Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

૧૩ કલાકારો સાઉદી અરેબિયામાં કલાના કામણ પાથરશે

આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટીવલમાં પાંચ દિવસ ભારતીય સંસ્કૃતિ રજૂ કરશે :કંકણ ગ્રુપ - શ્રી હંસ એજ્યુ. ટ્રસ્ટના નેજા હેઠળ પારંપારીક વસ્ત્રોમાં કલાકારો હુડો, સીદી ધમાલ, લઠ્ઠ નૃત્ય, તલવાર રાસ જેવી કૃતિ પ્રદર્શિત કરશે

રાજકોટ, તા. ૨૦ : ધ ઈન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર - ભારતીય સંસ્કૃતિ સંબંધ પરિષદ) મીનીસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા સ્પોન્સર્ડ ૧૩ કલાકારો શ્રી હંસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ખ્યાતિ પ્રાપ્ત કલાસંસ્થા કંકણ ગ્રુપ રાજકોટ તેમજ વર્સેટાઈલ ડાન્સીઝના ક્ષેત્રે અનોખુ અગ્રીમ સ્થાન ધરાવતી શ્રી હંસ ડાન્સ એકેડમી દ્વારા પસંદગી પામી ઈન્ટરનેશનલ ડાન્સ આર્ટ ફેસ્ટીવલ ''જનાદ્રીયા''માં સાઉદી અરેબીયાની રાજધાની રીયાધ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છે. ''જનાદ્રીયા'' ફેસ્ટીવલ તા.૨૧થી ૨૫ ફેબ્રુઆરી એમ પાંચ દિવસ યોજાયેલ છે. દરરોજ બે શો યોજાનાર છે. જે અંતર્ગત કલાકારો ગુજરાતના ગરીમામયી ધમાકેદાર લોકનૃત્યોની પ્રસ્તુતિ કરશે.

જનાદ્રીયા ફેસ્ટીવલમાં શ્રી અશોક હંસદેવ સાગઠીયાના નેજા હેઠળ જાહીદ મોહમ્મદ મકવાણા, વસીન અનવર મકવાણા, પાર્થ અનિલભાઈ કારીયા, સિદ્ધાર્થ કેતનકુમાર મહેતા, ઈમરાન ઈસ્માઈલ મકવાણા, આસીફ યુસુફભાઈ અલમુબ્રીક, શકીલ જમાલભાઈ સીદી, જાવેદ સીકન્દરભાઈ સીદી, સલીમ બાબુભાઈ મકરાણી, ફૈઈઝલ મુબારક સીદી, અલારર્ખાં અબ્દુલ હનીફ મુકીન્ડો અને સમીર મીનાઝભાઈ નોબી વૈવિધ્યસભર લોકનૃત્યોની રંગારંગ રજૂઆત કરશે.

પ્રસ્તુત લોકનૃત્યો - કૃતિ-૧ દાંડીયારાસ  : ગુજરાતની આગવી ઓળખસમ વિશ્વપ્રસિદ્ધ દાંડીયારાસ ગોકુળમાં એક કાનુડો કાન છે ત્યાં મુને લઈ હાલોને... વેણુ વગાડે કાન ધેનુ ચરાવતો જશોદા નંદજીનો લાલો રે. દાંડીયારાસમાં સૌરાષ્ટ્ર કાઠીયાવાડનો શુદ્ધ દેશી પ્રાચીન દાંડીયારાસ તેના પારંપારીક વસ્ત્રો કેડીયુ, ચોયણી, ટોપી, કમરબંધમાં સજ્જ થઈ દેશી ટપ્પો, બેસણી, હીંચ, ચલતીને દુહાની રમઝટ સાથે કાઠીયાવાડનો કલાવારસો પ્રગટ કરશે.

કૃતિ - ૨ : હુડો : પ્રસ્તુતિ સૌરાષ્ટ્રના લોકનૃત્યોની હોયને મનપાંચમના મેળા તરણેતરની રંગબેરંગી છત્રીઓ - રૂમાલોની રંગત જમાવતો ભરવાડી હુડો તો પ્રેક્ષકોને નાચવાની ચાનક ચડાવે. કલાકારો ભરવાડી પનીયા ધોતી, બંડી, ઘુઘરા, છત્રી અને રંગબેરંગી રૂમાલ સાથે કોઈ મેળે બાંધી લ્યોને મેળો. મેળો મારો રંગીલો. આ તરણેતરીયો મેળો મેળો મારો રંગીલો લોકગીત પર 'હેત'ના હલકારે હુડો પ્રસ્તુત કરનાર છે.

કૃતિ - ૩ : સીદી ધમાલ : સૌરાષ્ટ્ર - ગુજરાતના આદિવાસી નૃત્યોમાં સીદી કોમ દ્વારા પ્રકૃતિ - પ્રાણી - પરમેશ્વરને થનગનતુ કરતુ આદિવાસી લોકનૃત્ય ''સીદી ધમાલ'' ''બાના રે બાના બાના બાના બાના જાંબોકાબી બાના'' તેના પારંપારીક વાજીંત્રો (લાઈવ) અને આદિવાસી મોરપિચ્છથી સજ્જ વસ્ત્રોમાં પ્રસ્તુત કરાશે. ધમાલ નૃત્યમાં પશુ - પક્ષીઓના નર્તનની ચેષ્ટા તેમજ દેવને રીઝવવા નાચતા નાચતા માથાથી નાળીયેર ફોડી નાખવાની અદ્દભૂત નર્તન કલા શ્રી અલ્લારખાંના નેતૃત્વ હેઠળ સીદી ધમાલ રૂપે વિશ્વ સામે પ્રદર્શિત થશે.

