Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં !

સૌરાષ્ટ્રના પાટનગરમાં ભાજપને ફેરવિચારણા કરવી પડે તેવો જનોઈવઢ ઘા મારવાની વેતરણમાં છે કોંગ્રેસઃ લોકસભા ચૂંટણી જંગમાં સૌની નજર રાજકોટ ઉપર જ મંડાઈ રહે તેવા સમીકરણો બન્ને રાજકીય પક્ષમાં ગોઠવાઈ રહ્યાના મળી રહેલા નિર્દેશો

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાતની તમામ ૨૬ બેઠકો અંકે કરવાના સ્વપ્નોને લઈને 'ઓપરેશન-૨૬' અમલમાં મુકનાર ભાજપના વિજય રથને આણંદ-અમરેલીમાં કોંગ્રેસ રોકી શકે છે તેમ રાજકોટની બેઠકમાં પણ ભાજપ માટે મોટો પડકાર ઉભો કરવાની વેતરણમાં કોંગ્રેસ હોવાના વાવડ મળતા રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકોટ બેઠક પરથી સૌરાષ્ટ્ર જ નહી પરંતુ ગુજરાતમાં રાજકીય વાતાવરણ બનાવી શકે તેવા લેઉવા પાટીદારના મોટા માથાને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કોંગ્રેસે આરંભી છે. જો કે હજુ કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી પરંતુ જો બધુ સમુસુતરૂ ગોઠવાય તો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મોટો પડકાર ઉભો થશે તે નિશ્ચિત છે.

ગઈકાલે મોડી રાત્રી સુધી દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની બેઠક ચાલી હતી. ચેરમેન વેણુગોપાલ, રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, સીનીયર અગ્રણી અહેમદભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા સહિતના ટોચના કોંગ્રેસી આગેવાનોેએ તમામ બેઠકો માટે વિસ્તૃત ચર્ચાઓ કર્યાનું જાણવા મળે છે. સ્ક્રિનીંગ કમીટી બાદ કાર્યકારીણી કમીટી બાદ રાહુલ ગાંધી જાતે ટીકીટ અંગે નિર્ણયો લેશે ત્યારે કોંગ્રેસી વર્તુળો તથા લેઉવા પાટીદાર વર્તુળોમાંથી મળતા અહેવાલો મુજબ કોંગ્રેસ સૌરાષ્ટ્ર માટે મોટા કડાકા-ભડાકા કરવાના મૂડમાં હોવાનું મનાય છે.

જામનગરમાંથી પાસ કન્વીનર હાર્દિક પટેલ ઝુકાવે અને રાજકોટ બેઠક પરથી લેઉવા પાટીદારનું ધરખમ મોટુ માથુ ઝુકાવે તો સૌરાષ્ટ્રના રાજકારણમાં ધરખમ પલ્ટો આવે તે સ્વાભાવિક છે. જો કે આ અંગે ધીમા ધીમા સંકેતો તો એક અઠવાડીયાથી આડકતરી રીતે મળી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠક માટે હાલ તો કોંગ્રેસમાં લલીત કગથરા અથવા હિતેશ પટેલના નામો ચાલી રહ્યા છે પરંતુ દિલ્હી આલા કમાન્ડ ગંભીરતાપૂર્વક તમામ પાસાઓ વિચારીને કંઈક નવાજૂનીના મૂડમાં પણ હોવાનું મનાય છે.

રાજકોટના ટોચના લેઉવા અગ્રણીઓ સાથે સીધા સંપર્કમાં રહેલા અમુક રાષ્ટ્રીય આગેવાનો પણ અમુક સમીકરણોના ચક્કરમાં હોવાના નિર્દેશો મળે છે.

દિલ્હીના અમુક કોંગ્રેસી વર્તુળોમાં એવી ચહલપહલ છે કે ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર સામે રાજકોટ બેઠક પરથી રાજકોટના જ કોઈ ટોચના લેઉવા અગ્રણી-કમ-ઉદ્યોગપતિને લડાવી ભાજપ માટે એક તરફી ગણાતી આ બેઠકમાં ભાજપ સાથે રાતોરાત પડકાર ઉભો કરીને સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકીય વાતાવરણ કોંગ્રેસ તરફ કરવાની તજવીજ થઈ રહી છે.

જો કે ઉપરોકત ગતિવિધિ અંગે શહેરના ટોચના કોંગ્રેસી અગ્રણીઓ પણ આડકતરૂ સમર્થન આપીને મોવડી મંડળ કાંઈક મોટા પ્રયાસો કરી રહ્યાની વાતમાં તથ્ય હોવાનું કહી રહ્યા છે.

શહેરના અમુક કોંગ્રેસી વર્તુળો એવું ચર્ચી રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે એવુ મન મનાવી લીધુ છે કે, રાજકોટ બેઠક પરથી લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવા અથવા તો ઓબીસી ઉમેદવારને મેદાનમાં ઉતારવા.

જો કે રાજકોટ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસનો મુકાબલો જામે અને રાજકોટ બેઠક તથા જામનગર બેઠકના કોંગી ઉમેદવારની અસર સૌરાષ્ટ્રભરની લોકસભા બેઠકોમાં આવે તે માટે ગંભીરતાપૂર્વક વિચારવામાં આવી રહ્યુ છે. ઙ્ગ

જાણકાર વર્તુળો એવુ અનુમાન કરી રહ્યા છે કે શું લેઉવા પાટીદાર મોટુ માથુ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ હોય કે ખોડલધામ પરિવારનું જ કોઈ મોટુ માથુ હશે ?

નરેશભાઈ પટેલના નજીકના વર્તુળોનો સંપર્ક કર્યો પરંતુ તેઓ પણ હજુ આવી કોઈ વાત અંગે કશું જાણતા નથી તેમ જણાવી રહ્યા છે.

આ લખાય છે ત્યારે પોણા અગીયાર વાગ્યે નરેશભાઈ પટેલનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો મોબાઈલ બંધ આવી રહ્યો છે.

(11:36 am IST)
  • ભરૂચમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલીઓ વિલુપ્ત થતી બચાવવા સ્વૈરિછક સંસ્થાઓ દ્વારા પાણીના 500 કુંડા અને 1000 માળાનું વિતરણ કરાયું: ચકલીના અસ્તિત્વને બચાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો access_time 10:46 pm IST

  • સુરત : વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો :આરોપીએ બાથરૂમમાં દિવાસળીથી આગ લગાવી :ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ થઇ હતી access_time 10:42 pm IST

  • દિલ્હીમાં મસ્જિદમાં લાઉડસ્પીકરથી લોકોને પરેશાની :નેશનલ ગ્રીન ટ્રિયુબનલે કહ્યું આ ગંભીર અપરાધ : પોલીસે તુર્ત કાર્યવાહી કરવી જોઈએ : NGT પીઠે કહ્યું નાગરિકોને શાંતિપૂર્ણ પર્યાવરણનો બંધારણીય અધિકાર છે અને તેને નિર્ધારિત માપદંડથી વધુ ધ્વનિ પ્રદુષણ દંડનીય અપરાધ છે સાથોસાથ પોલીસને કહ્યું કે આવા સ્થળોની ઓળખ કરે અને ઉલ્લંઘનકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી માટે એક નિગરાની પ્રણાલી સ્થાપિત કરે access_time 12:21 am IST