Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

બજેટની ચર્ચામાં કોંગ્રેસે ઉંધુ લીધુઃ કશ્યપભાઈનો કોઈ વાંક નથીઃ બીનાબેન આચાર્ય

બજેટમાં લોકોની સુખાકારીની ચર્ચાને બદલે વિપક્ષી કોર્પોરેટરોએ સસ્તી પ્રસિદ્ધિ માટે ખોટો ડખ્ખો ઉભો કર્યોઃ બજેટની ચર્ચા સાંજ સુધી કરવાની તૈયારી રાખી હતીઃ સભ્યો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાયેલ પરંતુ...: ગઈકાલના જનરલ બોર્ડમાં વિપક્ષના હોબાળા અંગે મેયરનું તડને ફડ

રાજકોટ, તા. ૨૦ :. ગઈકાલના જનરલ બોર્ડમાં ભાજપના સિનીયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલે કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરને 'તમારૂ ઘરમાં'ય નથી ચાલતું' તેવા શબ્દો કહી અપમાન કર્યુ.. તેવા આક્ષેપો સાથે વિપક્ષી કોર્પોરેટરોએ કરેલા હોબાળા અંગે મેયર બીનાબેન આચાર્યએ પ્રત્યાઘાતો આપતા જણાવેલ કે કોંગ્રેસે ખોટો ડખ્ખો ઉભો કર્યો હતો, હકીકતે કશ્યપભાઈનો કોઈ વાંક જ નથી.

મેયરશ્રીએ સ્પષ્ટ કર્યુ હતુ કે કશ્યપભાઈએ બજેટની ચર્ચા દરમિયાન એવું કહ્યુ હતુ કે ઘરનું બજેટ હોય તો તેમા પણ કોઈનું ચાલે નહી, મારૂ પણ ન ચાલે.. ને તમારૂ પણ ન ચાલે... આ શબ્દોને કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે અંગત રીતે લઈ અને ઉંધુ લઈ લીધું અને પછી વિપક્ષી કોર્પોરેટરોએ કશ્યપભાઈ માફી માંગે તેવું કહી ખોટો હોબાળો ઉભો કર્યો.. પરંતુ કશ્યપભાઈએ કોઈનું અપમાન કર્યુ નથી તો માફી કેમ માંગે ? આમ ખોટો હોબાળો કરી કોંગ્રેસના સભ્યોએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કર્યો તેવો આક્ષેપ બીનાબેન આચાર્યએ કર્યો હતો.

મેયરશ્રીએ વધુમાં જણાવેલ કે બજેટમાં લોકોની સુખાકારીની ચર્ચા કરવાને બદલે વિપક્ષે ખોટી કાગારોળ મચાવી હતી. હકીકતે બજેટની ચર્ચા સાંજ સુધી ચલાવવાની તૈયારી હતી. આથી સભ્યો માટે ભોજનની વ્યવસ્થા કરવા સુધીની તૈયારી રખાયેલ પરંતુ વિપક્ષી કોર્પોરેટરોને બજેટનો અભ્યાસ નહીં હોય તેથી આવા ખોટા ડખ્ખા કર્યા.

(4:09 pm IST)