Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સ્વામીનારાયણ મંદિર મહાપૂજાધામ ખાતે કાલે ફુલડોલોત્સવ

કેમીકલ કલર કે પાણીથી નહિં ફુલ વર્ષાથી ઉજવણીનો આનંદ થશે

રાજકોટ, તા. ૨૦ : વસંતોત્સવનું આગમન થતાં જ ધુળેટીનો તહેવાર બાળકથી માંડી અબાલ વૃદ્ધ સુધીના લોકોમાં એક અનેરો આનંદ છવાઈ જતો હોય છે. અબીલ ગુલાલ વડે એકબીજાને રંગવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. પરંતુ આજના સમયમાં કેમીકલ યુકત રંગોને બદલે કંઈક નોખુ - અનોખુ એટલે ફુલડોલોત્સવ ફુલ વડે ધુળેટીની ઉજવણીનો આનંદ શ્રી નરનારાયણ જન્મ જયંતિ નિમિતે સ્વામીનારાયણ મંદિર, મહાપૂજાધામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મહાપૂજાધામ ચોક ખાતે તા.૨૧ને ગુરૂવારે ફાગણ વદ ૧ના દિવસે સાંજે ૫ થી ૭ પ.પૂ. સ.ગુ. મહાપૂજા પરાયણ કો.શા. સ્વામી શ્રી નિલકંઠદાસજીના સાનિધ્યમાં શ્રી દેવ ઉત્સવ મંડળના હરિભકતો દ્વારા ફુલડોલોત્સવના ધૂન - ભજનની રમઝટ બોલાવશે.

આ વર્ષે કલર અને કલરના પાણીથી નહિં પરંતુ હરિભકતો સ્વામીનારાયણ ભગવાનને તથા હરિભકતો એકબીજાને ફુલ વર્ષા કરીને ફુલડોલોત્સવ ઉજવવામાં આવશે. ત્યારબાદ તમામ હરિભકતો માટે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે. હરિભકત - ભાઈઓ - બહેનોને મોટી સંખ્યામાં ઉત્સવનો લાભ લેવા મહાપૂજાધામ સ્વામીનારાયણ મંદિર વતી અરૂણભાઈ નિર્મળની યાદીમાં જણાવેલ છે.

(3:43 pm IST)