Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રર માર્ચે જનતા ફકર્યુના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પગલાને અમલમાં મુકવા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડની જાહેર અપીલ

આજે સમગ્ર વિશ્વ કોરોનાના વાઇરસથી ફેલાયેલ મહામારીથી બચવા ચિંતિત છે. ત્યારે આપણા દેશના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોક જાગૃતિ માટે ઉઠાવેલ 'જનતા કર્ફ્યુ' ના પગલાને આવકારતા અને તેનો ચુસ્તપણે અમલ કરવા સમગ્ર જનતાને અપીલ કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે તેમજ તેને નાથવાની દવા હજુ સુધી શોધાઈ નથી. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે આપણે કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે જો આપણે સ્વસ્થ હશું તો સમાજ પણ સ્વસ્થ રહી શકશે. કોરોના વાઇરસ સામે ગંભીરતાપૂર્વક કાળજી લઈએ અને ખાસ કરીને નાના બાળકો તેમજ ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને ખાસ કામ સિવાય દ્યરની બહાર ન નીકળે, બિનજરૂરી પણે હોસ્પિટલે જવાનું ટાળે તે માટે તેને તથા તેના કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા અપીલ કરવામાં આવે છે.

વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને તા.૨૨ના રોજ સવારના ૦૭ થી રાત્રીના ૦૯ સુધી જનતા કર્ફ્યુનો અમલ કરવા અપીલ કરેલ છે. તેમાં તમામ લોકો પોતાનું યોગદાન આપે અને ખાસ કરીને શહેરની જાહેર સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આ જનતા કર્ફ્યુની સફળતા માટે લોકોને જાગૃત કરે તે જરૂરી છે આ ઉપરાંત આગામી ૧૫ દિવસ સુધી કોઈપણ પ્રકારના સામાજીક, ધાર્મિક મેળાવડાઓ કે જયાં વધારે પ્રમાણમાં લોકો એકત્ર થાય તેમ હોય તેનું આયોજન ટાળવા પણ અપીલ કરવામાં આવે છે.

     રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસથી બચવા અને લોક જાગૃતિ માટે માર્ગદર્શિકા સૂચવતી પત્રિકા લોકોના દ્યેર દ્યેર પહોંચાડવામાં આવી રહી છે ત્યારે આ પત્રિકામાં જણાવવામાં આવેલ માર્ગદર્શિકાનો અમલ કરી સ્વયંને અને અન્યને આ મહામારીથી બચાવવા લોકોને જણાવાયું છે.

(4:23 pm IST)