Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જાદુગર આંચલ સ્ટેચ્યુ ઓફ લીબર્ટીને ગાયબ કરી દેશે

લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવનાર યુવા મહિલા જાદુગર 'અકિલા'ના આંગણે : કાલથી રાજકોટમાં તરખાટ મચાવશે : આંચલજી કહે છે જાદુ મારા માટે જીવન, તનાવભર્યા જીવનમાં મારા બે કલાકના શોમાં લોકોને હળવાફુલ કરી દઉં છું : ટ્રીક - ટેકનોલોજી - પ્રેકટીસ - સ્પીડ અને સાયન્સના સમન્વયથી જાદુ શકય : કાલથી રાજકોટમાં જાદુના શો : દરરોજ ૧ અને બુધ-શનિ-રવિ બે શો : લેડીઝ કલબ (ગેસ્ફોર્ડ નજીક) ખાતે દરરોજ રાત્રીના ૯:૩૦ થી ૧ શો અને બુધ, શનિ અને રવિવારે સાંજે ૬:૩૦ અને ૯:૩૦ કલાકે એમ બે શો યોજાશે : મગજમાં કંઈક નવું ઉદ્દભવે ત્યારે ઈન્ટરનેટના માધ્યમથી લોકોને પીરસીએ છીએ, મારો નાનો ભાઈ જાદુનો ગુરૂ છે નવા મેજીક તેની શોધ : મારો પરિવાર અને મારી ટીમની ખૂબ જ જહેમત : જાદુગર આંચલ : સંસ્થાઓ - સ્કુલ - કોલેજો શોની ટિકીટ માટે સંપર્ક કરે : શાળા - કોલેજોમાં કે સંસ્થાઓમાં આંચલના જાદુના શોનો કાર્યક્રમ યોજવા ઈચ્છુકો શ્રી ગિરધારી કુબાવતનો મો. ૯૯૨૮૦ ૭૭૦૭૬ ઉપર સંપર્ક કરવો

રાજકોટ, તા. ૨૦ : રાજકોટમાંથી સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ગાયબ થઈ જશે. આ સિવાય અનેકવિધ અવનવા જાદુના કરતબ રજૂ થનાર છે. દેશ-વિદેશમાં નાની ઉંમરે જાદુની દુનિયામાં નામના મેળવનાર એવા યુવા, મહિલા જાદુગર આંચલ આજરોજ 'અકિલા'ના આંગણે આવ્યા હતા.

સામાન્ય રીતે ભાઈઓ જાદુગર હોય પરંતુ કોઈ યુવતી જાદુના શો કરે એ કંઈક નવીન વાત કહેવાય. એવા જ જાદુગર છે જેનું નામ છે મેજીશીયન આંચલ (ધ મેજીક ગર્લ) કે જેઓનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ દર્જ છે. તેઓ કહે છે કે જાદુ મારા માટે જીવન છે.

આજના તનાવભર્યા જીવનમાં લોકોનું હાસ્ય પણ કયાંક ખોવાઈ ગયુ છે ત્યારે મારા બે કલાકના જાદુના શોમાં હું તેઓનું હાસ્ય પરત લાવવા એક નિમ્ન પ્રયાસ કરૂ છું અને લોકોને હળવાફુલ કરી દઉ છું. તેઓ કહે છે કે ટ્રીક, ટેકનોલોજી, પ્રેકટીસ, સ્પીડ અને સાયન્સના સમન્વયથી જાદુ શકય છે.

મુળ રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી એવા જાદુગર આંચલ કુમાવત નેશનલ ચાઈલ્ડ એવોર્ડ વિનર છે. તેઓ કહે છે કે મેં માત્ર સાડા ચાર વર્ષની વયે સ્કુલમાં જાદુનો પ્રથમ શો કરેલો. ત્યાર પછીના બીજા દિવસે અખબારમાં મારા ફોટા સાથેના ન્યુઝ આવતા હું ખૂબ પ્રભાવિત થઈ આમ જાદુની દુનિયામાં પ્રવેશ કરવાનો શ્રેય મીડિયાને પણ જાય છે. તેઓ કહે છે કે ૧૯૯૭ સુધી મેં જાદુના નોનપ્રોફેશ્નલ શો કર્યા. ૨૦૦૧થી કોમર્શીયલ શો કરવાના શરૂ કર્યા. વર્ષમાં ૧૦ મહિના જાદુના શો કરૂ છું અને વર્ષના બાકીના બે મહિના મારા અભ્યાસ માટે ફાળવુ છું. તેમણે સાયકોલોજીમાં એમ.એ. પોસ્ટગ્રેજ્યુએશન કર્યુ છે.

વર્ષ ૨૦૧૦માં 'ફ્રાન્સ ફરારી' નામક કાર્યક્રમમાં ટોપ-૧૦માં પહોંચેલા ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં કવાર્ટર ફાઈનલ સુધી ૨૦૧૨માં ઈટીવીમાં તેલુગુ અને કન્નડ ભાષામાં પ્રસારીત થતાં અધર્સ - ટુ અને સુપર - ટુ નામના શોમાં વિજેતા બની ૧૦ લાખનું ઈનામ મેળવેલ. દેશ-વિદેશમાં શો કરી ચૂકયા છે અને ૨૦૧૬માં લીમ્કા બુકમાં સ્થાન મળ્યુ છે.

