Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સર્વે ભિખારી શામળીયાના

સર્વે ભિખારી શામળીયાના, રંક ને રાયા રે, ભોજો ભગત કહે ભેદ સમજ્યા તે, ધરમને ધાયા રે.

રાજા હોય કે રંક, બધા જ શામળીયા ભગવાનના ભિખારી છે. ભોજા ભગત કહે છે કે આ ભેદ જેને સમજાય તેઓ ધર્મના માર્ગે જાય છે. નિર્ધન લોકો પ્રભુની પાસે માગણી કરે છે, 'હે પ્રભુ! મને ધન આપજે' તો ધનવાન પણ આવી જ પ્રાર્થના કરતા હોય છે. જે થોડા પ્રદેશોનો સ્વામી છે, તે ઈશ્વર પાસે એનુ રાજય વધારી આપવાની માગણી કરે છે તો વિશ્વવિજેતા સમ્રાટ પણ આવી જ માગણી કરતો હોય છે. ભગવાનની સામે બધા જ ભિખારી ! કહેવાય છે કે સમ્રાટ અકબરના એક સુફી સંત ગુરૂ હતા. અકબરને એના ઉપર અનન્ય પ્રેમ અને અમાપ ભકિત હતી. સુફી સંત, જે ગામ બહાર આશ્રમ કરીને રહેતા હતા, ત્યાંના લોકોએ બાબાને વિનંતી કરી, 'બાબા! બાદશાહ અકબર, આપના શિષ્ય છે. તો એની પાસે જઈને થોડી રકમ લઈ આવો, તો આપણા ગામમાં બાળકો માટે નિશાળ બાંધી શકાય. સુફી સંત, અકબરના મહેલમાં ગયા. અકબર ઈબાદતખાનામાં બેસીને ખુદાની ઈબાદત કરતો હતો. 'યા અલ્લાહ! મારા રાજયની સીમા વધારી દેજે' તરત જ બાબા ત્યાંથી પાછા ફરી ગયા. ગુરૂ આવ્યા હતા અને ચાલ્યા જાય છે, તે જાણીને અકબર પાછળ દોડ્યો. પગમાં પડીને વિનંતી કરવા લાગ્યોઃ 'ફરમાવો, બાબા ! મારૂ શું કામ હતું?' બાબાએ કહ્યું, 'હું આવ્યો હતો તો તારી પાસે માગવા, પણ તું તો ખુદા પાસે માગી રહ્યો હતો. તુ પોતે જ ભિખારી છો. હું તારી પાસે શું માગું? અને શું કામ માગું? વળી તુ જે ઈશ્વર પાસે માગે છે તેની પાસે હું પણ શું કામ ન માગુ?

આ રીતે જેની માગ થઈ નથી, તે ગમે તેવડો મહાન સમ્રાટ હોય કે શ્રીમંત હોય, તે ભિખારી જ છે. જેમ સમ્રાટ મોટો તેમ તેનું ભિખારીપણુ મોટુ! પરંતુ જેની માગણીઓ, ઈચ્છાઓ અને વાસનાઓ પૂરી થઈ ગઈ છે તે જ મહાન છે. સંત કબીરે ઠીક જ કહ્યું છેઃ

ચાહ ગઈ, ચિંતા ગઈ, મનવા બેપરવાહ જિનકો કછુ ન ચાહીયે, વો શાહન કે શાહ.

બાદશાહનો બાદશાહ પણ એ જ છે જેની કોઈ ચાહના કે સ્પૃહા નથી. નિઃસ્પૃહે તૃણવત્ જગત્ ।। નિઃસ્પૃહીને આ આખુ જગત તણખલાની તોલે છે.

આવુ વિવેકભાન જેનામાં પ્રગટે છે તેની ભેદબુદ્ધિ દૂર થઈ જાય છે અને ધર્મના ખરા સ્વરૂપનું તેને દર્શન થાય છે.(૩૭.૪)

મનસુખલાલ સાવલીયા રાજકોટ - મો.૯૮૭૯૩ ૧૨૪૫૪

 

(4:01 pm IST)
  • ડાકોર મંદિરમાં ભક્તોનો ધસારો :ફાગણી પૂનમમાં ડાકોરના ઠાકોરના દર્શનનો અનેરો મહિમા :વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :જય રણછોડ, માખણચોરના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યુ :મંગળા આરતી બાદ ભગવાનને કરાયો શણગાર access_time 10:59 am IST

  • બનાસકાંઠાના રામસણ ગામમાં વર્ષો પહેલાના ઋષિઓના શ્રાપના કારણે હોળી પ્રગટાવવામાં નથી આવતી : બનાસકાઠાંના રામસણ ગામે વર્ષો પહેલા ઋષિઓએ શ્રાપ આપ્યો હોવાની માન્યતાઃ હોળી પ્રગટાવે તો આખા ગામમાં લાગે છે આગ : યુવાનોએ હોળી પ્રગટાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આખા ગામમાં આગ લાગી ગઈ હતી : ચાર થી પાંચ વાર લાગી ચૂકી છે આગ : વડીલોના ડરના કારણે નથી પ્રગટાવાતી હોળી access_time 3:45 pm IST

  • સુરત : વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો :આરોપીએ બાથરૂમમાં દિવાસળીથી આગ લગાવી :ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ થઇ હતી access_time 10:42 pm IST