Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પટેલ ખેડુત તળશીભાઇ પાદરીયાએ અગાઉ વેંચી નાંખેલી હડાળાની કિંમતી જમીનનું બારોબાર બોગસ સાટાખત બનાવી ફરીથી વેંચાણ!

મેરીગોલ્ડ રેસિડેન્સીમાં રહેતાં પ્રજ્ઞાબેન રાવલે બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરી જુનાગઢ માખીયાળાના રામજી ગજેરાને દસ્તાવેજ કરી આપ્યોઃ નિર્મળ ગજેરા અને ક્રિષ્ના ગજેરાએ સાક્ષી તરીકે સહીઓ કરીઃ નોટરી-વકિલે પણ કાવત્રામાં ભાગ ભજવ્યાનો આરોપઃ કુવાડવા પોલીસની તપાસ :ફરિયાદી તળશીભાઇના પિતાજી કે જે ૨૦૦૫માં ગુજરી ગયા છે તેમણે પોતે હયાત હતાં ત્યારે જ તેમણે એ જમીન વેંચી નાંખી હતીઃ આમ છતાં કોૈભાંડકારોએ બોગસ દસ્તાવેજો, કુલમુખત્યાર નામુ તૈયાર કરી નાંખ્યાઃ નોટીસ મળતાં કોૈભાંડની ખબર પડી

રાજકોટ તા. ૨૦: વધુ એક જમીન કોૈભાંડ જાહેર થયું છે. રાજકોટના કુવાડવા રોડ પર રહેતાં પટેલ ખેડુતની હડાળા ગામના સર્વે નંબરમાં આવેલી કિંમતી જમીન કે જે તેમના પિતાશ્રી હયાત હતાં ત્યારે તેમણે વેંચી નાંખી હતી એ જમીનના બોગસ દસ્તાવજો ઉભા કરી કોૈભાંડ આચરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. રાજકોટની મેરીગોલ્ડ રેસિડેન્સીમાં રહેતાં એક મહિલા તથા જુનાગઢના માખીયાળાના પટેલ શખ્સ, તેના પુત્ર અને પુત્રવધુ તથા રાજકોટના નોટરી અને વકિલ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જમીન કોૈભાંડકારો વિરૂધ્ધ બે દિવસથી શહેર પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તે અંતર્ગત વધુ એક ગુનો દાખલ થયો છે. પોલીસે કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ પર ચિંતન પાર્ક-૨માં અંબિકા પાર્કની પાછળ રહેતાં તળશીભાઇ જેરામભાઇ પાદરીયા (પટેલ) (ઉ.વ.૫૭) નામના ખેડુતની ફરિયાદ પરથી નંદનવન પાછળ મેરીગોલ્ડ રેસિડેન્સી બ્લોક નં. ૬૦માં રહેતાં પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ, જુનાગઢના માખીયાળા ગામે રહેતાં રામજીભાઇ વલ્લભભાઇ ગજેરા, નિર્મળભાઇ રામજીભાઇ ગજેરા અને ક્રિષ્નાબેન નિર્મળભાઇ ગજેરા તથા રાજકોટના નોટરી એન.આર. વોરા તથા એડવોકેટ બી. એમ. દવે તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધ્યો છે.

તળશીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઉપરોકત સ્થળે રહુ છું અને હડાળા ગામે મારી જમીન છે ત્યાં ખેતી કરુ છું. વડિલોપાર્જીત જમીન જે હડાળા ગામ રે.સ.નં. ૧૬૨ પૈકી ૨થી હે.આ.ચો.મી. ૨-૨૧-૫૭ની આવેલી હતી. જે જમીન ૨૦/૯/૧૯૯૦થી મોરબી તાલુકા વિકાસ અધિકારીની કચેરીના હુકમથી બીનખેતીની થયેલી છે. આ જમીનમાં પ્લોટ નં. ૨૫ થી ૧૦૦ સુધીના મારા તથા ૧ થી ૨૪ તથા ૧૦૧ થી ૧૩૬ જે મારા ભાઇ રતનશીભાઇની જમીનના પ્લોટ હતાં આ બંનેની જમીનો બીનખેતી એક જ પ્લાનથી થઇ હતી. જમીનમાં પ્લોટીંગ કરી વેંચાણ માટે મારા પિતા જેરામભાઇ નાથાભાઇ પાદરીયા વહિવટ સંભાળતા હતાં. ચંદ્રકાંત નરભેરામ શેઠ (સી.એન. શેઠ)ને કુલમુખત્યારનામુ કરી જમીન વેંચાણ આપી હતી. જેની નકલ હાલ અમારી પાસે નથી. મારા પિતાને જમીન વેંચાણ પેટે તેને રૂપિયા પણ આપ્યા હતાં.

