Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બુધવારે ઝુલેલાલ મહોત્સવ : શોભાયાત્રા - મહાપ્રસાદ રદ્દ

તુમ સાથ હો જબ અપને દુનિયા કો દિખા દેંગે હમ કોરોના સે લડને કે અંદાજ શિખા દેંગે... : સિંધી સમાજ દ્વારા ચેટીચંડ મહોત્સવ સાદગીપૂર્વક ઉજવાશે : કોરોના વાયરસ મુકત વાતાવરણ સર્જવા પલવ પ્રાર્થનાસભા : માસ્ક - રૂમાલનું વિતરણ

રાજકોટ, તા. ૨૦ : નસરપુરમાં અવતાર ધારણ કરનાર હિન્દુ ધર્મના રક્ષક અને સિંધી સમાજના ઈષ્ટદેવતા ઝુલેલાલ સાંઈના જન્મોત્સવની સાદગી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા નિર્ણય કરાયો છે. દેશ - વિદેશમાં ફેલાયેલ કોરોના વાયરસને લીધે મૃત્યુઆંક અને કોરોના પીડિતોની સંખ્યામાં દિન - પ્રતિદિન ચિંતાજનક થઈ રહેલ વધારા સબબ જાગૃત સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા સહિત સામુહિક યોજાનાર મહાપ્રસાદના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવી હોવાનું રામનાથપરાના જાગૃત નાગરીક કિશોરભાઈ છતલાણીએ એક યાદીમાં જણાવ્યુ છે.

આગામી તા.૨૫ માર્ચ બુધવાર સવારે ૧૦ કલાકે રામનાથ પરા હર મંદિર ખાતે ઝુલેલાલ જન્મોત્સવની ઉજવણી પૂર્વે ઉપસ્થિત તમામ લાભાર્થીઓને માસ્ક અને રૂમાલનું વિતરણ કરાશે. હર મંદિર ટ્રસ્ટના પ્રમુખ લીલારામ પોપટાણી, ઉપપ્રમુખ ધનરાજભાઈ જેઠાણી, મંત્રી રાજાભાઈ હિન્દુજા, કિશોરભાઈ છતલાણી, કનૈયાલાલ નાગદેવ, શ્યામલાલ તનીયા, પરસોતમભાઈ ગુરૂબક્ષાણી, પરસોતમભાઈ પમનાણી, દિનેર પારવાણી, મયુર ઉકાણી, શ્યામ સુંદર ચંદીરામાણી અને જનકભાઈ મુલચંદાણી સહિત સિંધી યુવક મંડળ ઉપરાંત મહિલાઓ તથા દર્શનાર્થીઓ માસ્ક અથવા રૂમાલનું ઉપયોગ કરીને ઝુલેલાલ સાંઈની આરતી પૂજા અને પલવ પ્રાર્થના સભાનું કાર્યક્રમ રજૂ કરનાર છે.

આ તકે ખાસ કરીને દેશ - વિદેશમાં કોરોના પીડિતોની તબિયતમાં સુધારા લાવવાની સાથે સાથે કોરોના વાયરસમુકત વાતાવરણ સર્જવા ભગવાન ઝુલેલાલ સાંઈની શ્રદ્ધાપૂર્વક પૂજા - અર્ચના કરવામાં આવશે. આ શુભ અવસર પર દર્શનાર્થીઓને અમૃતજલ અને પ્રસાદનું વિતરણ થશે.

આ ઉપરાંત સાંજના ૪:૩૦ થી ૭:૩૦ કલાક સુધી ભૈરાણા સાહેબના આયોજન સાથે ભકિત - સત્સંગ અને જયોત વિસર્જનનો કાર્યક્રમ યોજાશે.

બીજી તરફ જાગૃતિ સિંધી સમાજના નાગરીકો દ્વારા કોરોના વાયરસથી બચવા અનેક મુદ્દાઓ પર લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. જેવા કે ચેટીચંડ પર્વ, સિંધી સમાજનું નૂતન વર્ષ હોય તેથી એકબીજાને અભિનંદન આપવા સમયે હાથ મિલાવવાની બદલે નમસ્તે કરવા અનુરોધ વાહન ચલાવવા સમયે ચક્કાજામ ટ્રાફીકમાં ફસાયા હોય ત્યારે માસ્ક અથવા રૂમાલ પહેરવુ, દર્દીઓની હોસ્પિટલ ખાતે મુલાકાત લેતી વખતે માસ્ક અને રૂમાલનો ઉપયોગ કરો. ભીડ, ગંદકી અને અશુદ્ધ વાતાવરણ સર્જાયેલ હોય ત્યાં ન જવું અથવા માસ્ક અને રૂમાલ પહેરવું, શારીરીક સફાઈ સાથે પોતાના ઘરને પણ મંદિરની જેમ પવિત્ર રાખો. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવા અનેક મુદ્દાઓ લોકોને કોરોના વાયરસથી બચાવી શકે તેમ અંતમાં કિશોરભાઈ છતલાણી (મો.૭૩૮૩૧ ૬૮૦૧૨)એ જણાવ્યુ છે.

(4:19 pm IST)