Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે શિવરાત્રી

મહાશિવરાત્રીનો તહેવાર મહામાસ વદ ચૌદશના દિવસે આવે છે. હિંદુશાસ્ત્રના દર્શન મુજબ આ મહામાસના કૃષ્ણપક્ષમાં ભગવાન શંકરનો પ્રણયનો દિન કહેવાય છે. તેથી આ દિવસ ખૂબ મોટો છે અને તેની રાત્રીતો વધારે મહાન છે. તેથી જ આપણે પણ તે શબ્દને અલગ કરીએ તો મહા શિવ રાત્રી. મહા એટલે મોટી રાત્રી એવો અર્થ થાય છે. આવા મહાન પર્વના દિને ગુજરાતના ઘણા સ્થળોએ મોટા મેળા ભરાય છે અને શિવજીની ઉપાસના થાય છે.

શિવતત્વનું સૌમ્ય સ્વરૂપ શંકર. એનું રૌદ્ર સ્વરૂપ નટરાજ છે. આ સ્વરૂપ સંહારકારી કહેવાય છે. સમગ્ર બ્રહ્માંડમાં આ નટરાજ તાંડવ નૃત્યનું સ્વરૂપ છે. આ નૃત્યને તાંડવ રૂપે વર્ણવ્યુ છે. શંકરની મુર્તિએ સગુણ સાકારનુ પ્રતિક છે. જયારે શિવલીંગ એ નિર્ગુણ નિરાકારનુ પ્રતિક છે.

ભગવાન શિવ ભારતીય ધર્મોના મુખ્ય દેવતા છે. બ્રહ્મા વિષ્ણુની સાથે તેમની ઉપાસના થાય છ. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. આજે ભગવાન ચંદ્રમૌલી ભગવાન શિવનું એક વિશિષ્ટ નામ છે. તે સવિશેષ પ્રાગટય દિન ગણાય છે. તેઓ માનવીના પાંચ પાયોને દૂર કરવામાં સ્વતત્વવાળા હોવાથી તેને પંચમુખી દેવ તરીકે ઓળખાય છે. આ રાત્રીએ સમસ્ત જગતના જીવના કલ્યાણની રાત્રી છે. શિવપુરાણમાં શિવરાત્રીના વ્રતનો વિગતવાર ઉલ્લેખ છે. આ વ્રતમાં ઉપવાસ, શિવની પૂજા, જાપ, તપ, વ્રતને જાગરણ કરાય તો મનુષ્યની સર્વે પ્રકારની મનોકામના સિધ્ધ થાય છે. આ દેવ તે ભોળાનાથ શંભુ છે તેથી સ્નાન, ભસ્મ, બિલીપત્રને પુષ્પથી તે પ્રસન્નતા અનુભવે છે. આ દેવના દર્શન માટે કોઇ સમયના બંધન હોવા નથી. ભારતના મહાન ઋષિઓએ ગ્રંથોમાં દરેક પ્રાણીઓને જાપ, તપને વ્રત જેવા કાર્યોમાં વિધિ વિધાનની ગુંથી લીધેલા છે. માનવીને મુંગા પ્રાણી પ્રત્યેના પ્રેમને વાત્સલ્ય ભાવના આદર્શને ટકાવી રાખવાનોને જીવંત રાખવાનો તહેવાર તે શિવરાત્રી છે. શ્રીકૃષ્ણ ભકત આદિ કવિ નરસિંહ મહેતા જેની આરાધના કરીને તેમની પ્રસન્નતા મેળવીને કૃષ્ણની રાસલીલાના દર્શન કરેલ હતા. શિવનું નિવાસસ્થાનતો હંમેશા કૈલાશ છે તેમનુ વાહન નંદી (બળદ) છે. તે પુરૂષાર્થને શાંતિના પ્રતિકરૂપે છે. તેમના બીજા પ્રતિકો બીજનો ચંદ્ર, સર્પ, ત્રિશુળ, ડમરૂ, કાચબો, રૂદ્રાક્ષ વગેરે છે. તેમને ઓખા નામની પુત્રી કાર્તિકેય, ગણપતિ નામના પુત્રો છે.

