Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૩૧ માર્ચ સુધી સામાજીક અને વ્યકિતગત પ્રસંગો નહીં યોજવા પદાધિકારીઓની અપીલ

૨૨ મી માર્ચે જનતા કર્ફયુમાં પ્રત્યેક નાગરિક સહયોગ આપેઃ મેયર સહિતનાં પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ,તા.૨૦:મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર તથા આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે તેમજ હજુ તેની દવા શોધવાનું કાર્ય વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કોરોના વાઇરસ માટે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે આપણી કહેવત છે 'પહેલું સુખ તે જાતે નર્યા'અને 'આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ' તે ધ્યાનમાં રાખી આપણે સ્વસ્થ રહીએ અને બીજા લોકો પણ સ્વસ્થ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.

વિશેષમાં શહેરના નગરજનો જનતા કર્ફ્યુનો અમલ કરે તે માટે સામાજીક, ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપવા જણાવેલ. આ ઉપરાંત સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને વ્યકિતગત પણે પણ આગામી તા.૩૧ માર્ચ સુધી ભીડ થાય તેવા કાર્યક્રમો, પ્રસંગો યોજવા નહિ. તથા કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓનો જુસ્સો જળવાઈ રહે તે માટે જનતા કર્ફ્યુના દિવસે સાંજના ૦૫:૦૦ વાગ્યાથી ૦૫ મિનીટ માટે દ્યંટરાવ કરવા અથવા તો અન્યરીતે તેમને પ્રોત્સાહિત કરી સન્માન આપવા પણ અપીલ કરેલ છે.

કોરોના વાઇરસથી ગભરાવું નહિ પરંતુ સાવચેત રહેવું એ ખુબ જ અગત્યનું છે. જેથી લોકોએ જરાપણ ગફલતમાં રહેવું નહિ.

ડે.મેયર તથા માર્કેટ સમિતિ ચેરમેનની અપીલ

વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા જણાવવામાં આવેલ છે કે, આજે વિશ્વ આખું કોરોના વાઇરસથી ચિંતિત છે. કોરોના વાઇરસ ખુબ જ ચેપી છે. લોકો પણ સ્વસ્થ રહે તેની ગંભીરતાપૂર્વક કાળજી લઈએ ખાસ કરીને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનો બને ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવા અને કુટુંબીજનોએ પણ તેમની ખાસ કાળજી લેવા તેમજ નાના બાળકોને પણ ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ બહાર નહિ લઇ જવાં અપીલ કરવામાં આવે છે.

     ગઈકાલે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨ માર્ચ રવિવારના રોજ આખો દિવસ જનતા કર્ફ્યુ રાખવા અપીલ કરેલ છે. તેનું પાલન કરવા અપીલ કરવામાં આવેલ છે.

 કોરોના વાઇરસ સામે સ્વયંને અને અન્યને બચાવો

આટલું કરવું..

* જો શરદી ખાસીથી પીડાઓ છો તો અવશ્ય માસ્ક પહેરો.

*શ્વાસોશ્વાસની મૂળભૂત સભ્યતા પાળો.

*ઉધરસ અને છીંક ખાતી વખતે મો ને ઢાંકો.

*વ્યકિતગત સ્વચ્છતા સારી રીતે જાળવો.

* સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા.

*સ્પીરીટ આધારિત હેન્ડવોશનો ઉપયોગ કરવો.

*વિટામીન “C” યુકત ખોરાક જેવા કે ખાટા ફળો, આદુ, લસણ કે મરચા જેવા ગરમ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો.

આટલું ન કરવું..

*તમને ઉધરસ કે તાવ હોય ત્યારે કોઈની બહુ નજીકથી સંપર્કમાં રહેવું નહી.

*જાહેર જગ્યાએ ન થૂંકવું.

*સંક્રમિત દેશોમાં વિદેશ પ્રવાસ કરવો નહિ.

*તળેલું અથવા મસાલેદાર ખોરાક ખાવો નહિ.

*વધારે પડતા ઠંડા-પીણા કે આઈસ્ક્રીમનો ઉપયોગ કરવો નહિ.

*માંદગી દરમ્યાન આંખ, નાક અને મો ને સ્પર્શ કરવો નહિ.

*ભીડવાળી જગ્યાએ જવું નહિ.

(4:21 pm IST)