Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજકોટમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ૧૦ કરોડ ઠલવાયાઃ યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં ધીમે ધીમે આવક ચાલુ : અઠવાડીયામાં સ્થિતિ રાબેતા મુજબ થવાની આશા

રાજકોટ તા. ૧૯ :.. શહેરનાં ૭૦ ટકા એટીએમમાં 'કેશ નથી' ના લાગેલા બોર્ડમાં આજથી  ધીમે ધીમે સુધારો થશે તેમ બેકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે. બેંક ઓફ બરોડામાં આજે એટીએમ માટે રૂ. ૧૦ કરોડ આવ્યા છે તો યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના અધિકારીઓ કહે છે કે ધીમે ધીમે નાણાની આવક ચાલુ થઇ છે. દરમ્યાન અઠવાડીયામાં  પરિસ્થિતી રાબેતા મુજબ થઇ જવાની આશા વ્યકત થઇ રહી છે.

પંજાબ નેશનલ બેંકના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હાલ કેશ છે નહી અને આવી નથી એટલે એટીએમમાં નાણા ઠલવાઇ શકાયા નથી.

શહેરમાં ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. માત્ર એટીએમ કાર્ડ હોવાના કારણે તેમના ખીસ્સા ખાલી થયા છે. આ ઉપરાંત શહેરીજનો પણ એટીએમમાં નાણા ખલ્લાસ હોવાના કારણે અસહ્ય તકલીફો ભોગવી રહ્યા છે.

જોકે હવે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયામાંથી કરન્સી ચેસ્ટ બેંકોને નાણા મળવાનો પ્રારંભ થતા ધીમે ધીમે સ્થિતિ સુધરશે. સંભવત એકાદ અઠવાડીયામાં મોટાભાગના એટીએમ ફરી ધમધમવા લાગશે તેવી આશા વ્યકત કરાઇ છે.(૮.૧૯)

(4:10 pm IST)