Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મકાન માલીકને ભાડુતી જગ્યામાં તોડી પાડેલ બાંધકામ ફરી ચણી આપવા કોર્ટનો હુકમ

ભાડુઆતની તરફેણમાં કાયમી મનાઇ હુકમ ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૦: અત્રે રાજદેવ શેરીમાં ''ચંપાકુંજ'' મકાનના કેસમાં ભાડુઆતની તરફેણમાં મકાન માલીકોને કાયમી મનાઇ હુકમ, મકાન માલીકોએ તોડી પાડેલ બાથરૂમ-સંડાસ ફરી તે જ જગ્યાએ કરી આપવા તથા રહેણાંક મકાનમાં બનાવેલ દુકાનનો કોમર્શીયલ ઉપયોગ કરવા તેને ભાડે અથવા વેચાણથી ટ્રાન્સફર કરવા સામે કાયમી મનાઇ હુકમ અદાલતે ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં ટુંકમાં હકીકત એવી છે કે, મકાન માલીકો જયોત્સનાબેન મનહરલાલ જોષી તથા હસિતભાઇ જોષીએ વર્ષો જુના ભાડુઆત સામે મકાન ખાલી કરવા માટે દાવો કરેલ, તેમાં નામદાર કોર્ટે ચુકાદો ભાડુઆતની તરફેણમાં આપેલ, જેથી મકાન માલીકોએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરેલ, જે અપીલ પણ ડીસ્ટ્રીકટ કોર્ટ તરફથી ડીસમીસ કરવામાં આવેલ.

આથી મકાન માલીકોએ ભાડુઆતને હેરાન કરવા માટે ડેલીમાં આવેલા બાથરૂમ, સંડાસ વિ. તોડી પાડેલ અને ત્યાં દુકાનનું ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરેલ, જે બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ થતાં ગેરકાયદેસર થતું બાંધકામ અટકાવવા માટે તથા કરેલું બાંધકામ તોડી પાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને મકાન માલીકોને નોટીસો આપેલ. જે નોટીસોને ગણકાર્યા વગર મકાન માલીકોએ રહેણાંક જગ્યામાં ગેરકાયદેસરનું કોમર્શીયલ બાંધકામ કરી લીધેલ હતું.

આથી ભાડુઆતે મકાન માલીકો સામે તોડી પાડેલ બાથરૂમ, સંડાસ વિગેરે ફરીથી કરી આપવા તથા રહેણાંક મકાનમાં કોમર્શીયલ ઉપયોગ કરવા સામે કાયમી મનાઇ હુકમ આપવા માટે સ્મોલ કોઝ કોર્ટમાં દાદ માંગેલ.

આ કેસમાં ભાડુઆતે રજુ કરેલા પુરાવાઓ કોર્ટ દ્વારા થયેલ પંચનામું તથા ભાડુઆતના વકીલ શ્રી ભરતભાઇ પી. જોબનપુત્રાએ કરેલી વિસ્તૃત દલીલો ધ્યાને લઇને સ્મોલ કોઝ કોર્ટના જજ શ્રી એ. જી. શેખે ભાડુઆતની તરફેણમાં દાવો માન્ય રાખી ઠરાવેલ છે કે, મકાન માલીકોએ તોડી પાડેલા બાથરૂમ-સંડાસ વિગેરે ફરીથી તે જ જગ્યાએ કરી આપવા તથા ડેલીમાં અને ફળીમાં કોઇપણ પ્રકારનું બાંધકામ કરવું નહીં તેમજ રહેણાંક મકાનનો કોઇપણ ભાગ કોમર્શીયલ ઉપયોગ માટે ભાડે અગર વેચાણથી કોઇને ટ્રાન્સફર કરવો નહીં તે મુજબનો કાયમી મનાઇ હુકમ આપેલ છે. આ કેસમાં ભાડુઆત તરફથી વકીલ શ્રી ભરતભાઇ પી. જોબનપુત્રા રોકાયેલ હતા.

(3:32 pm IST)