Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ત્રિશુલ ચોકમાં ભાવિક સોનીને પડખા-બેઠક પર છરીના ઘાઃ રોકડ લૂંટી લેવાયાનો આક્ષેપ

ફરિયાદમાં પૈસાની લેતીદેતી અને પોલીસને બાતમી આપ્યાની શંકાને કારણે મિલન બાવાજી તથા તેની સાથેના અજાણ્યા શખ્સે હુમલો કર્યાની વિગતો : પીપળીયા ચોકમાં એક ઘા ઝીંકયા પછી પાછળ આવી ઘર પાસે ફરીથી હુમલો

રાજકોટ તા. ૨૦: ગાયત્રીનગર મેઇન રોડ પર ત્રિશુલ ચોક નારાયણનગર રોડ પર રહેતાં રિક્ષાચાલક ભાવિક અરવિંદભાઇ રાજપરા (ઉ.૨૧) નામના સોની યુવાનને સાંજે મિલન બાવાજી અને તેની સાથેના અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી ઢાબા પડખા, જમણી તરફ બેઠકના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજા કરતાં તેમજ શરીરે ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થયો છે. આ યુવાને લૂંટના ઇરાદે હુમલો થયાનું અને પોતાની પાસેથી રૂ. ૧૦ હજાર લૂંટી જવાયાનો આક્ષેપ કર્યો હતો. જો કે પોલીસ ફરિયાદમાં પૈસાની ઉઘરાણી અને પોલીસને બાતમી આપ્યાની શંકા પરથી હુમલો કરાયાનું બહાર આવ્યું છે.

ભાવિક લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇએ જાણ કરતાં ભકિતનગરના પી.એસ.આઇ. બી.બી. કોડીયાતરે હોસ્પિટલે પહોંચી ભાવિકની ફરિયાદ પરથી મિલન બાવાજી અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં નોંધાયું છે કે ભાવિક ત્રિશુલ ચોકમાં હતો ત્યારે મિલન અને સાથેના શખ્સે આવી  'તારે મારા પૈસા કયારે પાછા આપવા છે? તું પોલીસને મારી બાતમી કેમ આપે છે?' કહી ગાળો દઇ છરી કાઢી પડખા અને બેઠક પર ઘા ઝીંકી દીધા હતાં તેમજ ગડદા-પાટુનો માર મારી બંને ભાગી ગયા હતાં.

જો કે હોસ્પિટલના બિછાનેથી ભાવિકે એવો આક્ષેપ કર્યો છે કે પોતે અને મિલન બંને રિક્ષાચાલક છે. આ કારણે પોતે મિલનને ઓળખે છે. સાંજે તે બાબરીયા ચોકમાં ભેગો થતાં નાસ્તો કરાવવાનું કહેતાં તેને પોતે નાસ્તો કરાવ્યો હતો. ત્યારે પોતાની પાસે પૈસા છે તે મિલનને ખબર પડી જતાં પીપળીયા હોલ પાસે પાછળ આવી પૈસા માંગી છરીનો એક ઘા ઝીંકયો હતો. ત્યાંથી પોતે ભાગીને ત્રિશુલ ચોકમાં ઘર પાસે પહોંચ્યો ત્યારે ફરીથી બંને પાછળ આવ્યા હતાં અને ઘર નજીક જ ફરીથી છરીનો ઘા ઝીંકી ખિસ્સામાંથી દસ હજારની રોકડ લૂંટી બંને ભાગી ગયા હતાં. આ પૈસા ટીવીનો હપ્તો ભરવા માટેના હતાં. જો કે પોલીસ ફરિયાદમાં લૂંટનો ઉલ્લેખ નથી. હુમલાખોરો ઝડપાયા બાદ સાચી વિગતો બહાર આવશે.

(3:39 pm IST)