Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

માલિકની માનસીક અસ્થિરતાનો લાભ લઇ મવડીની કરોડોની કિંમતની જમીન પડાવી લીધી : પ્રવિણ પરમાર (એટલાસ)ની ધરપકડ

મંદબુધ્ધિના અપરણીત પુત્રોને યુવતીના ફોટો બતાવી સગાઇ-લગ્નની લાલચ આપી લગ્નના દસ્તાવેજ ઉપર સહીઓ લેતા હોવાનું જણાવી: સહીઓ લઇ લીધી સાથોસાથ તેમના પિતાના અંગુઠાના નિશાનો પણ રજીસ્ટર ઓફીસમાં લઇ લેવાયાઃ બે પુત્રો અને પતિ સાથે થયેલા ષડયંત્રની ફરીયાદ નોંધાવતા મંજુલાબેન સોરઠીયાઃ સંજય સોરઠીયા, સુરેશ, મનોજ ગમારા, અનવર સુમરા, સંજય સંધી સહિતના કૌભાંડકારોની શોધખોળ

રાજકોટ, તા., ૨૦: મવડી ગામમાં ચોરાવાળા રોડ ઉપર શંકર મંદિર પાસે પટેલ શેરીમાં રહેતા મંજુલાબેન પરસોતમભાઇ સોરઠીયા નામના પટેલ મહિલાએ તેમના પતિ અને પુત્રોની માલિકીની સાડા છ એકર  અતિ કિંમતી જમીન પતિ અને પુત્રોની માનસીક અસ્થિરતાનો લાભ લઇ લલચાવી-ફોસલાવી  દસ્તાવેજો કરાવી લઇ પુર્વયોજીત કાવત્રાના ભાગરૂપે હડપ કરી લીધાની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ફરીયાદના આધારે પોલીસે પ્રવિણભાઇ અમરશીભાઇ પરમાર (એટલાસ)(રહે.શાંતિનિકેતન સોસાયટી, બ્લોક નં. ૪, 'બાલાજી')ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ કૌભાંડમાં ૬ થી વધુ કૌભાંડકારો સંડોવાયાની  આશંકાએ પીએસઆઇ એમ.ડી.ડામોર અને પીઆઇ ધોળાએ વધુ તપાસ હાથ ધરી છે.

