Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કાલે મતદાન વખતે પોલીસ સાથે એસઆરપી, બીએસએફ, સીઆરપીએફ, ઘોડેશ્વાર અને હોમગાર્ડનો પણ બંદોબસ્ત

બલ્ક એસએમએસ, સોશિયલ મિડીયા પર પોલીસની ચાંપતી નજર રહેશેઃ કન્ટ્રોલ રૂમમાં સિનીયર અધિકારીઓ હવાલો સંભાળશે : ચુંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારાઓનું આવી બનશેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૨૦: આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું મતદાન શાંતિપુર્વક થાય તે માટે કુલ ૪ હજારથી વધુ અધિકારીઓ, કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની સાથે એસઆરપી, બીએસએફ, સીઆરપીએફ, ઘોડેશ્વર અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહેશે. પોલીસ કન્ટ્રોલ રૂમનો હવાલો ખાસ અધિકારી સંભાળશે. બલ્બસ મેસેજ અને સોશિયલ મિડીયા પર પોલીસ ચાંપતી નજર રાખશે. કન્ટ્રોલ રૂમ ખાતે રિઝર્વ ફોર્સ તથા તમામ પોલીસ સ્ટેશનમાં કયુઆરટીની ફોર્સ તૈનાત રહેશે. ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ થાય એ માટે પોલીસ સતત એલર્ટ રહેશે. કોઇપણ આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ચુંટણી અન્વયે ૭૪૯૦ જેટલા શખ્સો સામે અટકાયતી પગલા લેવાઇ ચુકયા છે. ૨૨ને પાસામાં ધકેલાયા છે. ૮૪ને હદપાર કરાયા છે. નાસતા ફરતા ૨૧૫ને પકડી લેવાયા છે. દારૂના કેસો કરી કુલ રૂ. ૫૨,૪૮,૧૮૭નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ગેરકાયદેસર પાંચ હથીયારો શોધી કઢાયા છે. માદક પદાર્થ પણ પકડાયો હતો. ૮ ચેકપોસ્ટ પર અડધા લાખ જેટલા વાહનોનું ચેકીંગ થઇ ગયું છે અને હજુ પણ ચાલુ છે.

મતદાન બુથથી ૧૦૦ મીટરની અંદર કોઇને વાહન લઇને જવા દેવામાં આવશે નહિ. મતદારોએ અને ઉમેદવારોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ચુંટણીના ૪૮ કલાક પહેલા જ કડક ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આજે રાતભર અને આવતીકાલે પણ ચાલુ રહેશે. પોલીસ અધિકારીઓ સાથે એસઆરપી, બી.એસ.એફ, સી.આર.પી.એફ, ઘોડેશ્વાર અને હોમગાર્ડ પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ અધિકારીઓ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. કોવિડ-૧૯ માર્ગદર્શીકાનું પણ પાલન થાય તેના પર પોલીસ નજર રાખશે. લોકશાહીના પર્વમાં કોઇ મતદાનથી વંચીત ન રહે તે માટે ૧૪૦૦ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી દીધું છે. નાગરિકોને મતદાનના દિવસે સહયોગ આપવા અને જરૂરી નિયમોનું પાલન કરવા શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.

(3:46 pm IST)