Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

તમારા વિસ્તારમાં કે સગા-સ્નેહીઓમાં વિદેશથી પરત ફરેલા વ્યકિતની માહિતી આપો

કોરોના સામે સાવચેતીમાં સહયોગ કરોઃ ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ,તા.૨૦: કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીનાઙ્ગ પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે શહેરના નાગરિકોને પણ સંક્રમણ અટકાવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. જેમાં કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, તાજેતરમાં વિદેશથી રાજકોટમાં આવેલા લોકો વિશે નાગરિકોને માહિતી હોય તો તુર્તજ રાજકોટ મહાનગરપાલિકાના  ૨૪ *૭ કોલ સેન્ટરના ફોન નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ ઉપર જાણ કરવા લોકોને હાર્દિક વિનંતી સહ અપીલ છે. તંત્રને માહિતી આપનાર વ્યકિત વિશે મહાનગરપાલિકા કોઈપણ પ્રકારની પુછપરછ કરશે નહિ. વિદેશથી આવેલા લોકોની માહિતી આપી તંત્રને સહયોગ આપનારા જાગૃત નાગરિકોના નામ, સરનામાં, કે અન્ય કોઈપણ પ્રકારની પુછતાછ કરવામાં નહિ આવે. લોકો પોતાની ઓળખ જાહેર કર્યા વગર બેધડક રીતે રાજકોટ મહાનગરપાલિકાને માહિતી આપી શકે છે.

રાજકોટવાસીઓ પાસે સહયોગની અપેક્ષા વ્યકત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે, કોરોના વાઇરસ સંક્રમણના પ્રસારને અટકાવવા પ્રશાસનની સાથોસાથ રાજકોટવાસીઓ પણ જાગૃતિ અને સતર્કતા દાખવે અને આ પ્રકારે નાગરિક ધર્મ બજાવે તે વર્તમાન સમયની માંગ છે. જો કોઈ નાગરિક પોતે કે પોતાના પરિવારના કોઈ સભ્ય વિદેશથી આવ્યા હોય કે પછી પોતાના ઘર કે વ્યવસાયનાં સ્થળે આજુબાજુનાં કોઈ પાડોશી વિદેશથી રાજકોટ આવ્યા હોય તો તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકાને જાન કરવી સર્વથા ઇચ્છનીય છે. વ્યકિતને બીમારી હોય કે નાં હોય તો પણ વહીવટી તંત્રને માહિતગાર કરી સૌ નાગરિક ધર્મ બજાવે તે જરૂરી છે.  આ ઉપરાંત નાગરિકોને પોતાના આજુબાજુના વિસ્તારમાં વિદેશથી કોઈ વ્યકિત આવેલ હોય, અને તે બીમાર ના હોય તો પણ રાજકોટ મહાનગરપાલિકાને એ વ્યકિત વિશે તુરંત જાણ કરવા હાર્દિક વિનંતી છે. વિદેશથી કોઈપણ માર્ગે, જેમકે સમુદ્રી માર્ગ, હવાઈ માર્ગ કે મોટર માર્ગ પૈકી કોઈપણ રસ્તે  રાજકોટમાં આવ્યા હોય તો પણ તેની માહિતી રાજકોટ મહાનગરપાલિકાને મળે તે સૌ નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં છે તેમ પણ મ્યુની. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે અનુરોધસહ જણાવ્યું હતું.

(4:56 pm IST)