Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

પેન્શન એ કર્મચારીનો અધિકારઃ બધી જ પેન્શન યોજનાઓમાં બદલાવ જરૂરી

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠીત ક્ષેત્રના કામદારો માટે હમણાં જ તા.પ-૩-૨૦૧૯ થી નવી પેન્શન યોજના શરૂ કરેલ. કેન્દ્ર સરકારનું આ પગલું આવકારદાયક છે. સાથે જ અત્યારે દેશમાં લાગુ બધી પેન્શન યોજનાઓ અંગે સમગ્ર રીતે પુનઃવિચાર કરવાની જરૂર છે.

ભારતમાં અત્યારે મુખ્ય રીતે ૩ પ્રકારની પેન્શન યોજના ચાલુ છે. સૌપ્રથમ સીસીએસ રૂલ ૧૯૭૨ હેઠળ સરકારી કર્મચારીઓ માટે આ યોજના લાગુ કરવામાં આવી, જેને જી.પી.એફ. કહેવામાં આવે છે. આની અગાઉ સી.પી.એફ. એટલે 'કોન્ટ્રીબ્યુટરી ફંડ'ની જોગવાઇ હતી. તેનાં આધારે થોડુક પેન્શન નકકી થતુ હતું અને નિવૃતી પછી તે અપાતુ હતું. સી.પી.એફ. ના જે જુના કર્મચારી છે તેમને માટે અત્યારે પણ થોડુક વધારે ભથ્થુ નકકી થાય છે.

ન્યુ પેન્શન સિસ્ટમમાં ફરીથી સી.પી.એફ. લાવવામાં આવી અને કહેવામાં આવ્યુ કે કર્મચારીના પગારમાંથી ૧૦%  રકમ કપાશે અને સરકાર પણ તેમાં ૧૦%નો હિસ્સો આપશે. આ ર૦% ફાળાના ૬૦% લેખે નિવૃત કર્મચારીને પાછા મળશે અને બાકી રકમ બજારમાંથી પી.એફ. આરડીએ. અંતર્ગત રોકાણ કરવામાં આવશે અને પછી બજારનાં હિસાબે નકકી થશે કે કર્મચારીના નિવૃતી સમયે કેટલું પેન્શન બનશે.

આ યોજનામાં બાદમાં એક અલગ જોગવાઇ કરવામાં આવી. જો કોઇ કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના આશ્રિતોને પરિવાર પેન્શન પહેલાં યુ.પી.એ. સરકાર દ્વારા લઘુતમ રૂ.૩૫૦૦ રકમ નકકી થયેલ તે વર્તમાન એન.ડી.એ. સરકારે વધારીને રૂ.૯૫૦૦/ કરેલ છે. અત્યારે વર્તમાન સરકારે ૧૦%માંથી ૧૪% ફાળો આપવાનું નકકી કરેલ છે.

બીજી પેન્શન યોજના ઇ.પી.એફ.દ્વારા ૧૯૭૨માં 'ફેમીલી પેન્શન યોજના'ને નામે લાગુ કરવામાં આવી. જેમાં ૧.૧૬ દરેકનો ફાળો ત્રણેય પક્ષોએ એટલે કે કર્મચારી, વ્યવસ્થાપક અને સરકાર આપતી હતી. આ યોજનાનો લાભ મૃત્યુ પામેલ વ્યકિતના આશ્રિતોને મળતો હતો. કર્મચારી સંગઠનોની માંગણીને લીધે ૧૬ નવેમ્બર, ૧૯૯૫થી આ ફેમીલી પેન્શન યોજનાને 'કર્મચારી પેન્શન યોજના'માં બદલી નાખવામાં આવી. આમાં એક નકકી કરેલ ફોર્મ્યુલાના આધાર પર પેન્શન આપવાની જોગવાઇ કરવામાં આવી. આમાં એક નકકી કરેલ ફોર્મ્યુલાના આધાર પર પેન્શન આપવાની જોગવાઇ કરવામાં આવી. પેન્શનની આ રકમ પર અત્યારની સરકારે રૂ.૧૦૦૦/ લઘુતમ પેન્શન કરેલ છે. કારણ કે અગાઉ ફાળો આપનાર વ્યકિતઓને રૂ.પ૦-૧૦૦ પેન્શન મળતું હતું.

વર્તમાન બજેટમાં (૨૦૧૯-૨૦) ભારત સરકારે અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ માટે પેન્શન યોજના અંગે જોગવાઇ કરી છે જેમાં રૂ.પપ થી લઇને રૂ.૨૦૦ સુધી ફાળો આપવાની જોગવાઇ છે. જો કોઇ વ્યકિત આ યોજનામાં ૧૮ વર્ષની ઉંમરે જોડાવા માંગે છે તો રૂ.પપ નો ફાળો આપવાનો રહેશે. જો ૨૯ વર્ષની ઉંમરે જોડાય છે તો રૂ.૨૦૦નો ફાળો આપવો પડશે. આટલી જ રકમ કેન્દ્ર સરકાર આપશે. આ ફાળો આપ્યા બાદ ૬૦ વર્ષ પૂરા થયે ઓછામાં ઓછું પેન્શન રૂ.૩૦૦૦ મળશે. આ બધી પેન્શન યોજનાઓ પર સરકારે એક વખત ફરીને વિચાર કરવાની જરૂર છે 'પેન્શન એ કર્મચારીનો અધિકાર છે. ભારતનાં બંધારણમાં બધાને જીવવાનો અધિકાર આપવામાં આવેલ છે.' જેના લીધે નોકરીમાં નિવૃત થનાર કર્મચારીને પણ જીવવાનો અધિકાર છે. જો અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને રૂ.૩૦૦૦ લઘુતમ પેન્શન આપવામાં આવે તો સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને માત્ર રૂ.૧૦૦૦ ઇ.પી.એફ. મારફત મળે છે તે એક આશ્ચર્યની વાત છે. કોઇપણ સંજોગોમાં પેન્શન કર્મચારી અથવા મજદુરને તેનો છેલ્લો પગાર અથવા લઘુતમ વેતન જે પણ વધારે હોય તેનાં પ૦% થી ઓછું ન મળવું જોઇએ.

આમ આજની ઉપરની પરિસ્થિતીમાં હવે સરકારે આ યોજના અંગે નવેસરથી પુનઃ વિચારણા કરવા નીચે મુજબના સુચનો અંગે યોગ્ય કરવાની જરૂર છે. પેન્શન અંગે પુનઃવિચારણા કરી સુધારો કરવો. પેન્શનને નિવૃત મઝદુરનો મુળભુત અધિકાર જાહેર કરવો, સરકારી કર્મચારીઓની નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન પધ્ધતિ ફરીથી ચાલુ કરવી. ઇ.પી.એફ. પેન્શન યોજનામાં અત્યારે જે ખામીઓ છે તેને દુર કરી સુધારો કરી છેલ્લાં પગારનાં પ૦% આપવા નિર્ણય લેવો જોઇએ  ત્યાં સુધી લઘુતમ પેન્શન રૂ.૫૦૦૦ ઓછામાં ઓછું આપવું તે જાહેર કરવું જોઇએ.

હસુભાઇ દવે

અખિલ ભારતીય વરિષ્ઠ (પેન્શનર) નાગરિક મહાસંઘ મો.૯૪૨૬૨ ૫૪૦૫૩

(3:40 pm IST)