Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શ્રીજી ગૌશાળાના આંગણે રવિવારે ફુલ ફાગ હોરી ઉત્સવ-વચનામૃત

રાજકોટ, તા.૨૦: શહેરની ઉત્તર ભાગોળે જામનગર હાઇવે પર આવેલ 'શ્રીજી ગૌશાળા' ન્યારાના આંગણે તા.૨૩ના રવિવારે સાંજે ૬ વાગ્યાથી ફૂલફાગ હોરી ઉત્સવનું આયોજન કરાયુ છે.

અહીં નિત્યનુતન કાર્યક્રમ-ઉત્સવોના આયોજન થકી ગૌપ્રેમી સમાજને ગાય સાથે જોડવા સતત પ્રયાસો થઇ રહ્યા છે.

પુષ્ટી માર્ગીય સંપ્રદાયના ઉત્સવો પ્રમાણે માધસુદી પંચમી (વસંતપંચમી) વસંતના આગમન સાથે શ્રી રાધા-કૃષ્ણના વિશુધ્ધ સ્નેહથી છલકતો ૪૦-દિવસનો મદન ઉત્સવ જેને ખેલના દિવસો કહેવામાં આવે છે. વસંતપંચમીથી હોરી પડવા સુધી પ્રભુ નિત્ય હોરીખેલ મનાવે છે.

આવો જ એક હોરી ઉત્સવ આગામી તા.૨૩ના રવિવારને સાંજે ૬ વાગ્યાથી શ્રીજી ગૌશાળા ખાતે ફુલ-ફાગ હોરી ઉત્સવ સ્વરૂપે આયોજીત કરવામાં આવ્યો છે. આ ફુલ-ફાગ ઉત્સવમાં વિશેષ કૃપા સાથે કડી-અમદાવાદના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગો.શ્રી હરિરાયજી મહોદયશ્રી ઉપસ્થિત રહી હોરીરસનો આનંદ લેવડાવવા સાથે આપના દિવ્ય વચનામૃત ઉપદેશથી વૈષ્ણવોને ધર્મ સંદેશ કરશે.

પુષ્ટિમાર્ગીય પાઠશાળાના પ.ભ.શ્રી ભુપેન્દ્રભાઇ ધાબલીયા અને એમના કિર્તનવૃંદ દ્વારા ભકતજનોને હોરીના દિવસોમાં વૃજની યાદ અપાવતા બ્રજવાસી ભકત કવિઓના રસીયા ગાન સાથે વ્રજની હોરીના વિવિધ પ્રકારના નૃત્યોની અભિવ્યકિત સાથે ભાવુકોને હોરીરસમાં રસતબોળ કરશે. આ હોરી રસનો લ્હાવો લેવા ગૌપ્રેમીઓને સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ કરવામાં આવ્યું છે.

મહાપ્રસાદનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોરથી સ્વરૂપે નરેન્દ્રભમાઇ ગંગદેવ, સુખાભાઇ કોરડીયા, ગોપાલભાઇ બગડાઇ, દિલીપભાઇ સોમૈયા, પ્રભુદાસભાઇ તન્ના, રમેશભાઇ ઠક્કર, જયંતિભાઇ નગદીયા, દિપકભાઇ વસાણી, વિનુભાઇ દત્તાણી, ચંદુભાઇ રાયચુરા, અશોકભાઇ રાયચુરા, કિશોરભાઇ પારેખ, ચકુભાઇ હાપલીયા, સતિષભાઇ હરખાણી, રતીલાલભાઇ રાજપરા, વિજયભાઇ સોમૈયા, રામજીભાઇ ઠકરર, ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર-ગોંડલ, કિરીટભાઇ કુંડલીયા, રાજુભાઇ નથવાણી અને કિરણભાઇ ગોકાણી જેવા શહેરભરના અનેકો ગૌપ્રેમી મહાનુભાવોની દ્રવ્ય સેવાઓ પ્રાપ્ત થઇ છે.

આ ફુલ-ફાગ હોરી કાર્યક્રમમાં ભાવુકોને સહપરિવાર પધારવા શ્રીજી ગૌશાળા પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(3:40 pm IST)