એફઆઇઆરમાં મંજુલાબેન પરસોતમભાઇ સોરઠીયાએ જણાવ્યું છે કે હું મવડી ગામના ઉપરોકત સરનામે મારા કુટુંબ પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા પતિ અભણ અને મંદબુધ્ધિના હોવાથી કોઇ કામધંધો કરતા નથી. મારે સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં મોટી દિકરી ચંત્રીકા (ઉ.વ.૩૭) ના લગ્ન જસદણ મુકામે થયા છે. તેનાથી નાનો પુત્ર ભરત (ઉ.વ.૩પ) અને સૌથી નાનો પુત્ર મહેન્દ્ર (ઉ.વ.૩૩) છે. જે બંન્ને મંદબુધ્ધિના છે અને માત્ર ૩-૪ ધોરણ ભણેલા છે. આ ત્રણેય માનસીક અસ્થિર કે મંદબુધ્ધિના હોવાના મેડીકલ સર્ટીફીકેટ પણ અમારી પાસે છે. આ ત્રણેયને  ટાર્ગેટ બનાવી જમીન કૌંભાડકારોએ અમારા હિસ્સાની ૩૩ ટકા અવિભાજય જમીન કે જે મવડી ગામના સર્વે નં. ૩૦૭ માં ૬ એકર ર૪ ગુંઠા આવેલી છે. તે લોભ, લાલચ અને પ્રલોભનો આપી લખાવી લીધી છે. આ જમીનની કિંમત બજારભાવે અંદાજે રપ કરોડ થાય છે. કૌભાંડની જાણ અમને અખબારમાં જાહેર નોટીસ આવ્યા બાદ થઇ હતી. જેના આધારે મેં  ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં મંજુલાબેન સોરઠીયાએ વધુમાં જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલા મારો પુત્ર મહેન્દ્ર તેની બેઠક  ફુલીયા હનુમાનજી મંદિર પાસે બેઠો હતો ત્યારે મારો જેઠનો દિકરો સંજય માધવજી સોરઠીયા, સંજય સીંધી અને તેના મિત્ર પ્રવિણ અમરશી પરમાર તથા તેના માણસો સુરેશભાઇ સાથે આવી મારા પુત્રની ઓળખાણ કરાવી હતી. ત્યારથી મારા મંદબુધ્ધિના પુત્રને અવાર નવાર તેઓ મળતા હતા. આ ગાળા દરમિયાન મારા દિકરાના લગ્ન બાકી હોય અને તેની માનસીક હાલત કથળેલી હોય તેનો લાભ લઇ જુદી જુદી છોકરીઓના ફોટા મોબાઇલમાં દેખાડી તેની સાથે સગાઇ-લગ્ન કરાવવાની લાલચ આપી હતી. આશરે નવેક મહિના પહેલા સંજય માધવજી સોરઠીયા, સુરેશ અને સંજય સંધીએ ભેગા મળી કાવત્રાને અંજામ આપવા મારા પુત્ર મહેન્દ્રને છોકરી બતાવવાના બ્હાને બે વખત બોલાવી ગયા હતા. પાછળથી મારા જેઠનો પુત્ર સંજય માધાભાઇ અમારા ઘરે એક નોટીસ લઇને આવ્યો હતો અને અમને જણાવ્યુ઼ હતું કે તમારી જમીન અંગેના દસ્તાવેજ પ્રવિણભાઇ અમરશીભાઇ પરમારે કરાવ્યા છે અને આ દસ્તાવેજ પુર્વે મારા કાકા પરસોતમભાઇનું કુલમુખત્યારનામું કરાવ્યું છે. જેમાં બંન્ને પિતરાઇ ભાઇઓની સહીઓ કરાવી લીધી છે. આ કુલમુખત્યાર નામાના આધારે તમારા ભાગની ૩૩ ટકા જમીનનો દસ્તાવેજ થઇ ગયો છે. તમારા પુત્ર મહેન્દ્રના નામનુ ખાતુ ખોલાવી તેમાં રોકડા રૂપીયા નાખવામાં આવ્યાનું પણ મારા જેઠના દિકરાએ જણાવ્યું હતું.

ઉપરોકત બાબતે મેં મારા પુત્ર મહેન્દ્રને ફોસાલવીને પુછતા તેણે જણાવેલ કે, એ બધા લોકો મને છોકરી બતાવવાની લાલચ આપી લગ્ન કરાવી દેવાનું કહી છોકરી જોવા બહાર લઇ જતા હતા. છોકરી પણ બતાવતા હતા અને તેની સાથે લગ્ન કરાવી દેવાનું કહી તે અંગેના કાગળો કરવાનું જણાવી મને તથા મારા પિતાજી અને ભરતભાઇને લઇ જઇને અમારા બંન્ને ભાઇઓની સહીઓ અને પિતાનો અંગુઠો કરાવ્યો હતો. તેમજ બેંકમાં લઇ જઇ મારી સહીઓ કરાવી હતી અને રૂપીયા પણ ઉપાડયા હતા. તે રૂપીયા શેના હતા તે મને ખબર નથી!

