Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા ૧૫૦ લોકોનું લીસ્ટ તૈયાર કરતુ આરોગ્ય તંત્રઃ દર્દીના સમાજ મારફત વિગતો મંગાઈ

રોગ સાથે લગ્ન તથા કોઈના મરણ પ્રસંગમાં ગયો તે અંગે વિગતો આપવા કલેકટરનો આદેશ : જંગલેશ્વરમાં સંખ્યાબંધ ઘરોમાં આજે પણ તપાસ ચાલુઃ શાળા નં. ૬૩ ખાતે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા ૩૨ વર્ષના યુવાનને કોરોના જાહેર થતા ૪ શહેર-જીલ્લાનું તંત્ર ૪૮ કલાકથી દોડધામ કરી રહ્યુ છે.

કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા ૧૫૦ લોકોનું લીસ્ટ આરોગ્ય તંત્રે તૈયાર કર્યુ છે. એટલુ જ નહી રોગ સાથે ૨ થી ૩ લગ્ન સમારંભમાં અને એક મરણ પ્રસંગમાં ગયો હોવાનું બહાર આવતા તે તમામ લોકોનો સંપર્ક કરાઈ રહ્યો છે.

કલેકટરશ્રી રેમ્યા મોહને આજે સવારે 'અકિલા'ને જણાવ્યુ હતુ કે પ્રારંભે ૪૬ લોકો આ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું બહાર આવ્યુ છે. તે તમામને તપાસાઈ રહ્યા છે. ફાઈનલ લીસ્ટ આરોગ્ય તંત્ર હવે આપશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આ યુવાન જ્યાં જ્યાં ગયો તે તમામ વિગતો દર્દીના સમાજ મારફત મંગાઈ છે. આ બાબતે ગઈકાલે મોલવી સાથે પણ મીટીંગો કરી હતી. એ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ આજે થનાર છે.

દરમિયાન જંગલેશ્વરમાં સંખ્યાબંધ ઘરોમાં આજે પણ તપાસ ચાલુ છે. શાળા નં. ૬૩ ખાતે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે. દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ બનાવાયો છે.

(11:44 am IST)