Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ગ્રીનલેન્ડ ચોકડીએ કેશોદના એસટી બસના કંડકટર અને ડ્રાઇવરને બે શખ્સોએ માર માર્યો

દરવાજા વચ્ચે ઉભેલા બે શખ્સને 'બેસવું હોય તો બેસો, નહિતર બીજા મુસાફરોને આવવા દો' તેમ કહેતાં ડખ્ખોઃ બંને શખ્સોએ 'તમારા બાપુજીની બસ છે?' તેમ કહી ગાળો પણ ભાંડીઃ ખોટી નંબર પ્લેટવાળા બાઇક પર ભાગ્યાઃ સીસીટીવી ફૂટેજ ચકાસવા તજવીજ

રાજકોટ તા. ૨૦: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડીએ કેશોદ-નરોડા રૂટની એસટી બસમાં ચડેલા બે અજાણ્યા મુસાફરો બસના દરવાજા વચ્ચે ઉભા રહી ગયા હોઇ કંડકટરે 'બેસવું હોય તો બેસો, નહિતર બીજા મુસાફરોને આવવા દો' તેમ કહેતાં આ બંને શખ્સોએ 'તમારા બાપુજીની બસ છે?' તેમ કહી કંડકટરને ધોલધપાટ કરી ગાળો ભાંડ્યા બાદ વચ્ચે પડેલા ડ્રાઇવરને પણ મારકુટ કરી ફરજમાં રૂકાવટ કરતાં અને બાદમાં એક બાઇક પર બેસી ભાગી ગયા હતાં. આ બાઇકના નંબર પણ ખોટા હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ આદરી છે.

 

બે અજાણ્યા શખ્સોએ મારકુટ કરતાં ઇજા થતાં કેશોદ-નરોડા રૂટની બસના ડ્રાઇવર કેશોદના ભંડુરી પીપળીયાનગરમાં રહેતાં લક્ષમણભાઇ ભીખાભાઇ રામ (ઉ.૩૦)ને ૧૦૮ના ઇએમટી ધર્મેશ બારૈયા અને પાઇલોટ નિલેષભાઇએ સિવિલમાં ખસેડતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એમ. સાંકળીયા અને અશ્વિનભાઇએ તેની ફરિયાદ પરથી જીજે૩કેજી-૬૪૪૬ નંબરના બાઇક પર ભાગી ગયેલા બે શખ્સ સામે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

લક્ષમણભાઇએ પોલીસને જણાવ્યા મુજબ પોતે કેશોદથી એસટી બસ હંકારી અમદાવાદ નરોડા જઇ રહ્યા હતાં. રાત્રે બારેક વાગ્યે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ મુસાફરો લેવા બસ ઉભી રાખતાં બે મુસાફર બસના દરવાજા વચ્ચે જ ઉભા રહી ગયા હતાં. આથી કંડકટર મુકેશભાઇ બાબુભાઇ નિમાવતે આ બંનેને 'બેસવું હોય તો બેસી જાવ, નહિતર થોડા દૂર ખસો તો બીજા મુસાફરો આવી શકે' તેમ કહેતાં આ બંનેએ તમારા બાપુજની બસ છે? તેમ કહી ગાળો ભાંડી તેને મારકુટ શરૂ કરતાં પોતે વચ્ચે પડતાં પોતાને પણ ફરજમાં રૂકાવટ કરી માર મરાયો હતો.

બાદમાં બંને એક બાઇક પર ભાગ્યા હતાં. પોલીસે આ નંબર ચેક કરતાં તે ખોટા હોવાનું જણાયું છે. ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળે તો ચેક કરવા તજવીજ હાથ ધરાઇ છે. (૧૪.૬)

(11:58 am IST)