ૨૧, મહાસાગર સોસાયટી, મહુવા ભાવનગર),  મિલન ધર્મેશભાઇ વ્યાસ (રહે. બજરંગવાડી-૯, પૂજા પાર્ક-૧૭ રાજકોટ), દિપક માલદેભાઇ ભાદરકા (રહે. મોટા કાલાવડ તા. ભાણવડ), પ્રશાંત ચારીયા (રહે. કુકશવાડા તા. માળીયા હાટીના) અને બી.એ. ડાંગર હોમિયોપેી મેડિકલ કોલેજ-રાજકોટ, બી.જી. ગરૈયા હોમિયોપેથી મેડિકલ કોલેજ-રાજકોટ તથા વસંતબેન વ્યાસ હોમિયોપેથી મેડિકલ કોલેજ-અમરેલીના જવાબદાર કર્મચારીઓ તથા તપાસમાં ખુલે તે તમામનો આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

 કિરીટ પાઠકે એફઆઇઆરમાં લખાવ્યું છે કે હું સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાયબ કુલસચિવ (લીગલ) તરીકે ફરજ બજાવુ છું. ડો. અમિતાભ જોષી બી.એ. ડાંગર કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. તેમજ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથી વિદ્યા શાખાના ડીન પણ છે. અન્ય આરોપીઓ નં. ૩ થી ૪૩ બોગસ માર્કશીટના આધારે હોમિયોપેથી કોલેજમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ લેનારા છાત્રો છે. જ્યારે ડો. કાદરી ખંભાળીયામાં પ્રેકટીશ કરે છે. તેમણે બોગસ માર્કશીટ ઉભી કરી હોમિયોપેથી કોલેજમાં એડમિશન આપ્યા છે. સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો. ભરત વેકરીયા તરફથી ફરિયાદ મળી હતી કે હોમિયોપેથી વિદ્યા શાખામાં અન્ય યુનિવર્સિટીમાંથી ટ્રાન્સફર થઇને આવેલા કેટલાક છાત્રોની માર્કશીટ શંકાસ્પદ દેખાય છે. આથી તેની ખરાઇ કરવાની જરૂર છે.

આને આધારે ખરાઇ થતાં ખબર પડી હતી કે ૪૧ છાત્રોએ અલગ-અલગ યુનિવર્સિટીમાંથી બોગસ માર્કશીટ મેળવી તેના આધારે ગેરકાયદેસર રીતે એડમિશન મેળવી લીધુ છે. આ અંગે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક તપાસ સમિતી નિમવામાં આવી હતી જેના કો-ઓર્ડિનેટર ડો. નેહલ શુકલ અને કમિટીએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો. જે મુજબ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેની કોલેજો જેમ કે બી. એ. ડાંગર કોલેજ, બી. જી. ગરૈયા કોલેજ અને અમરેલીની કોલેજમાં અન્ય યુનિવર્સિટીની હોમિયોપેથી કોલેજમાંથી ટ્રાન્સફર થયેલા ૫૭ છાત્રો પૈકી ૪૧ છાત્રો (જેના નામ આરોપી લિસ્ટમાં છે)એ ખોટી માર્કશીટ રજુ કરી પ્રોવિઝનલ એલીઝિબીલીટી સર્ટિફિકેટ મેળવી ગેરકાયદેસર પ્રવેશ મેળવી લીધો છે.

જે બહારની યુનિવર્સિટીની માર્કશીટ હતી તેની તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે જે તે યુનિવર્સિટીની માર્કશીટ છાત્રોએ પ્રવેશ માટે રજૂ કરી હતી તે બોગસ-બનાવટી છે. આવી માર્કશીટ કોઇપણ યુનિવર્સિટી દ્વારા અપાઇ નથી. છાત્રોએ વિનોબા ભાવે યુનિવર્સિટી (હઝારી બગા), યુનિવર્સિટી ઓફ દિલ્હી, બી.આર. આંબેડકરનગર બિહાર યુનિવર્સિટી મુઝઝફરનગરની નકલી માર્કશીટો ઉભી કરી રજૂ કરી હતી. સમિતીની તપાસમાં એવી વિગતો પણ ખુલી હતી કે બી. એ. ડાંગર કોલેજના પ્રિન્સીપાલ ડો. અમિતાભ જોષી કે જે હોમિયોપેથી વિદ્યા શાખા-સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન પણ છે તેણે છાત્ર પાસેથી રૂ. ૩,૫૦,૦૦૦ ડોનેશન રૂપે તથા રૂ. ૪૫ ૦૦૦ વાર્ષિક ફી તથા રૂ. ૪૫ ૦૦૦ની બહારની ફી એમ ડબલ ફી વસુલી હતી. ગેરકાયદેસર એડમિશન લેનારાને ડો. અમિતાભ જોષી એવું જણાવતો કે 'તમારું એડમિશન પ્રથમ વર્ષ માટે બહારની યુનિવર્સિટીમાં થયું છે, ત્યારબાદ ડાંગર કોલેજમાં ટ્રાન્સફર થઇ જશે અને ડીગ્રી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની મળશે!' આમ ડો. અમિતાભ જોષીએ પ્રથમથી જ કાવત્રામાં સામેલ થઇ નકલી માર્કશીટના આધારે ખોટી રીતે એડમીશન અપાવ્યું હતું. એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા,  શૈલેષપરી ગોસાઇ, બલભદ્રસિંહ ચુડાસમા, ગિરીરાજસિંહ જાડેજા, તથા પી.એસ.આઇ. બી. જે. કડછા અને ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રકાશ ગોહેલ પાસેથી તો નકલી માર્કશીટ નથી મેળવાઇ ને?

