Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રાજકોટમાં ચૂંટણી સ્ટાફ બૂથ ઉપર : કાલે સવારે ૭ થી સાંજે ૬ મતદાન

કુલ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો : ૯૯૧ મતદાન મથકો : ૧૦ લાખ ૯૧ હજાર મતદારો : ૨૯૭ સંવેદનશીલ તો ૧૯ ક્રિટીકલ બૂથો જાહેર : વહિવટી તંત્ર - પોલીસ તંત્ર સાબદૂ : કલેકટર - એડી. કલેકટર - નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ : મંગળવારે ૬ સ્થળે થશે મતગણત્રી

 

મતદાન મથકો ઉપર ૬ હજારનો ચૂંટણી સ્ટાફ રવાના : રાજકોટઃ આવતીકાલે રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીનું મતદાન છે., આજે બપોરે ૧ વાગ્યા બાદ કુલ ૬ જેટલા રીલીવીંગ ડીસ્પેચીંગ લેબર ઉપરથી ૬ હજારનો ચૂંટણી સ્ટાફ ઇવીએમ અને તમામ સાધન સામગ્રી સાથે રવાના થયો હતો. તસ્વીરમાં વીરાણી હાઇસ્કુલ-એવીપીટી અને વીરબાઇમાં મહિલા કોલેજ ખાતે રીકવીઝટ કરાયેલ રૂટ-બુથોની બસો દરેક ટેબલ ઉપર બુથ વાઇસ સ્ટાફને સોંપાતી સાધન સામગ્રી, ઇવીએમ મશીનો અને નીચેની તસ્વીરમાં સ્ટાફને છેલ્લી ઘડીની અપાતી સુચના રીઝવર્ડ અને બસમાં સ્ટાફ રવાના થયો તે નજરે પડે છે.(તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦ : રાજકોટમાં કાલે ૧૮ વોર્ડની ૭૨ લોકો ઉપર ભાજપ - કોંગ્રેસ અને આપ વચ્ચે મતદાન અંગે ખરાખરીનો જંગ સર્જાશે.

આજે બપોરે ૧ વાગ્યાથી રાજકોટના ૯૯૧ બૂથો ઉપર ૬ સ્થળેથી મતદાન સ્ટાફ - પ્રિસાઇડીંગ ઓફિસરની આગેવાની હેઠળ ઇવીએમ અને અન્ય ૧૦૦ જેટલી સાધન સામગ્રી અને ૨૦ જેટલા ટેન્ડર વોટ સાથે રવાના થઇ ગયો હતો અને બપોરે ૩ પછી તો તમામ સ્ટાફ બૂથ ઉપર પહોંચી ગયાના રીપોર્ટ ઝોનલ ઓફિસરો દ્વારા દરેક આર.ઓ.ને કહી દેવાયા હતા.

રાજકોટમાં કુલ ૬ સ્થળે રીસીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટરો અને મતગણત્રી સેન્ટરો ફાઇનલ કરાયા છે, જ્યાંથી સ્ટાફ રવાના થયો હતો અને કાલે મતદાન પૂર્ણ થયા બાદ ત્યાં જ સ્ટાફ ઇવીએમની સોંપણી કરવા આવશે અને મતગણત્રી પણ આ સ્થળોએ યોજાશે.

જેમાં વોર્ડ નં. ૧ થી ૩ વીરબાઇમાં મહિલા કોલેજ - નિર્મલા રોડ, વોર્ડ નં. ૪ થી ૬ ચૌધરી હાઇસ્કુલ - રાજકોટ, વોર્ડ નં. ૭ થી ૯ વિરાણી હાઇસ્કુલ, વોર્ડ નં. ૧૦ થી ૧૨ - એવી પારેખ ઇન્સ્ટીટયૂટ, ટાગોર રોડ, વોર્ડ નં. ૧૩ થી ૧૫ - પીડી માલવિયા કોલેજ અને વોર્ડ નં. ૧૬ થી ૧૮ પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, આનંદનગર મેઇન રોડનો સમાવેશ થાય છે. ઉપરોકત તમામ સ્થળે ઇવીએમના સ્ટ્રોંગરૂમ અને મતગણત્રી કેન્દ્રો પણ બનાવાયા છે.

રાજકોટમાં કુલ ૧૮ વોર્ડનં. ૭૨ બેઠકો ઉપર ૧૦ લાખ ૯૧ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં ૫ લાખ ૬૭ હજાર પુરૂષો તો ૫ લાખ ૨૭ હજારથી વધુ સ્ત્રી મતદારો છે. રાજકોટ ચૂંટણીમાં કુલ ૯૯૧ મતદાન કેન્દ્ર ઉપર મતદાન થશે, જેમાં ૨૯૭ કેન્દ્રો સંવેદનશીલ તો ૧૯ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ચૂંટણી સંદર્ભે વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર સાબદુ બની ગયું છે, આજે જિલ્લા કલેકટર - એડી.કલેકટર તથા ચૂંટણી નિરીક્ષકશ્રીએ રાજકોટમાં અનેક સ્થળે બૂથ તથા રીસીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટરો ઉપર નિરીક્ષણ કરી છેલ્લી ઘડીની સીધી સુચના આપી હતી.

કાલે મતદાન બાદ ઉપરોકત તમામ ૬ રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટરો ઉપર ઉભા કરાયેલ મતગણત્રી હોલમાં તા. ૨૩ના મંગળવારે મતગણત્રી થશે અને બપોરે ૪ સુધીમાં રાજકોટમાં કયા પક્ષનું રાજ તે રીઝલ્ટ આવી જશે.

(3:47 pm IST)