Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મ્યુ. કોર્પોરેશને કોમ્યુનિટી હોલ - ઓડીટોરીયમના ૯૦ બુકીંગ રદ્દ કર્યા : ૩૧ માર્ચ સુધી બંધ

૨૧ હોલ - ૩ ઓડીટોરીયમનું બુકીંગ કરાવનારાઓને તેઓના પ્રસંગોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાણ કરી દેવાઇ : આજના બુકીંગવાળાઓના પ્રસંગો છેલ્લી ઘડીએ રઝળી પડતા દોડધામ : સરકારની સુચનાથી બુકીંગ બંધ કરાવાયુ : ૧લી એપ્રિલથી બુકીંગ થશે પણ ગમે ત્યારે રદ્દ કરવાની શરતે થશે

રાજકોટ તા. ૨૦ : કોરોનાના ૫ પોઝીટીવ કેસ ગુજરાતમાં નોંધાતા રાજ્ય સરકારે હરકતમાં આવી અને જાહેર મેળાવડા - કાર્યક્રમો રદ્દ કર્યા બાદ હવે ખાનગી સંસ્થાઓ - લગ્ન પ્રસંગ જેવા સામાજીક મેળાવડાઓ પણ રદ્દ કરવા નિર્ણય લીધો છે. જેના પગલે રાજકોટ કોર્પોરેશન દ્વારા મ્યુ. કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હોલ અને ઓડીટોરીયમના ૯૦ જેટલા બુકીંગ ૩૧ માર્ચ સુધીના તમામ બુકીંગો રદ્દ જાહેર કરતા હોલ બુકીંગ કરાવનારાઓના પ્રસંગો રઝળી પડતા જબરી દોડધામ મચી ગઇ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના આસી. મેનેજર શ્રી કાથરોડીયા જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશથી આજે તા. ૨૦ થી ૩૧ માર્ચ સુધી મ્યુ. કોર્પોરેશનના ૨૧ કોમ્યુનિટી હોલ અને ૩ ઓડિટોરીયમ (૧) પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ (ર) અરવિંદભાઇ મણીયાર હોલ (૩) અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયમ (પેડક રોડ) આ તમામ આજે તા. ૨૦ થી ૩૧ માર્ચ સુધીના ૯૦ જેટલા બુકીંગ રદ્દ કરી નખાયા છે.

જોકે ૧લી એપ્રિલથી બુકીંગ ચાલુ રહેશે પરંતુ આ બુકીંગ જે તે વખતની સ્થિતિને અનુરૂપ ગમે તે વખતે રદ્દ કરવાનો નિર્ણય લેવો પડે તો રદ્દ કરી નાંખવાની શરતે ૧લી એપ્રિલથી કોમ્યુનિટી હોલ અને ઓડીટોરીયમનું બુકીંગ લેવાશે તેમ એસ્ટેટ વિભાગના આસી. મેનેજરશ્રીએ જણાવેલ.

આમ, આજથી ૩૧ માર્ચ સુધીના કાર્યક્રમો અને પ્રસંગો માટે કોર્પોેરેશનના હોલ - ઓડિટોરીયમોનું બુકીંગ કરાવનારાઓના બુકીંગ રદ્દ કરવાની ફરજ પડી છે ત્યારે આ અનિવાર્ય સ્થિતિમાં સૌને સહયોગ આપવા તંત્ર વાહકોએ અપીલ કરી છે.  બીજી તરફ આજના પ્રસંગો માટે હોલ બુકીંગ કરાવનારાઓને છેલ્લી ઘડીએ બુકીંગ રદ્દ કરી નંખાયાની અને તેઓના પ્રસંગો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવાની જાણ થતા લગ્ન પ્રસંગ, સગાઇ જેવા પ્રસંગો રાખનારાઓમાં જબરી દોડધામ મચી ગઇ હતી.

(3:27 pm IST)