Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પરિણિતાને દહેજ બાબતે દુઃખ ત્રાસ આપવા અંગેના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ર૦ :.. રાજકોટના રહીશ નરેશભાઇ જેરામભાઇ ઢોલરીયા તથા તેના કુટુંબીજનોનો શારીરિક-માનસિક દુઃખ ત્રાસ અને દહેજ માંગવા બાબતના કેસ ગોંડલની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મુકેલ છે.

ફરીયાદ પક્ષની ટૂંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી જાગૃતિબેન નરેશભાઇ ઢોલરીયા આરોપી નં. ૧ ના પત્નિ થાય છે. અને બન્નેના લગ્નજીવન દરમ્યાન સાસુ-સસરા સાથે રહી ઘરકામ બાબતે તેમજ કરીયાવર બાબતે આરોપી નં. ર થી પ ના એ એકસંપ કરી આરોપી નં. ૧ ની ઉશ્કરેણી કરી, બીભત્સ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી કરીયાવર ઓછો લાવી છો અને પીયરમાં જઇ પાછા આવી વધુ કરીયાવર લાવ જે નહીતર જાનથી મારી નાખીશ એમ ધમકી આપી શારીરિક માનસીક દુઃખ ત્રાસ આપતા ઇ.પી. કો. કલમ પ૦૪, પ૦૬(ર), ૧૧૪, ૪૯૮ (ક) તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ અને ૭ મુજબનો ગુન્હો કરેલ હોય તેવી ફરીયાદ ફરીયાદીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આપતા તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ.

આ કામે રજૂ થયેલ રેકર્ડ પરના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા પરથી આ કામના આરોપીઓએ આ કામના ફરીયાદીને ગાળો બોલેલે હોય કે શારીરિક માનસીક દુઃખ ત્રાસ આપેલ હોય કે જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય કે દહેજની માંગણી કરેલ હોય, તેવી તમામ હકિકતોનું બચાવ પક્ષ દ્વારા ખંડન કરવામાં આવેલ, જેને ગોંડલના એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ધ્યાને લઇ નરેશભાઇ જેરામભાઇ ઢોલરીયા વિગેરે પાંચ આરોપીઓને ઇ. પી. કો. કલમ પ૦૪, પ૦૬ (ર), ૧૧૪, ૪૯૮ (ક) તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ અને ૭ મુજબના ગુન્હાના તહોમતમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં આરોપી નરેશભાઇ જેરામભાઇ ઢોલરીયા વિગેરે પાંચના વકીલ તરફે ધર્મેન્દ્ર જે. ભટ્ટ એન્ડ શૈલેષ એમ. ભટ્ટ  અને ચિરાગ એમ. કકકડ, એ. એ. બેલીમ રોકાયેલ હતાં.

(4:35 pm IST)