Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના સંદર્ભે પોલીસ કમિશનરનું જાહેરનામુઃ પ્રતિબંધો-સુચનો

કોરોના અંગે પ્રિન્ટ કે સોશિયલ મિડીયા મારફતે અફવા ફેલાવનારા સામે ગુનો નોંધાશે : જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સિનેમા, નાટ્યગૃહ બંધ રાખવાઃ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ, ધાર્મિક સ્થળો, વ્યવસાયિક એકમો બંધ રાખવાઃ પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન, ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાવડા યોજવા, લોકોને મોટી સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધઃ હોટેલો-રેસ્ટોરન્ટોમાં સ્વસ્થતા જાળવવી-હેન્ડ સેનેટાઇઝર રાખવાઃ બે ટેબલો વચ્ચે એક મિટરનું અંતર રાખવું: છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલા નાગરિકોએ નજીકની સરકારી હોસ્પિટલ કે હેલ્પલાઇન નંબર પર તંત્રને ફરજીયાત જાણકારી આપવી

રાજકોટ તા. ૨૦: કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડી અનેક પ્રતિબંધો ફરમાવ્યા છે અને સુચનો જાહેર કર્યા છે. તેમજ તેનો અમલ કરવા તાકીદ કરી છે. કોરોના સંદર્ભે કોઇપણ પ્રકારની અફવા ફેલાવનારા સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. વિશ્વમાં હાલમાં નોવેલ કોરના કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હોઇ ભારતમાં પણ કુલ ૧૨૬થી વધુ આવા કેસો નાંધાયા હોઇ તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકા અંતર્ગત કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરશ્રીએ શહેરની હદના વિસ્તારો માટે અમુક નિયંત્રણો મુકતા આદેશો જાહેરનામામાં કર્યા છે.

તેમણે જણાવ્યું છે કે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૭ (૪) મુજબ પોતાને મળેલા અધિકાર અંતર્ગત તમામ પોલીસ અધિકારીઓ અને પીએસઆઇનો હોદ્દો ધરાવનાર દરેકને આ જાહેરનામનો ભંગ કરનારા સામે આઇપીસી ૧૮૮ તથા જીપીએકટ ૧૩૫ મુજબ કાર્યવાહી કરવા સુચન કર્યા છે. જે કૃત્યો કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે આ મુજબના છે.

.શહેર પોલીસ કમિશનરેટની હદમાં આવેલા જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધીકારીની પુર્વ લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાવડા, લોકમેળા કે જે પ્રસંગમાં વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઇપણ આયોજનો કરવા નહિ. આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહિ.

.કોરોના વાયરસ કોવિડ-૧૯ અસરગ્રસ્ત, પિડીત, શંકાસ્પદ વ્યકિતઓએ સરકારી તંત્ર દ્વારા જ્યારે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હોઇ ત્યારબાદ કોરન્ટાઇન સ્થળ છોડીને કયાંય જવું નહિ.

.કોઇપણ વ્યકિત-સંસ્થા-કોરોના વાયરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

.જીમ, સ્પોર્ટસ, કોમ્પલેક્ષ, સ્વિમીંગ પૂલ, ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.

.મોલ, મલ્ટીપ્લેકસ, સિનેમા, નાટ્યગૃહો કે જ્યાં લોકોની મોટી સંખ્યામાં આવ-જા રહેતી હોઇ તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.

.શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું.

. ધાર્મિક સંસ્થાઓ, વ્યવસાય એકમો ખાતે મોટી સંખ્યામાં પ્રજાજનો એકત્ર ન થાય એ માટે તે બંધ રાખવા.

.તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ ફરસાણની દૂકાનો, ભોજનાલય તથા તમામ ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે સ્વસ્છતા જાળવવાની રહેશે તેમજ ગ્રાહકો માટે હેન્ડ વોશર (સેનેટાઇઝર) રાખવાના રહેશે. તેમજ બે ટેબલ વચ્ચે એક મિટરનું અંતર રાખવાનું રહેશે અને શકય હોય તો ખુલ્લી જગ્યામાં ટેબલ રાખવાના રહેશે.

.જો કોઇ મુસાફર જાહેર થયેલા કોરોના વાયરસ પોઝિટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે અથવા કન્ટ્રોલ રૂમમાં ફોન નં. ૦૨૮૧ ૨૪૪૪૬૮૦ અથવા હેલ્પ લાઇન નંબર-૧૦૪ ઉપર ફરજીયાત જાણ કરવાની રહેશે.

આ જાહેરનામાનો અમલ તા. ૨૦/૦૩/૨૦૨૦ ના બપોરના ૨:૦૦ થી ૨૯/૦૩/૨૦૨૦ સુધીના રાતના ૧૨:૦૦ સુધી અમલમાં રહેશે.

સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કાર્યક્રમો, સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી-અર્ધ સરકારી એજન્સીઓ કે જે કાયદેસરની ફરજ પર હોય તેમજ સ્મશાન યાત્રા, લગ્નના વરઘોડાને આ જાહેરનામુ લાગુ પડશે નહિ. જાહેરનામનો ભંગ કરનાર વિરૂધ્ધ જીપીએકટ ૧૩૫ મુજબ ફરિયાદ કરવામાં આવશે. તેવો આદેશ જાહેરનામા દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યો છેે.

અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસ કમિશનરશ્રીએ તો જાહેરનામુ બહાર પાડી લોકોને સચેત કર્યા છે. હવે શહેરીજનોની પણ ફરજ બને છે કે જાતે જ જાગૃત બનીએ અને ઇમર્જન્સી વગર બને તો ચારથી વધુ લોકો ભેગા ન થઇએ જરૂર વગર જાહેર સ્થળોએ આવવા-જવાનું ટાળીએ સોૈએ સાથે મળી આવી પડેલી ગંભીર આફત સામે સમજદારીથી લડત આપવી અત્યંત જરૂરી છે.

(3:28 pm IST)