Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજકોટના ૩૩માં ડે.મેયર તરીકે કંચનબેન સિધ્‍ધપુરા

વોર્ડ નં. ૧૬ના પ્રથમ વખત ચુંટાયેલ કોર્પોરેટર ઉપર પાર્ટી વરસી : જનરલ બોર્ડમાં બિનહરીફ ચૂંટાયા : સપ્‍ટેમ્‍બર સુધી સંભાળશે ધુરા : બોર્ડ પૂર્વેના ભાજપ સંકલનમાં નવા પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ તા. ૨૦ : મ્‍યુનિ. કોર્પોરેશનનાં ડે. મેયરની ખાલી પડેલી જગ્‍યા પર આ સભામાં વોર્ડ નં.૧૬નાં કોર્પોરેટર કંચનબેન સિધ્‍ધપુરા બીનહરીફ ચુંટાય આાવ્‍યા હતા.

મનપાનું જનરલ બોર્ડ આજે સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાંયા સભાગૃહમાં મેયર પ્રદીપ ડવના અધ્‍યક્ષસ્‍થાને યોજાયુ હતુ. આ બોર્ડમાં  શહેરનાં વોર્ડ નં.૨ના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્‍ય તરીકે ચૂંટાતા તાજેતરમાં પાર્ટી ડે.મેયર પદેથી તેમનું રાજીનામુ લીધુ હતું. વર્તમાન ટર્મની બાકીની છ માસની મુદત માટે આ જગ્‍યા ખાલી પડતા હવે પ્રદેશની મંજૂરીથી નવા પદાધિકારીની નિમણૂંક છ માસ માટે કરવા ડે. મેયરની નિમણૂંકની દરખાસ્‍ત અધ્‍યક્ષ સ્‍થાનેથી મુકવામાં આવી હતી. આ દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલે મુકી હતી અને શાસક નેતા વિનુ ધવાએ ટેકો આપ્‍યો હતો. અધ્‍યક્ષ પ્રદીપ ડવએ ડે.મેયર તરીકે કંચનબેન સિધ્‍ધપુરાના નામની જાહેરાત કરતા ભાજપના સભ્‍યોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્‍યા હતા અને સભાના ડાયસ પર ડે.મેયરની ખુરશી પર બેસાડયા હતા. પદગ્રહણ કરતા નવનિયુકત ડે.મેયરનું મેયર પ્રદીપ ડવ, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ, નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તથા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ અભિવાદન કર્યું હતું.

બોર્ડમાં પદગ્રહણ બાદ ડે.મેયરની ચેમ્‍બરમાં કંચનબેન સિધ્‍ધપુરાએ ચાર્જ સંભાળતા મેયર પ્રદીપ સહિતના પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ તમામ શાસકોના કોર્પોરેટરોએ શુભેચ્‍છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જનરલ બોર્ડ પૂર્વે મળતી ભાજપ સંકલન બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સુચનાથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા ડે.મેયર તરીકે કંચનબેન સિધ્‍ધપુરાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, ડે.મેયર તરીકે વરણી થતાં કંચનબેને કાયદા સમિતિના ચેરમેન તરીકે રાજીનામુ આપ્‍યું છે. નવા ચેરમેનની વરણી પણ ટુંક સમયમાં કરવામાં આવશે.(૨૧.૨૮)

નવનિયુકત ડે.મેયરનો ટુંકો પરિચય

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર શ્રીમતી કંચનબેન રાજેશભાઇ સિધ્‍ધપુરા : જુના હુડકો કવાર્ટર નં. ૧૦૦ (જુના), ન્‍યુ રામદેવ ડેરીની બાજુમાં, કોઠારીયા રોડ પર રહે છે તેનો જન્‍મ ૧ જાન્‍યુઆરી ૧૯૬૯ના થયો છે.

નવનિયુકત ડે.મેયર શહેર ભાજપ સંગઠનમાં ૨૫ વર્ષથી કાર્યરત. શહેર ભાજપમાં ઉપપ્રમુખ, મંત્રી તથા મહામંત્રી તથા  શહેર ભાજપમાં મહિલા મોરચામાં મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા છે. તેઓ લુહાર જ્ઞાતિ મહિલા મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે.

જુદી જુદી ચુંટણીઓ તથા પેટા ચુંટણીઓલક્ષી કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ. મહિલા સશકિતકરણ પ્રશ્નો સામાજીક સેવાઓ, મહિલાલક્ષી કામગીરી, છેવાડાના માનવીના દરેક પ્રશ્નો તેમજ રાજકોટના વિકાસલક્ષી કાર્યો માટે હરહંમેશ સતત જાગૃત અને પ્રયત્‍નશીલ રહે છે.

(4:32 pm IST)