Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

'' ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધી પુષ્ટી વર્ધનમ્ ઉર્ર્વા રૂકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષિય મામૃતાત્ ''

કાલે મહાશિવરાત્રી : શિવભકિતમાં રાજકોટ થશે લીન

મધ્યાહને ઝાલરો રણઝણશે : ચાર પ્રહર આરતી, પૂજન અર્ચન, અભિષેક, દિપમાલા, ભાંગ વિતરણ સહીત ધર્મમય કાર્યક્રમો : શિવમંદિરોમાં અનેરો ધમધમાટ

રાજકોટ તા. ૨૦ : આવતીકાલે મહાશિવરાત્રી હોય શિવભકતોમાં અનેરો ઉમંગ છવાયો છે. કાલે શહેરભરના શિવાલયો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, બમ બમ બોલે, જય ગીરનારી ... ના નાદોથી ગુંજી ઉઠશે! ચાર પ્રહર આરતી ઉપરાંત વિશેષ પુજન અર્ચન, જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક, પુષ્પાભિષેક તેમજ ભકિત સત્સંગના કાર્યક્રમોનો આખો દિવસ ચાલશે. બપોરે શિવશંભુની વિશેષ આરતી સાથે ભાવિકોને ભાંગની પ્રસાદનું વિતરણ કરાશે. મહાદેવજીની ભકિતમાં લીન થવા ભાવિકો આજથી જ તૈયારીમાં લાગી ગયા છે. ઠેર ઠેર આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ચિત્રકુટધામ રામજી મંદિર ૪ ધર્મજીવન સોસાયટી, (ભકિતનગર સર્કલ પાસે) ખાતે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે. જેમાં સવારે મંગળા આરતી, ત્યારબાદ ગોપી સત્સંગ ધુન-ભજન, અને નર્મદેશ્વર મહાદેવની મહાપૂજા થશે. બપોરના ૧૨ વાગ્યે ૧૦૮ દીપદાન સાથે મહાઆરતી થશે. ત્યારબાદ ભાંગની પ્રસાદી, સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૮.૩૦ સુધી શૈલેષભાઇ સગપરીયા પરિવાર તરફથી ષોડશોપચાર પૂજન અને રાત્રે ૯ થી ૧૨ રૂદ્રી પાઠ સાથે અભિષેક કરાશે. રાત્રે ૧૨ વાગ્યે ૧૦૮ દીપદાન સાથે મહાઆરતી થશે. સૌ ભાવિકોએ દર્શનનો લાભ લેવા મંદિર વતી મહારાજ શ્રી ગોકર્ણદાસજી મહારાજે અનુરોધ કરેલ છે.

કોઠારીયા કોલોનીના  કોટેશ્વર મહાદેવ મંદિર

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં વહેલી સવારે મંગળા આરતી અને ૯ વાગયે ધ્વજારોહણ થશે. તેમજ સવારથી ભાવિકો દ્વારા રૂદ્રાભિષેક, જલાભીષેક, દુધાભીષેક અને પુજન અર્ચન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી થશે. ભાવિકોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. બપોરે ૩ વાગ્યે શિવ રથયાત્રાનું સ્વાગત કરાશે. સાંજે કોટેશ્વર મહિલા મંડળ દ્વારા ધુન-ભજન તેમજ સાંજે ૧૦૮ દીપદાન દીપમાળાની મહાઆરતી વગેરે કાર્યક્રમો રાખેલ છે. ભાવિકોને દર્શન તથા મહાઆરતીનો લાભ લેવા કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, રશ્વીનભાઇ જાદવ, સીધ્ધરાજસિંહ પી. જાડેજા, હિતેશભાઇ મીસ્ત્રી, કિરીટસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, સંદીપભાઇ સોલંકી, જયભાઇ આસોડીયા, હેમલભાઇ ચૌહાણ, કલપેશભાઇ ઠાકર, શનિ જાદવ, હરદેવસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, મનોજ મકવાણા, કુદલીપ ઝાલા, ઋષિરાજસિંહ જાડેજા, મનસુખગીરીબાપુ (પુજારી) દ્વારા અનુરોધ કરાયો છે.

સંકિર્તન મંદિર

પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી હરિનામ સંકિર્તન મંડળ દ્વારા સંકિર્તન મંદિર, કાલાવડરોડ પ્રેમભીક્ષુજી માર્ગ ખાતે કાલે રાત્રે ૧૦ થી ૧૨ સુધી મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાશે. મહાદેવજીને રૂદ્રાભિષેક, પુજન અભિષેક થશે. રાત્રે ૧૨ વાગ્યે ઉત્સવ આરતી કરાશે.ધર્મપ્રેમી અને નામ પ્રેમી ભાવિક ભકતોએ પધારવા અનુરોધ કરાયો છે. દરમિયાન સંકિર્તન મંડળ યોજીત પ્રભાતફેરી કાલે મહાશિવરાત્રી નિમિતે સવારે ૫.૩૦ વાગ્યે સંકિર્તન મંદિરેથી જ પ્રારંભ થશે. જયારે તા. ૨૩ ના રવિવારની પ્રભાતફેરી પણ નીજ મંદિરેથી સવારે ૫.૩૦ વાગ્યે નીકળશે.

રાધેશ્યામ ગૌશાળા

રૈયાધાર, પાણીના ટાંકા પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ રાધેશ્યામ ગૌશાળામાં કાલે મહાશિવરાત્રી નિમિતે બપોરે ૧૨ વાગ્યે બીલી નીચે બીરાજતા મહાદેવની આરતી થશે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. રાધેશ્યામ કેશીયો પાર્ટી દ્વારા બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ ખાતે પણ આરતી અને મહાપ્રસાદ રાખેલ છે. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા ભરતભાઇ આહીર, રાજુભાઇ આહીર, આમદભાઇ ભાંભવા, ભીખુભાઇ વાળા, મેઘરાજસિંહ ઝાલા, બટુકસિંહ ઝાલા, શકિતસિંહ ઝાલા, નાનજીભાઇ ડાભી, ભીખારામ ગોંડલીયા, વાસુદેવભાઇ જાડેજા, લખમણભાઇ ફુલવાળા, વિભાભાઇ આહીર, રાજુભાઇ પ્રજાપતિ, એન. જે. પાનોલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ધર્મપ્રેમીજનોએ પધારવા રાધેશ્યામ ગૌશાળાના રાધેશ્યામબાપુ (મો.૯૨૨૮૩ ૫૩૭૮૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)