Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કોર્પોરેશનનું બજેટ પ્રજાલક્ષીઃ પુષ્કર પટેલ

રાજકોટ તા. ૨૦ : રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે બજેટ બોર્ડમાં જણાવ્યું હતું કે, સને ૨૦૧૭-૧૮નું રિવાઇઝડ બજેટ અને સને ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર આજે શ્રી રમેશભાઈ છાયા સભાગૃહમાં મળેલ સામાન્ય સભાની બેઠકમાં રજુ કરતા હું હર્ષની લાગણી અનુભવું છુ. રાજકોટને નમુનેદાર 'વિકાસ પથ' પર આગળ ધપાવવા પ્રજાલક્ષી બજેટ રજુ કરવાની મને જે તક આપી તે બદલ આભાર વ્યકત કર્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વર્ષ : ૨૦૧૮-૧૯નું રૂ.૧૭૨૭.૫૮ કરોડનું કદ ધરાવતું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં અનુમતિ અર્થે રજુ કરેલ હતું. કમિશનરશ્રી દ્વારા નવા કર પ્રસ્તાવ, તેમજ પરંપરાગત મિલકત વેરા આકારણી પધ્ધતિના સ્થાને કાર્પેટ એરિયા બેઇઝડ નવી મિલકત વેરા પધ્ધતિ, ઉપરાંત અન્ય વિકાસલક્ષી યોજનાઓ બજેટમાં સૂચવવામાં આવેલ. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટની વિવિધ જોગવાઈઓની સમિક્ષા કરી, રાજકોટ શહેરની પરિસ્થિતિ, શહેરીજનોની જરૂરિયાતો, રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સમતુલા ધ્યાનમાં રાખી, જરૂરી ફેરફારો કર્યા છે, સાથોસાથ લોકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે કેટલીક નવી યોજનાઓ પણ બજેટમાં સામેલ કરી, શહેરને નવા પરિવર્તન ભણી લઇ જવાનો પ્રયાસ કર્યો છે.

સરકારશ્રી પાસેથી વિવિધ હેડ હેઠળ મળી રહેલી ગ્રાન્ટ અને મહાનગરપાલિકાની પોતાની આવકમાંથી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવા સ્ટેન્ડિંગ કમિટીએ ઘનિષ્ઠ વિચારણા બાદ રૂ.૧૭૬૯.૩૩ કરોડનું બજેટ મંજુર કરેલ છે. જેમાં શહેરના તમામ ક્ષેત્ર અને છેવાડાના માનવીને પણ વિકાસની અનુભૂતિ થતી રહે તેવી કાળજી રાખી છે.

વધુમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળની વિકાસ યાત્રામાં રાજકોટ શહેરને સામેલ થવા માટે ગુજરાત રાજયના  મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તરફથી હંમેશા માર્ગદર્શન મળેલ છે. વધુમાં, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી રાજકોટ મહાનગરપાલિકાને કાયમી સહયોગ મળી રહ્યો છે, જેને લીધે રાજકોટ શહેર વિકાસની નવી ક્ષિતિજ સર કરી રહ્યું છે. જે બદલ રાજકોટ મહાનગરપાલિકા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની આભારી છે.

ભૂતપૂર્વ મેયર સ્વ.શ્રી અરવિંદભાઈ મણીઆરથી શરુ કરીને ઉતરોત્ત્।ર ભાજપના શાસનકાળ દરમ્યાન તમામ ભૂતપૂર્વ મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીઓ અને અન્ય તમામ પદાધિકારીશ્રીઓએ રાજકોટ શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવેલ છે.

શ્રી પટેલે અંતમાં પૂર્વ મેયર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ મેયરશ્રી, ડે.મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્યશ્રીઓ, તમામ કમિટીના ચેરમેનશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ, પક્ષના હોદ્દેદારશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, ઇલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડીયાના તમામ પ્રતિનિધિશ્રીઓ ઉપરાંત નગરજનો પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો અને તેઓનો સાથ-સહકાર ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી અપેક્ષા અને વિશ્વાસ રાખ્યો છે.

(2:56 pm IST)