Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પોઝીટીવ યુવાનના પરિવારના ચાર સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

તમામ રાજકોટવાસીઓને મોટી રાહત થઇ : યુવક સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનથી આવ્યો હતો, સાથે જામનગરના ૨૦ પેસેન્જર હતા : ૧૫ને ઓળખી કઢાયા

અમદાવાદ,તા. ૨૦  : ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે દર્દીમાં રાજકોટનો યુવક સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવી છે. હજુ ત્રણ દર્દી શંકાસ્પદ છે અને યુવકના પરિવારમાંથી પણ ૪ વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેના નમૂના જામનગર પરીક્ષણ માટે મોકલાયા હતા. પરંતુ ચારેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેને પગલે સ્થાનિક આરોગ્ય તંત્રની સાથે સાથે રાજકોટવાસીઓએ પણ રાહતનો દમ લીધો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણ નગરમાં રહેતા અને ઇન્ટરનેશનલ લેવલે સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવાન ગત રોજ દુબઇથી પુના પહોંચ્યા બાદ ગોંડલ તેના ઘરે પહોંચતા તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેતપુરમાં દુબઇથી અને જર્મનથી આવેલા બે વ્યક્તિને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બંનેને ગળામાં બળતરા થતી હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. જામનગર અને દ્વારકામાં પણ કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

             દરમ્યાન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ જંગલેશ્વરમાં કોરોના પોઝીટીવ દર્દીના કેસમાં તેના પરિવારના ૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ ૧૦ હજાર લોકોનું તેના વિસ્તારમાં સ્કેનીંગ કર્યું છે, પોઝીટીવ આવેલા યુવાન ક્યાં ક્યાં ગયો હતો તે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી છે. તે ધોરાજી એક પ્રસંગમાં ગયા હતા ત્યાં પણ તપાસ કરી છે. જે લોકો આ યુવાનના સંપર્કમાં આવ્યા હોય તે સામેથી આવે. જરૂર પડે તો ચેકિંગ કરીશું. તા.૨૨ તારીખે સિટી બસની ક્ષમતા ઘટાડી દેશું, જરૂર પડ્યે બંધ પણ કરીશું.

વિદેશથી રાજકોટ પરત

આવેલા ૯૨ લોકોની યાદી તંત્રને મળી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ૯૨ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. લોકો એકદમ જાગૃતતા દાખવી રહ્યા છે, સામે આજુબાજુમાં કોઈ વિદેશથી આવે તો તંત્રને જાણ કરી રહ્યા છે. પુનાથી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું. અને તેઓ પોતાના ભાઈ ભાભી સાથે રહે છે અને એક માસથી કામકાજ માટે દુબઇ રહ્યા હતા. ૧૧ દિવસમાં યુવાનના સંપર્કમાં આવેલા ૧ હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

(8:44 pm IST)