. ક્રાઇમ બ્રાંચે રૈયા રોડ પર વૈશાલીનગરમાંથી પ્રકાશ ગોહેલને નકલી માર્કશીટ અને નકલી ડીગ્રી વેંચવાના કોૈભાંડમાં ઝડપી લીધો છે અને તેને સાથે રાખી ટૂકડી તપાસ માટે દિલ્હી ગઇ છે. તેની પાસેથી નકલી માર્કશીટ મેળવાઇ નથી ને? તે અંગે પણ તપાસ થશે.

તમામ નકલી માર્કશીટ ખંભાળીયાના ડો. કાદરીએ જ બનાવી કે કેમ? તે તપાસનો મુદ્દો

.જામખંભાળીયાના ડો. કાદરી અન્ય એક છાત્ર જુનેદ કાદરીના પિતા છે. તપાસ થતાં એવું જણાયેલ કે સમગ્ર નકલી માર્કશીટના આધારે પ્રવેશની કાર્યવાહીમાં મુખ્ય સુત્રધાર તરીકે ડો. કાદરીએ રોલ ભજવ્યો છે. ડો. કાદરીએ પોતાના પુત્ર જુનેદ તેમજ અન્ય છાત્રો કશ્યપ તન્ના, ઇમરાન જેઠવા, ઇશરતબાનુ જેઠવા, અક્ષય નંદા અને પાયલ વાણવીના એડમિશન કરાવ્યા હતાં. તમામ નકલી માર્કશીટ આ ડોકટરે જ બનાવી કે કેમ? તે અંગે તપાસ થશે.

છાત્રના પ્રવેશ ટ્રાન્સફરના નિયમોનો પણ ડો. અમિતાભ જોષીએ ભંગ કર્યો

. જે વિદ્યાર્થીઓએ અન્ય યુનિવર્સિટીમાંથી ટ્રાન્સફર થઇને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોઇપણ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો તે માટે ટ્રાન્સફરના નિયમો છે. આ કોલેજના આચાર્ય તથા ડીન તરીકે ડો. અમિતાભ જોષીએ આ નિયમોની જાણકારી હોવા છતાં છાત્રોને ગેરકાયદેસર રીતે એડમિશન આપવા માટે ટ્રાન્સફર નિયમોનું પાલન પણ ન કરી નિયમ વિરૂધ્ધ એડમિશન આપ્યા હતાં.

માર્કશીટ સાચી કે ખોટી? તેની ખરાઇ ચાલતી હતી ત્યારે પણ વિનોબા ભાવે અને દિલ્હી યુનિવર્સિટીના ઇ-મેઇલ આવ્યા-તેમાં લખ્યું હતું કે ડીગ્રી સાચી છે!!: તપાસ કરતાં ખબર પડી કે આ યુનિવર્સિટી દ્વારા આવા કોઇ ઇ-મેઇલ થયા નથીઃ ભેજાબાજોએ નકલી ઇ-મેઇલ આઇડી બનાવી હતી

. માર્કશીટ સાચી છે કે ખોટી તેની ખરાઇની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે પણ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિક્ષા વિભાગમાં વિનોબા ભાવે યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટી ઓફ દિલ્હીમાંથી ૭-૩-૧૮ના રોજ બે જુદા-જુદા ઇ-મેઇલ આઠ મિનીટના અંતરે આવ્યા હતાં. જેમાં જણાવાયેલ કે વિદ્યાર્થીઓની માર્કશીટ સાચી છે! આ ઇ-મેેઇલની તપાસ થતાં તે પણ ખોટા અને ગેરમાર્ગે દોરનારા હોવાનું ફલિત થયું હતું. વિનોબા ભાવે યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીમાં તપાસ થતાં ત્યાંથી આવા કોઇ જ ઇ-મેઇલ નહિ થયાનું ખુલ્યું હતું. આ જોતાં આ બંને યુનિવર્સિટીના નામે ભેજાબાજોએ નકલી ઇ-મેઇલ એકાઉન્ટ બનાવી તેનો ઉપયોગ કર્યાનું પણ સામે આવ્યું છે!

(11:54 am IST)