Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

એડવોકેટ પંડિતને ખુનની ધમકી આપવાના ગુનામાં રામાણીના જામીન રદ કરવા અરજી

ખેરડી હત્યાકાંડની તપાસ સી.બી.આઇ.ને સોંપવા અરજી

રાજકોટ તા.૨૦: હાલમાં યુવતી ઉપર એસીડ એટેક કરવા ના કાવતરાનો પર્દાફાશ કરી રાજકોટ પોલીસ ખુબજ પ્રસંસનીય કામગીરી કરી એક યુવતીની જીંદગી બરબાદ થતા બચાવેલ છે. આ ગુન્હામાં રાજકોટના બીલ્ડર કમલેશ રામાણીનું નામ ખુલતા રાજકોટ પોલીસ તાત્કાલીક કમલેશ રામાણીને દબોચી લઇ જેલ હવાલે કરેલ છે. આ બીલ્ડર કમલેશ રામાણીએ અગાઉ વર્ષ ૨૦૧૬માં રાજકોટ ખાતે વકીલાત કરતા એડવોરેટ સંજય પંડિતના હાથ પગ કપાવી નાખવા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તે અનુસંધાને 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એડવોકેટ પંડિત દ્વારા ફરીયાદ આપવામાં આવેલ હતી અને પોલીસે તેમા ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ છે અને હાલ ટ્રાયલ પેન્ડીંગ છે. આ ગુન્હામાં કમલેશ રામાણીએ જે તે વખતે સેસન્સ કોર્ટમાંથી શરતોને આધીન આગોતરા જામીન મેળવેલ હતા.એડવોકેટ સંજય પંડિતએ પોતે નોંધાવેલ ફરીયાદ અનુસંધાને કમલેશ રામાણીએ મેળવેલ આગોતરા જામીન રદ કરવા ગત તા.૧૮-૩-૨૦૧૯ના રોજ સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે જે અંગે સેસન્સ કોર્ટે કમલેશ રામાણીને નોટીસ ઇશ્યુ કરેલ છે.

આ સીવાય કમલેશ રામાણી ઉપર નોંધાયેલ અન્ય બીજા તમામ ગુન્હાઓમાં પણ જામીન રદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે મતલબની પોલીસ કમીશ્નરશ્રીને અલગથી અરજી પણ એડવોકેટ સંજય પંડિત એ આપેલ છે જેમાં કમલેશ રામાણી વિરૂધ્ધ નોંધાયેલ તમામ ગુન્હાઓની વિસ્તૃત માહીતી/અહેવાલ પણ એડવોકેટ સંજય પંડિત દ્વારા પુરો પાડવામાં આવેલ છે.

આ સીવાય ખેરડી હત્યાકાંડમાં આ કમલેશ રામાણી મુખ્ય સસ્પેકટ છે અને આજદીન સુધી રાજકોટ પોલીસ આ હત્યાકાંડનો ભેદ ઉકેલી શકેલ નહોય જેથી તેની તપાસ સી.બી.આઇ અથવા તો સ્ટેટ ક્રાઇમ મારફત કરાવવા એડવોરેટ  સંજય પંડિતએ રાજય સરકારને તથા પોલીસ કમીશ્નરશ્રીને અલગથી અરજી આપેલ છે.

(3:33 pm IST)