Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૧ થી ૨૮ ફેબ્રુઆરી સુધીની આગાહી

હવે ગરમી માટે તૈયાર રહેજો : આવતા અઠવાડીયે પારો ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે

૨૪મીથી પવનનું જોર પણ વધશે : આગાહીના પાછલા દિવસો (૨૫મીએ જોરદાર) દરમિયાન ઝાકળવર્ષા

રાજકોટ, તા. ૨૦ : હાલમાં થોડા દિવસથી ઠંડીનું જોર એકદમ ગાયબ છે. ઠંડી હવે વિદાય લઈ રહી છે ત્યારે હવે આગામી સપ્તાહમાં ગરમી માટે તૈયાર રહેજો. આવતા અઠવાડીયે ગરમીનો પારો ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે. આગામી સપ્તાહ દરમિયાન ૨૪મીથી પવનનું જોર પણ વધશે તો આગાહીના પાછલા દિવસોમાં ઝાકળવર્ષા પણ જોવા મળશે.

હાલમાં મહત્તમ અને ન્યુનતમ બંને તાપમાન નોર્મલથી ઉંચા જોવા મળી રહ્યા છે. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન દરેક સેન્ટરમાં ૩૧ થી ૩૨ ડિગ્રી આસપાસ જોવા મળે છે. જયારે ન્યુનતમ તાપમાન ૧૪ થી ૧૫ ડિગ્રી નજીક નોંધાય છે. જેમ કે રાજકોટમાં ન્યુનતમ તાપમાન ૧૯ ડિગ્રી, મહત્તમ ૩૪ ડિગ્રી, અમદાવાદ ૧૯.૨- ૩૩.૨, કેશોદ ૧૭.૨-૩૪.૩, ભુજ ૧૮.૨-૩૪.૨, અમરેલી ૧૭.૪ અને ૩૨.૮ ડિગ્રી નોંધાયેલ.

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા. ૨૧ થી ૨૮ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે આવતીકાલ એટલે કે ૨૧મી સુધી પવનની દિશા ફર્યા રાખશે. આજે અને કાલે છુટાછવાયા વાદળો પણ જોવા મળશે. ત્યારબાદ તા.૨૨ અને ૨૩ના મુખ્યત્વે ઉત્તર દિશાના પવન ફૂંકાશે. બાદ તા.૨૪ થી ૨૮ દરમિયાન પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે. ૨૩મી સુધી પવનની ઝડપ ૧૦ થી ૨૦ કિ.મી. ત્યારબાદ તા.૨૪ થી ૨૮ દરમિયાન ૧૫ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફંૂકાશે.

પશ્ચિમી પવનના લીધે સવારે ભેજ જોવા મળશે. જે આખર સુધી રહેશે. જેથી ઝાકળની શકયતા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તા.૨૪ થી ૨૮ દરમિયાન રહેશે. તા.૨૪ના કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સિમીત વિસ્તારમાં હળવી ઝાકળ, તા. ૨૫ના વિસ્તાર અને માત્રામાં વધારો થશે. તા. ૨૭ મધ્યમ ઝાકળવર્ષા તેમજ ૨૮મીના સીમીત વિસ્તારોમાં હળવી ઝાકળવર્ષા જોવા મળશે.

તાપમાનમાં મહત્તમ તાપમાન હાલ નોર્મલથી ઉંચુ છે આવતીકાલ સુધી ૩૩ થી ૩૫ ડિગ્રી અને સોમવારથી તા. ૨૨ થી ૨૮ સુધી ૩૫ થી ૩૭ ડિગ્રીએ પહોંચી જશે. ન્યુનતમ તાપમાન પણ નોર્મલથી ઉંચુ જ જોવા મળશે. એટલે કે ૧૭ થી ૨૦ ડિગ્રીની રેન્જમાં રહેશે.

(2:37 pm IST)