Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

જો ૫૦ ટકા મતદાન થાય તો દરેક મતદારને ૭૦ સેકન્ડનો સમય મળે !

સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશેઃ મતદાન કેન્દ્રોમાં વધારાના બદલે ઘટાડો

રાજકોટ,તા.૨૦: રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૧૫ની ચૂંટણીમાં ૮૮૫૭૦૦ મતદાતા નોંધાયા હતા અને ૧૧૬૮ મતદાન મથક પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૦૨૧ની ચૂંટણીમાં ૯૯૧ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદાતાઓની સંખ્યા ૧૦૯૩૯૯૧ છે. ૨૦૮૨૯૧ મતદાતાનો વધારો થયો છે અને હાલ કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન પણ કરવાનું છે ત્યારે ચૂંટણીપંચે મતદાન કેન્દ્રમાં વધારો કરવાના બદલે ઘટાડો કર્યો છે.

જેના કારણે માત્ર ૫૦ ટકા મતદાન થાય તો પણ એક મતદાતાને મતદાન કરવા માટે માત્ર ૭૦ સેકન્ડનો જ સમય મળશે. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે તેવા સમયે ચૂંટણીપંચે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવાના બદલે ઘટાડો કર્યો છે. ૨૦૧૫માં ૮૮૫૭૦૦ મતદાતા હતા અને ૧૧૬૮ મથક પર મતદાન થયું હતું. આ સમયે ૪૯.૫૩ ટકા મતદાન થયું હતું. ૨૦૨૧ એટલે કે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે તેની વ્યવસ્થા ૯૯૧ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને મતદાતાઓ ૧૦૯૩૯૯૧ છે. ૨૦૧૫ની સરખામણીએ ૨૦૮૨૯૧ મતદાતા વધ્યા છે.

મતદાતા જ્યારે મતદાન કરવા માટે જાય ત્યારે સૌ પ્રથમ પોતાનું ઓળખપત્ર દેખાડવાનું હોય છે તેમાં વેરિફિકેશન થયા બાદ મતદારપત્રકના રજિસ્ટરમાં સહી કરવાની હોય છે ત્યાર બાદ મતદાતાની આંગળી પર નિશાન કરવામાં આવે છે અને બાદમાં મતદાન કુટિરમાં જઇ મતદાન કરવાનું હોય છે. જ્યા મતદાન કરવા માટે બેલેટ યુનિટમાં ઉમેદવારોના નામ અને ચિહન જોયા બાદ ચાર મત આપવાના હોય છે અને બાદમાં રજિસ્ટરેશન માટે બટન દબાવવાનું હોય છે. આ બટન દબાવ્યા બાદ ૭ સેકન્ડ સુધી બીપ અવાજ આવે છે ત્યારે એક વ્યકિતનું મતદાન પૂર્ણ થાય છે.

આ રીતે સમજો સમયનું ગણિત રાજકોટમાં ૧૦૯૩૯૯૧ મતદાતા ૧૮ વોર્ડમાં ૯૯૧ મતદાન મથક આમ એક મતદાન મથકમાં સરેરાશ ૧૧૦૩ મતદાતા નોંધાયા હોય છે. સવારે ૭થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાનનો સમય છે. તેથી ૬૬૦ મિનિટ થાય અને ૩૯૬૦૦ સેકન્ડ થાય છે.  એક મતદાન મથકમાં ૧૦૦ ટકા મતદાન થાય તો એક મતદાતા પાસે ૩૫ સેકન્ડનો સમય મળે. ૫૦ ટકા મતદાન થાય તો ૭૦ સેકન્ડમાં એક મતદાતાએ મતદાન કરવું પડે.

અગાઉ ૧૨૦૦ મતદાતાનો નિયમ હતો તે હવે ૧૪૦૦નો થયો

રાજ્ય ચૂંટણીપંચે અગાઉ એક મતદાન મથક પર ૧૨૦૦ મતદાતા રાખવાનો નિયમ હતો તેમાં સુધારો કર્યો છે અને હવે ૧૪૦૦ સુધી મતદાતા રાખવાનો નિયમ છે. જેના પગલે રાજકોટ શહેરનો વિસ્તાર વધ્યો છે, મતદાતાઓ વધ્યા પણ મતદાન મથકોમા ઘટાડો થયો છે. રાજકોટમાં સરેરાશ ૧૧૦૩ જેટલા મતદાતા એક મથક પર રાખવામાં આવ્યા છે.  તેમ પરિમલ પંડ્યા (અધિક કલેકટર, રાજકોટ) એ ૯૯૧- મતદાન મથકો, ૫૯૦૦- કર્મચારી તૈનાત, ૫૦૦- અધિકારીનું સુપરવિઝન, ૪૦૦૦- પોલીસ જવાનોની સુરક્ષા, ૩૦૦થી વધુ સંવેદનશીલ કેન્દ્રો પર વિડીયોગ્રાફી થશે.

૫ ગામ ભળ્યાં છતાં મતદાન મથકમાં વધારો ન થયો

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર-૧ ગામનો દોઢ વર્ષ પહેલા સમાવેશ થયો છે. આ વિસ્તારનો ૩૪.૧૧ ચોરસ કિ.મી.નો વિસ્તાર વધ્યો છે. રાજકોટની વસતી પણ વધી આમ છતાં ચૂંટણીપંચે મતદાન મથકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. આમ પાંચેય ગામો પ્રથમ વખત મનપા માટે મતદાન કરશે.

મતદાર મતદાન કરવા જાય ત્યારે આ પ્રક્રિયા કરવી

ઓળખપત્ર બતાવવું, વેરીફીકેશન બાદ મતદાર- પત્રકના રજીસ્ટ્રરમાં સહિત કરવી, મતદાતાની આંગળીમાં નિશાન, મત આપ્યા બાદ રજીસ્ટરનું બટન અવશ્ય દબાવવું, ૭ સેકન્ડ સુધી બીપનો અવાજ આવશે

(11:41 am IST)