શિવજી સગુણ આકાર છે જે નિર્ગુણ નિરાકાર છે. શિવજીની મુર્તિએ સાકાર સ્વરૂપ છે ને શિવલીંગએ નિરાકાર સ્વરૂપ છે. જેને જે સ્વરૂપમાં પ્રિતી હોય તે સાધક તેની પુજા કરી શકે છે.

શિવપુરાણ મુજબ શિવલીંગની ઉત્પતીની કથા પ્રાપ્ત થાય છે. એકવાર શ્રી બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન વચ્ચે શ્રેષ્ઠતા અંગે ભારે વિવાદ થયેલો. આ યુધ્ધને અટકાવવા શિવજી અગ્નિ મહાલીંગ તરીકે ત્યા સ્થાપિત થયા. તેનુ મુળ પાતાળથી પણ નીચે ઉપરનો છેડો સકળ બ્રહ્માંડથી પર ઉપર જેનો તાગ મેળવવો અશકય હતો. પછીથી એવુ નકકી થયુ કે જે કોઇ સૌ પહેલા શિવલીંગનો છેડો મેળવે તે શ્રેષ્ઠ. શ્રી વિષ્ણુ ભગવાન નીચે ગયા કયાંય તાગ મળ્યો નહિ. તે પરત આવ્યા ત્યારબાદ બ્રહ્માજી ઉપર કયાય સુધી ગયા પણ તાગ ન મળ્યો પણ તે ખોટુ બોલ્યા કે મને શિવગલીંગનો છેડો દેખાયો, તે સમયે કપટી બ્રહ્માજીને શિક્ષા કરવા તે અગ્નિરૂપ સ્થંભ (લીંગ)માંથી મહાદેવ પ્રગટ થયા અને બ્રહ્માજીનુ પાંચમુ મુખ અસત્ય બોલેલ તે કાપી નાખ્યુ. આ પ્રસંગ એમ સૂચવે છે કે કોણ દેવ શ્રેષ્ઠ છે તેની બાબતમા પડયા વિના શિવજીનુ સ્મરણ કરવુ.

બ્રહ્માને વિષ્ણુએ આ દિવસે પૂજન કરેલ. તેને યાદગાર કરવા આ દિવસો મહાન શિવરાત્રી ગણાશે તેમ શિવજીએ જણાવેલ. શિવજી કહે છે કે ઓમ નમઃ શિવાય આ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. જેના જપથી જીવ શિવ બની શકે છે. લીંગની પુજા શિવજીની પ્રાપ્તિ કરાવે છે.

શિવજીને ધતૂરો અતિપ્રિય છે. જે ઝેરી છે પણ શ્વેત છે. જેને અર્પણ કરવાથી આપણુ ઝેર જેવુ જીવન શુભ ઉજજવળ બને છે. શિવજીના મંદિરમાં દર્શન કરવાએ સાધારણ દર્શન છે. પરંતુ જગતના સ્ત્રી પુરૂષોમાં દર્શન કર્યા પછી જગતના સ્ત્રીપુરૂષોમાં શિવશિવાને નિહાળવાએ સર્વશ્રેષ્ઠ દર્શન છે.

આમ તો પ્રત્યેક માસની ચૌદશ શિવરાત્રી ગણાય છે. મહાવદ ચૌદશ તે ભગવાન શિવનો અતિપ્રિય દિવસ છે. એટલે તે મહાશિવરાત્રી કહેવાય છે. સૌ લોકો આ દિવસે ઉપવાસ કરી રાત્રે ભગવાન શંકરની ષોડશોપચાર પૂજા કરે છે. આખી રાત જાગરણ કરી પ્રભુભજન કરે છે.(૪૫.૯)

જાડેજા ભૂમિકાબા આર.

એમ.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ, રાજકોટ

(3:31 pm IST)