Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

હું સોફટવેર એન્જિનીયર તારા જેવી આઠ ફેઇલ સાથે કયાં પરણ્યો, તું પગની ધુળ બરાબર છો!

રાજકોટની સાહિસ્તાને પોરબંદરમાં પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણીનો ત્રાસઃ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૦: હાલ રામનાથપરામાં માવતરે રહેતી મેમણ પરિણીતાને પોરબંદરમાં પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ ત્રાસ આપી કાઢી મુકયાની ફરિયાદ થઇ છે. પતિએ 'હું સોફટવેર એન્જિનીયર છું, તારા જેવી આઠ ફેઇલ સાથે કયાં લગ્ન કર્યા, તું મારા પગની ધુળ બરાબર છો, જ્યારે જેઠ માવતરેથી દસ લાખ લઇ આવવા દબાણ કરતાં હોવાના અને સાસુ-સસરા સહિતનાએ પણ ત્રાસ આપ્યાનો આરોપ મુકાયો છે.

આ બારામાં મહિલા પોલીસે હાલ રામનાથપરા-૪ ગરબી ચોકમાં રહેતી સાહિસ્તાબેન ઇરફાન સોરઠીયા (મેમણ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી પોરબંદર મેમણવાડ કાદરી રેસિડેન્સી સામે રહેતાં તેણીના પતિ ઇરફાન, સાસુ નઝમાબેન, સસરા ફરારૂકભાઇ ઇસ્માઇલભાઇ સોરઠીયા, જેઠ ઇસ્માઇલભાઇ અને જેઠાણી આશીયાનાબેન સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),૧૧૪ અને દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સાહિસ્તાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૬/૧/૧૯ના રોજ થયા છે. સંતાનમાં મારે એક દોઢ વર્ષનો દિકરો છે. અમે સંયુકત પરિવારમાં રહીએ છીએ. જેઠાણી અને જેઠ આફ્રિકાથી લગ્ન પ્રસંગ હોવાથી આવ્યા હતાં. લગ્નના દિવસે જ સાસુએ કહેલુ કે તમે જમવાનું સરખુ બનાવ્યું નથી અને જાનનું આગમન પણ સરખુ કર્યુ નથી. બેઠક વ્યવસ્થા પણ સારી નથી. બીજા દિવસે રિસેપ્શનમાં પણ કપડા બાબતે ઝઘડો થયો હતો. લગ્ન વખતે બે લાખનું ફર્નિચર માંગ્યુ હતું. જેઠ જેઠાણી લગ્ન બાદ પાંચ દિવસ રોકાઇ આફ્રિકા જતાં રહ્યા હતાં. દોઢ મહિના પછી હું પ્રેગનન્ટ થતાં સાસરિયાવાળા કોઇ તાંત્રીક બાપુને લાવેલ અને તાંત્રીકવિધી કરાવી હતી. તેમજ મારું બાળક આવે તે મારા જેઠાણીને આપી દેવાનું કહેતાં મેં ના પાડતાં સાસુઅસસરાએ પરાણે વિધી કરાવી હતી. એ પછી હું બાળક જેઠને આપી દેવા તૈ્યાર થતાં જેઠ માર્ચ મહિનામાં આવેલા અને પંદરેક દિવસ રોકાયા હતાં. જેઠે કહેલુ કે મેં તારા પતિનો ભણવાનો ખર્ચો ઉપાડ્યો છે, એટલે બાળક મને જ આપવું પડશે.

એ પછી હું રમઝાન મહિનામાં વીસ દિવસ રોકાવા માટે રાજકોટ આવી હતી. એ વખતે ૧૭મા દિવસે પતિએ ઝઘડો કરી ફોન બંધ કરી દીધો હતો. પતિ તેડવા આવેલ ત્યારે રસ્તામાં પણ કહેલુ કે હવે પછી હું તારી મમ્મીને નહિ બોલાવું. પતિ વારંવાર કહેતા કે હું સોફટવેર એન્જિનીયર છું, મેં ખોટી આઠ ફેઇલ સાથે લગ્ન કરી લીધા. જેઠે મારા પતિને કહેલું કે આના માવતરેથી દસ લાખ માંગ, સસરા કહેતા કે બાળક આવી જાય અને પૈસા આવી જાય પછી આનું શું કરવું એ વિચારશું. આ વાતો મેં રેકોર્ડ કરીલીધી હતી અને મારા માવતરને જાણ કરી હતી. મારે ડિલીવરી સાસરીયામાં કરવાની હતી. પરંતુ આ લોકોએ બાળક તારે રાખવું હોય તો માવતરે જતી રહે, ખર્ચો અમે દેશું નહિ. તેમ કહી મારા માવતરને જાણ કર્યા વગર સાતમા મહિને સિમંત કરી નાંખ્યું હતું. એ પછી હું ડિલીવરી માટે રાજકોટ આવી હતી.

ડિલીવરી સમયે પણ પતિએ કહેલુ કે નોર્મલ ડિલીવરી થવી જોઇએ, સિઝેરીયન થવું જોઇએ નહિ. બાળકના જન્મ બાદ ફરીથી મને બાળક જેઠ જેઠાણીને આપી દેવા દબાણ શરૂ થયું હતું. ત્રણ દિવસ બાદ મને હોસ્પિટલમાંથી રજા અપાતાં ઘરે ગયા હતાં. સાસુએ ફોન કરી કહેલુ કે અમે છઠ્ઠીમાં ૧૫ માણસો આવશું. સારામાં સારુ જમવાનું બનાવજો. તેણે કહ્યું એમ અમે કર્યુ હતું. બે મહિના બાદ સાસુ મને તેડી ગયા હતાં. પતિ આવ્યા નહોતાં. બીજા દિવસે પતિએ મને ખુબ માર મારી રૂમમાં પુરી દીધી હતી. માવતરે ફોન પણ કરવા દીધો નહોતો. સિઝેરીયનનો ટાંકો પણ તુટી ગયો હતો.પતિએ કહેલુ કે તું પગની ધૂળ બરાબર છો. પણ ઘર ભાંગવું ન હોઇ હું સહન કરતી હતી. છેલ્લે મને કાઢી મુકી હતી. સમાધાનના ઘણા પ્રયાસો છતાં મને ફરી તેડી ન જતાં અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં તેણીએ એફઆઇઆરમાં જણાવ્યું છે. એએસઆઇ એન. જે. બેલીમ તપાસ કરે છે.

(3:42 pm IST)