તેઓ તેમના જીવનના પ્રેરણાસ્ત્રોત તરીકે તેમના માતા-પિતા અને પરિવારજનોને માને છે. તેઓના પિતા એન્જીનિયર છે. નોકરી પૂરી કરી સાંજના સમયે મેજીકની દુકાન ચલાવતા ધીમે - ધીમે બાળકોને જાદુ શીખવવા લાગ્યા અને બસ ત્યારથી જ સફર શરૂ થઈ ગઈ. દેશના ૧૬ રાજયોમાં અને ૭ શો વિદેશમાં કરી ચૂકયા છે.

એક પ્રશ્નના જવાબમાં આંચલજીએ કહ્યું કે મુશ્કેલીઓ તો ઘણી આવે છે પરંતુ મને મારા માતા-પિતાનો ખૂબ જ સહયોગ મળ્યો છે. તેઓએ મારા માટે નોકરી છોડી દીધી. જાદુ મારા માટે જીવન છે, આજના યુગમાં લોકો પાસે સમય નથી, જીવનમાં હાસ્ય નથી. મારા બે કલાકના શોમાં તેઓને હળવાફુલ કરવા પ્રયત્નો કરૂ છું.

ખાસ કરીને ડર લાગે તેવા જાદુના પ્રયોગો કરવાની ખૂબ મજા આવે છે. રાજકોટમાં પણ કંઈક નવું આપવાની ઈચ્છા છે તેઓ પોતાના શોમાં સ્ટેચ્યુ ઓફ લીબર્ટીને ગાયબ કરી દેશે. આ સિવાય સાયોનારા સહિતના પ્રયોગો રજૂ કરીશ.

આંચલજી કહે છે ટ્રીક, ટેકનોલોજી, પ્રેકટીસ, સ્પીડ અને સાયન્સના સમન્વયથી જાદુ શકય છે. આજના સમયમાં માતા - પિતા, બાળકો પરિવારજનો વચ્ચે આદર - ભાવ વિસરાતો જાય છે. એક જ ઘરમાં રહેતા હોવા છતાં વોટ્સએપમાં ખોવાયેલા હોય છે. આ માટે મારા શોમાં એક મોટીવેશનલ સ્પીચ પણ હોવાનું તેઓએ જણાવેલ.

રાજકોટ શહેરના ગેસ્ફોર્ડ નજીક આવેલ લેડીઝ કલબ ખાતે આવતીકાલે તા.૨૧ના શુક્રવારે રાત્રીના ૯:૩૦ વાગ્યાથી જાદુગર આંચલના શોનું ઓપનીંગ થશે. જે દરરોજ ૧ શો (રાત્રીના ૯:૩૦ વાગ્યે) તેમજ બુધ, શનિ અને રવિ બે શો (સાંજે ૬:૩૦ અને ૯:૩૦ યોજાશે.

આ અંગે વધુ માહિતી માટે ઈમેલઃ anchal.themagicgirl@gmail. com  અને ફેસબુક પેઈજ : magician anchal the magic girl. ઉપર નિહાળી શકાય છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યુવા જાદુગર આંચલ સાથે તેમના પિતા શ્રી ગિરધારી કુબાવત (મો.૯૯૨૮૦ ૭૭૦૭૬) અને ચારૂ પબ્લીસીટીવાળા શ્રી હરીશભાઈ પારેખ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

આંચલનો અદ્દભૂત સ્ટંટ શો

હરિદ્વારમાં બાબા રામદેવે પણ ભરપેટ વખાણ કરેલા : ૧૦૦ ફૂટ લાંબી સાંકળની ચેન, ૧૦૦ તાળાનંુ બોક્ષ, ક્રેનમાં આગ લગાડી દીધી'તી, આમ છતાં અમુક સેકન્ડોમાં બહાર નિકળી ગયા હતા

રાજકોટ : યુવા જાદુગર આંચલે એક અદ્દભૂત સ્ટંટ શો કરેલો. જેમાં તેઓને ૧૦૦ ફૂટ લાંબી સ્ટીલની ચેઈનથી બાંધી દેવાયા હતા. બોક્ષમાં ૧૦૦ તાળા મારી દેવામાં આવેલ અને બોક્ષમાં પણ વેલ્ડીંગ કરી નાખવામાં આવેલ. પરંતુ આંચલ માત્ર થોડી સેકન્ડમાંથી જ બહાર નીકળી ગયા હતા. આ શોમાં બાબા રામદેવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આંચલને આ સ્ટંટ બદલ શાબાશી પાઠવી હતી.

વિખ્યાત જાદુગર કે. લાલે મારા શોમાં ઉભા રહી તાલી પાડેલી : ઈનામ પણ આપેલુ : આંચલ

રાજકોટ : યુવા જાદુગર આંચલે એક યાદગાર પ્રસંગ વર્ણવતા કહ્યું કે જાદુની દુનિયાના મહાજાદુગર કહી શકાય એવા વિખ્યાત જાદુગર કે. લાલે હું નાની હતી ત્યારે મારા જાદુથી મને ગોદમાં ઉઠાવી લીધી હતી અને ત્યારબાદ ૨૦૧૦માં પણ જાદુગર સંમેલનમાં મારા પર્ફોર્મન્સથી ખુશ થઈ મારા માટે ઉભા થઈ તાલીઓ પાડી હતી અને મને રૂ.૫૦૦નું ઈનામ પણ આપ્યુ હતું. આમ જીવનમાં કે. લાલ સાથે બે વખત મળી હતી અને આ બંને પ્રસંગ મારા જીવન માટે યાદગાર બની રહ્યો છે.

(3:56 pm IST)