કૃતિ - ૪: લઠ્ઠનૃત્ય : સૌરાષ્ટ્ર સંત - સુરાની ધરતી તરીકે સર્વત્ર ખ્યાતનામ છે. લઠ્ઠ - જાડી લાકડીની સામસામે પ્રહાર કરવા, લાકડીને ચક્રરૂપે ફેરવવી, પૃથ્વી પર પ્રહાર કરવા, બે હાથે લાકડી હલ્લીસક શૈલીથી રમાડવી વગેરે જેવી નયનરમ્ય ચાલ ''ઘેરૂ ઘેરૂ નગારૂ બોલે છે... થૈ થૈ બોલે રે ઘેરૂ ઘેરૂ નગારૂ બોલે છે'' ગીતના સંગાથે કલાકારો જોબનવંતુ લઠ્ઠનૃત્ય પ્રસ્તુત કરશે.

કૃતિ - ૫ : તલવાર રાસ : કલાકારો દ્વારા શૌર્યરસને પ્રગટ કરતો તલવાર રાસ રજૂ થનાર છે. જેમાં ક્રમશઃ ૧ તલવાર - ઢાલ અને બે તલવારોથી કલાકારો શૂરવીર લોકનૃત્યોની પ્રસ્તુતિ કરશે. તલવાર રાસમાં ''હાલાજી તારા હાથ વખાણુ કે પછી તારા પગલા વખાણુ'' શૌર્યગીતના ઝનૂન સાથે કટક હાલવુ, લડવુ, રણમાં દુશ્મનોને રોળવા જેવી ક્રિયાત્મક નર્તન ગુંથણી ધરતીના ધબકાર સાથે રજૂ કરશે.

કૃતિ - ૬ : કરતાલ રાસ : નરસિંહ મહેતા, જીવણસાહેબ, લખીરામ સાહેબ જેવા સોરઠી સંતોએ દાસીભાવે રામસાગરના રણકારે અને કરતાલના (કર= હાથ... તાલ= તાલ) કર્ણપ્રિય તાલે પરમાત્માને નાચતા નાચતા રીઝવ્યો તે કરતાલ નૃત્ય સુફીભાવ સાથે કલાકારો પ્રસ્તુત કરશે. વિશ્વ વિખ્યાત ભજનીક હેમંતભાઈ ચૌહાણના કંઠે ગવાયેલુ ભજન ''નથી રે પીધા અણજાણી એ.. એ... મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી'' લોકભોગ્ય, પ્રસિદ્ધ દેશી ભજન પર કરતાલ રાસના કામણ કલાકારો પાથરશે.

બેઠી ધમાલ : ખાસ નાવિન્યમાં સામાન્ય રીતે સીદી ધમાલ ઉભી જ જોવા મળતી હોય છે. જયારે આ કલાકારોએ બેઠા બેઠા ગાતા ગાતા વાજીંત્રો વગાડતા વગાડતા બેઠી ધમાલ અને ત્યારબાદ નર્તનનાદથી ખનકતી ઉભી ધમાલ શ્રી અલ્લારખાં અબ્દુલહનીફ મુકીન્ડોના નૃત્ય નિર્દેશનમાં તહેનાત કરશે.

ઉપરોકત તમામ લોકનૃત્યોનું નૃત્ય નિર્દેશન કંકણ ગ્રુપ રાજકોટના સહન નૃત્ય નિદેર્શકો એવા ઝલક પંડ્યા - કરતાલ રાસ, સ્તુતિ પંડ્યા - ડાંડીયા રાસ, હીરલ લોટીયા - છત્રી - રૂમાલ હુડો નૃત્ય, પીન્ટુ પ્રફુલ પરમારે તલવાર રાસ, વર્ષા તહેલીયાણી - લઠ્ઠ રાસ, તેમજ સીદી ધમાલનું અલ્લારખાં મહીન્ડોએ કલાધરિત્રિ કંકણના સંસ્થાપિકા - સંચાલિકા - નૃત્ય નિર્દેશિકા સોનલબેન હંસદેવજી સાગઠીયા અને ગ્રુપ લીડર ટ્વીંકલ ઉપલ શાહના માર્ગદર્શન હેઠળ કર્યુ છે.

કલાધરિત્રિ સોનલબેન સાગઠીયા, કંકણ- શ્રીહંસ ટ્રસ્ટી - ટ્વીંકલ જાગાણી, જનાદ્રીયા ફેસ્ટ સંગીતકાર અશોક સાગઠીયા સાથે કોરીયો હીરલ ભાટીયા, અલ્લારખા મુકન્ડો અને કલાકારો સભીમ મકરાણી સાથે.

(4:40 pm IST)