આ બાબતની જાણ મેં મારા સગા યોગેશભાઇ ધીરૂભાઇ સોરઠીયા અને અન્ય સગાસબંધીઓને કરી હતી. યોગેશભાઇએ રજીસ્ટ્રાર ઓફીસે તપાસ કરતા જાણવા મળ્યું કે અમારી જમીનનો દસ્તાવેજ કરવા માટે ઉપરોકત તમામ લોકોએ ભેગા મળી કાવત્રુ આચરી મારા દિકરા મહેન્દ્રના લગ્ન કરી આપવાની લાલચ આપી મારા મંદબુધ્ધિના પતિ તથા મંદબુધ્ધિના બીજા દિકરા કે જેઓ પોતે શું કરી રહયા છે તેની જાણ ન હોવા છતા તા.૧૯-૭-૧૯ના ઉભા કરવામાં આવેલા કુલમુખત્યાર નામામાં તેમની સહીઓ લઇ લેવામાં આવી હતી. આ કુલમુખત્યારનામામાં મારી અને મારી પુત્રીની સહીઓ લેવામાં આવી નથી કે અમારી કોઇ સંમતી લેવામાં આવી ન હોવાથી આ ખોટા કુલમુખત્યારનામા તૈયાર કરી તેના આધારે મારા મંદબુધ્ધિના પતિ પાસે કરાવી કોઇ પણ પ્રકારની જમીન લે-વેચની જાહેરાત કર્યા વગર તેમને રજીસ્ટ્રાર ઓફીસે લઇ જઇ મનોજ મછાભાઇ ગમારા નામની વ્યકિતના નામે ૩૦ જાન્યુઆરી-૨૦૧૯ના કરાવ્યું હતું. આ કુલમુખત્યારનામાના આધારે મારા દિકરા મહેન્દ્રના ગાંડપણ અને મંદબુધ્ધિનો લાભ લઇ તેનુ ખાતુ ફેડરલ બેંક(લીમડા ચોક) શાખામાં ખોલાવવામાં આવ્યું હતું. પાછળથી સાટાખત મુજબના રૂ.ર૦ લાખ મારા દિકરાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. પુર્વયોજીત રીતે મારા પુત્રની સહીઓ પણ ચેકબુકમાં લેવડાવી લેવામાં આવી હોવાથી તેની સહી સાથેના ચેકના આધારે પાછળથી આ રકમ પણ ઉપાડી લીધી હતી. મવડીની અમારી માલીકીની જમીનનો દસ્તાવેજ પ્રવિણ અમરશીભાઇ પરમારના નામે તા. ર૩-૭-૨૦૧૯ના કરાવી લેવામાં આવ્યો હતો. દસ્તાવેજમાં થયેલા ઉલ્લેખ મુજબ બીજુ ખાતુ બેંક ઓફ બરોડાની જયુબેલી ચોક શાખા રર-૭-ર૦૧૯ના ખોલાવાયું હતું. પહેલાની માફક જ મારા પુત્રના ખાતામાં તેની મંદબુધ્ધિનો લાભ લઇ તા. ર૪-૭-ર૦૧૯ના રોજ ચેક નાખી એક કરોડ જમા કરાવાયા હતા અને રપ-૭-ર૦૧૯ના અનવર સુમરા નામના શખ્સના ખાતામાં પ૦ લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ર૬-૭-ર૦૧૯ના મારા પુત્ર મહેન્દ્રના ખાતામાંથી ૭૦ લાખ સેલ્ફના ચેકથી ઉપડાવી અલગ-અલગ તારીખે એક કરોડ પાછા મેળવી લેવાયાની માહીતી અમને બેંક તરફથી આપવામાં આવી હતી.

આમ પ્રવિણભાઇ અમરશીભાઇ પરમાર, મારા જેઠના પુત્ર સંજય માધાભાઇ સોરઠીયા, સુરેશ (પુરૂ નામ-સરનામુ ખબર નથી), મનોજ મચ્છાભાઇ ગમારા, અનવર કાસમભાઇ સુમરા, સંજય સંધી અને અન્ય કૌભાંડકારોએ મીલીભગતથી મવડી સર્વે નં. ૩૦૭ની પીયત પ્રકારની જુની શરતની ખેડવાણ હેકટર આ.રે.ચો.મી. ર-૬૭-૦૯ બરાબર એકર ૬-ર૪ ગુંઠા અમારી માલીકીની જગ્યા લખાવી લીધી હતી.

મારી દિકરી અને હું બધુ સમજી શકતા હોવાથી અમારી કોઇ સહમતી લેવામાં આવી ન હતી અને મારા જેઠ પણ બધુ સમજી શકતા હોય તેમની પણ સહમતી લેવામાં આવી ન હતી. મારા જેઠ મૃત્યુ પામ્યા તે પહેલા અમારા કુટુંબની સ્થિતી જાણતા હોય તેમણે પોતાનો હક્ક જતો કર્યો હતો. તેમના પુત્રનો પણ આ કાવત્રામાં કૌભાંડકારોએ સહયોગ લીધો હતો. મારી આ ફરીયાદ સંદર્ભે કાયદાકીય પ્રક્રિયા કરી કૌભાંડકારોની ધરપકડ કરવા મારી ફરીયાદ છે તેવું મંજુલાબેને લેખીતમાં જણાવ્યુ઼ં હતું.

ઉપરોકત ફરીયાદના આધારે પ્રવિણ અમરશીભાઇ પરમાર (એટલાસ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:22 pm IST)