મારા પિતાએ કેટલા રૂપિયા આપ્યા તેની ખબર નથી. તેઓ વહિવટ સંભાળતા હતાં. એ પછી હું આ જમીન પર કયારેય ગયો નથી. ૨૦૦૫માં મારા પિતાજીનું અવસાન થયું હતું. સી.એન. શેઠ દ્વારા અમે કરી આપેલ કુલમુખત્યારનામાના આધારે કોઇને દસ્તાવેજ કરી આપ્યો છે કે કેમ? તેની અમને ખબર નથી. આ જમીન રેવન્યુ રેકર્ડમાં ખેતીની બોલતી હોઇ પરંતુ બીનખેતી અંગેની કાર્યવાહી સી. એન. શેઠ કરતાં હતાં. રેવન્યુ રેકર્ડમાં અમને લાંબો ખ્યાલ પડતો નહોતો. અમારા પિતા પણ આ બાબતે જાણકાર નહોતાં. બીનખેતીની એન્ટ્રી કેમ પડી નથી તેની પણ અમને ખબર નથી. તેમજ જમીન પરનો કબ્જો પણ અમારો નથી.

તા. ૨૪/૯/૨૦૧૯ના રોજ અમોને એક નોટીસ રજીસ્ટર્ડ એ.ડી.થી મળી હતી. જેમાં હડાળા ગામ સર્વે નં. ૧૬૨/૨ની જમીન અમારા કુલમુખત્યાર પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલે ખરીદનાર રામજીભાઇ વલ્લભભાઇ ગજેરાને વેંચાણ આપેલ હોઇ અને ફેરફાર માટે નોંધ નં. ૮૩૦૯ની કાચી પડાવેલ હોઇ જેથી આ નોટીસ અમને મળતાં અમારી પાસે જમીન ન હોઇ અમારા પિતા હયાત ત્યારે જ તેમણે સી. એન. શેઠને કુલમુખત્યારનામુ કરી સોંપી દીધી હતી. આ જમીન પર અમારો કબ્જો જ ન હોઇ અને વેંચી દીધી હોઇ જેથી અમે ત્યાં જતાં જ નહોતાં. આમ છતાં પ્રજ્ઞાબેન કે જમને અમે ઓળખતા પણ નથી અને તેમને જોયા પણ નથી તેણે બોગસ કુલમુખત્યારનામુ કરી અન્ય પાર્ટીને     જમીન વેંચાણ આપેલ હોઇ જેથી અમોએ જમીન સંબંધે સબ રજીસ્ટ્રારમાંથી દસ્તાવેજની નકલ કઢાવી હતી.

આથી અમને ખબર પડી હતી કે આ દસ્તાવેજ ૨૭/૮/૧૯થી થયેલો છે અને દસ્વતાજ કુલમુખત્યારનામા આધારે થયેલ હોઇ જેમાં અમારા કુલમુખત્યાર તરીકે પ્રજ્ઞાબેન રાવલ (રહે. મેરીગોલ્ડ રેસિડેન્સી) વેંચનાર  હોઇ અને ખરીદનાર રામજીભાઇ ગજેરા માખીયાળા જુનાગઢ વાળા હોવાની નોંધ હતી. તેમજ એ પણ જાણ થઇ હતી કે જે કુલમુખત્યારનામુ થયુ છે તે બોગસ છે અને તેમાં અમારી સહી નથી. આ બોગસ કુલમુખત્યારનામુ તા. ૩/૦૨/૨૦૦૩ના રોજ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર થયું છે. જેમાં નોટરી તરીકે રાજકોટના એન.આર. વોરા  છે. કરારમાં તળશી જેરામ નામની સહી છે, જે અમારી નથી. અમે કદી પ્રજ્ઞાબેનને કુલમુખત્યારનામામાં સહી કરી આપી નથી. જેમાં ઓળખ આપનાર વકિલ તરીકે બી. એમ. દવેની સહી છે. રામજીભાઇ ગજેરાના નામનો દસ્તાવેજ છે. જેમાં સાક્ષી તરીકે નિર્મળ ગજેરા અને ક્રિષ્ના ગજેરા છે, જે નિર્મળના પત્નિ હોવાનું દસ્તાવેજ પરથી જણાય છે.

આમ પ્રજ્ઞાબેને અમારા નામનું અમોએ વેંચી નાંખેલ જમીનનું અમારી બોગસ ખોટી સહીવાળુ કુલમુખત્યારનામુ ઉભુ કર્યુ છે. જેમાં બી.એમ. દવે નામના વકિલે ખોટી ઓળખ આપી છે અને નોટરી તરીકે એન. આર. વોરાએ ખોટી રીતે કરાર કરી બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરી રામજીભાઇ ગજેરા, નિર્મળ ગજેરા અને ક્રિષ્ના ગજેરાએ મિલાપીપણું કરી બોગસ કુલમુખત્યારનામુ ઉભુ કરવામાં મદદ કરી હોઇ તમામ સામે ફરિયાદ નોંધાવી છે.

એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.

(4:07 pm IST)